VIDEO: Health/ જો તમને પણ ગરદનમાં અકડામણ કે દુખાવો થતો હોય, તો જાણો એ સામાન્ય છે કે સર્વાઈકલ!
મોબાઈલ-લેપટોપનો કલાકો સુધી વપરાશ અને ખરાબ પોશ્ચર (બેસવાની રીત)ના કારણે ગરદનમાં દુખાવો થવો હવે સામાન્ય બની ગયો છે. મોટાભાગના લોકો આ દુખાવાને 'સર્વાઈકલ સ્પોન્ડિલાઈટિસ' સમજી લે છે, પરંતુ ગરદનનો દરેક દુખાવો સર્વાઈકલ નથી હોતો. સર્વાઈકલના લક્ષણો, કારણો અને કસરત વિશે અહીં માહિતી આપી છે. આ લક્ષણો જાણ્યા પછી તમે સામાન્ય દુખાવા અને સર્વાઈકલ વચ્ચેનો તફાવત સમજી શકશો.
સૌ પ્રથમ સમજો, સર્વાઈકલ સ્પોન્ડિલાઈટિસ શું છે?
કરોડરજ્જુના ઉપરના ભાગને સર્વાઈકલ કહેવામાં આવે છે, જે ગરદનમાં હોય છે અને માથાને સંભાળવાની તેમજ હલાવવાની જવાબદારી નિભાવે છે. સર્વાઈકલની અંદર 7 મણકા (વર્ટીબ્રે) અને અનેક ડિસ્ક તેમજ સાંધા હોય છે. જ્યારે ઉંમર વધવાની સાથે આ મણકા અને સાંધા નબળા પડે અથવા તેને નુકસાન થાય, ત્યારે તે સ્થિતિને સર્વાઈકલ સ્પોન્ડિલાઈટિસ કહેવાય છે. એટલે કે ઉંમરને કારણે સર્વાઈકલ ભાગમાં થતો ઘસારો.
સર્વાઈકલ સ્પોન્ડિલાઈટિસના ખાસ લક્ષણો
ડોક્ટરના જણાવ્યા મુજબ, સર્વાઈકલનો મુખ્ય સંકેત ગરદનનો દુખાવો છે. પરંતુ તેની સાથે આ લક્ષણો પણ જોવા મળે છે:
ગરદનમાં જકડાઈ જવી (અકડામણ).
માથાનો દુખાવો.
દુખાવો ગરદનથી ખભા અને હાથ સુધી ફેલાવો.
હાથમાં ઝણઝણાટી કે બહેરાશ આવવી.
આ લક્ષણોની મદદથી તમે સામાન્ય ગરદનના દુખાવા અને સર્વાઈકલ વચ્ચેનો તફાવત પારખી શકો છો.
સૌથી પહેલું કામ: પોશ્ચર સુધારો
ખરાબ પોશ્ચર એ સર્વાઈકલનું મુખ્ય કારણ છે. લેપટોપ કે મોબાઈલ વાપરતી વખતે ગરદન નમાવી રાખવાથી સ્પાઈન પર દબાણ આવે છે.
સ્ક્રીનને હંમેશા આંખની સમાંતર (Eye level) રાખો.
કમર અને માથું એક સીધી રેખામાં રાખો.
વચ્ચે-વચ્ચે બ્રેક લો અને તમારી બેસવાની રીત ચેક કરતા રહો.
કસરત અને થેરાપી
નિયમિત ફિઝિયોથેરાપી સર્વાઈકલ માટે ખૂબ અસરકારક છે.
નેક રોટેશન: ગરદનને ધીમેથી ફેરવવી.
ચિન ટક અને શોલ્ડર રોલ: ખભા ફેરવવા જેવી કસરતોથી માંસપેશીઓનું તણાવ ઓછું થાય છે.
કોઈપણ કસરત નિષ્ણાતની સલાહ મુજબ જ કરવી જોઈએ.
દવાઓ અને સારવાર
વધારે દુખાવા માટે ડોક્ટરો એન્ટી-ઈન્ફ્લેમેટરી દવાઓ અથવા મસલ રિલેક્સન્ટ આપે છે. ક્યારેક જેલ અથવા હીટ પેચની સલાહ આપવામાં આવે છે. જોકે, જીવનશૈલીમાં ફેરફાર કરવો એ જ કાયમી ઉકેલ છે.
ગરમ અને ઠંડો શેક
ગરમ શેક: માંસપેશીઓને આરામ આપે છે અને બ્લડ સર્ક્યુલેશન સુધારે છે.
ઠંડો શેક: સોજો ઓછો કરવામાં મદદ કરે છે.
જીવનશૈલીમાં આ ફેરફારો કરો:
એક ખભા પર ભારે વજન ન ઉચકવું.
સુતી વખતે સપોર્ટિવ તકિયાનો ઉપયોગ કરવો.
ગાદલું કરોડાજ્જુને સપોર્ટ આપે તેવું હોવું જોઈએ.
શારીરિક રીતે એક્ટિવ રહો અને વજન નિયંત્રણમાં રાખો.
ગરદનને એકાએક ઝટકા સાથે ન ફેરવવી.

