VIDEO: Health/ શું તમને છાતીમાં દુખાવો થાય છે? જાણો, આ હાર્ટ એટેકનો સંકેત છે કે અન્ય કારણ!
દરરોજ અનેક દર્દીઓ છાતીમાં દુખાવો, ચૂંક કે ભારેપણું જેવી ફરિયાદો લઈને કાર્ડિયોલોજિસ્ટ પાસે જાય છે. આ લક્ષણો દેખાય ત્યારે કાર્ડિયોલોજિસ્ટને મળવું એ સારી વાત છે, પરંતુ ગભરાઈ જવું (પૈનિક કરવું) ખોટું છે. કારણ કે, હાર્ટ એટેક સિવાય અન્ય 5 સામાન્ય કારણો પણ છે જેના લીધે છાતીમાં આવી તકલીફો થઈ શકે છે. પાચનતંત્ર, સ્નાયુઓ, ફેફસાં, એન્ઝાયટી (ચિંતા) અથવા ખોટા પોશ્ચરને કારણે અવારનવાર છાતીમાં દુખાવો કે ચૂંક અનુભવાય છે.
હાર્ટ એટેકની ઓળખ શું છે?
જ્યારે તમે છાતીમાં તકલીફની ફરિયાદ લઈને ડૉક્ટર પાસે જાઓ છો, ત્યારે તેઓ સૌથી પહેલા હાર્ટ એટેક કે હૃદયની બીમારીની જ તપાસ કરે છે, કારણ કે તે એક ઇમરજન્સી સ્થિતિ છે જેમાં તાત્કાલિક સારવારની જરૂર હોય છે. હાર્ટ એટેકને કારણે છાતીમાં દુખાવો-ચૂંક, શ્વાસ લેવામાં તકલીફ, ઉબકા આવવા, ચક્કર આવવા અથવા દુખાવો ખભા, જડબા કે પીઠ સુધી ફેલાવો જેવા સંકેતો દેખાય છે. એકવાર તપાસ પછી ડૉક્ટરને ખાતરી થઈ જાય કે આ હૃદયની બીમારી નથી, પછી નીચેના અન્ય કારણો પર ધ્યાન આપવામાં આવે છે.
એસિડિટી અને એસિડ રિફ્લક્સ
છાતીમાં દુખાવાનું સૌથી સામાન્ય કારણ એસિડિટી છે. આ સ્થિતિમાં પેટનો એસિડ અન્નનળીમાં ઉપરની તરફ આવે છે, જેનાથી છાતીમાં બળતરા થાય છે. તેને 'હાર્ટબર્ન' કહેવામાં આવે છે. આ દુખાવાની ઓળખ એ છે કે તે ભારે કે મસાલેદાર ખોરાક ખાધા પછી અથવા સૂતી વખતે વધી જાય છે.
બચવા માટેના ઉપાય: એસિડિટી પેદા કરતા ખોરાકથી દૂર રહો. એકસાથે વધુ ખાવાને બદલે થોડું-થોડું ખાઓ અને જમ્યા પછી તરત સૂવું નહીં. ચા, કોફી અને સ્મોકિંગ ઓછું કરો.
કોસ્ટોકોન્ડ્રાઇટિસ અને સ્નાયુઓનો ખેંચાણ
છાતીના સ્નાયુઓ અથવા સાંધાના કારણે પણ દુખાવો થઈ શકે છે. ભારે સામાન ઉપાડવો, જોરથી ઉધરસ ખાવી, અચાનક વળવું અથવા ખોટા પોશ્ચરને કારણે સ્નાયુઓમાં તણાવ આવે છે. આ ઉપરાંત, કોસ્ટોકોન્ડ્રાઇટિસ (પાંસળીના કાર્ટિલેજમાં સોજો) ને કારણે પણ દુખાવો થઈ શકે છે, જે હલનચલન કરવા કે તે ભાગ દબાવવાથી વધે છે.
બચવા માટેના ઉપાય: આરામ કરો, ગરમ શેક કરો અને પોશ્ચર સુધારો. હળવી સ્ટ્રેચિંગ અને ફિઝિયોથેરાપીથી પણ રાહત મળે છે.
એન્ઝાયટી, સ્ટ્રેસ અને પેનિક એટેક
માનસિક તણાવ અને ચિંતાને કારણે પણ છાતીમાં ચૂંક આવી શકે છે. તેમાં છાતીમાં જકડન, ધબકારા વધવા, શ્વાસ ફૂલવો અને પરસેવો આવવા જેવા લક્ષણો દેખાય છે. આ લક્ષણો હાર્ટ એટેક જેવા જ લાગતા હોવાથી ડૉક્ટર પાસે તપાસ કરાવી લેવી જરૂરી છે.
બચવા માટેના ઉપાય: બ્રીધિંગ એક્સરસાઇઝ (શ્વાસોશ્વાસની કસરત), પૂરતી ઊંઘ અને કેફીનનું સેવન ઘટાડવાથી ફાયદો થાય છે.
ફેફસાં સંબંધિત બીમારી
ફેફસાંમાં ઈન્ફેક્શન, ન્યુમોનિયા અથવા ગંભીર ઉધરસને કારણે છાતીમાં ભારેપણું કે દુખાવો થઈ શકે છે. ઘણીવાર અસ્થમા (દમ) ને કારણે પણ છાતીમાં જકડન વધી જાય છે.
બચવા માટેના ઉપાય: ઈન્ફેક્શન હોય તો એન્ટિબાયોટિક્સ લેવી પડે છે. જો છાતીમાં દુખાવાની સાથે તાવ કે સતત ઉધરસ હોય, તો તરત ડૉક્ટરનો સંપર્ક કરવો.
ગેસ અને અપચો
પેટમાં ગેસ ભરાવાને કારણે તે ઉપરની તરફ દબાણ કરે છે, જેનાથી છાતીના નીચેના ભાગમાં તકલીફ થાય છે. આ દુખાવાની સાથે ઓડકાર આવવા કે પેટમાં ભારેપણું અનુભવાય છે.
બચવા માટેના ઉપાય: ધીમે-ધીમે ચાવીને ખાઓ, ઓવરઈટિંગ ટાળો અને જમ્યા પછી ચાલવાની આદત રાખો.
છાતીમાં દુખાવો કે ભારેપણું હંમેશા હાર્ટ એટેક જ હોય તે જરૂરી નથી. તેના પાછળ અનેક સામાન્ય કારણો હોઈ શકે છે, પરંતુ તેને અવગણવા જોઈએ નહીં. સૌથી પહેલા ડૉક્ટરને મળીને સચોટ કારણ જાણી લેવું હિતાવહ છે.

