Health: જો તમે પણ ઓવરથિંકિંગથી પરેશાન છો તો આજે જ શરૂ કરો 'Mental detox'

માઇન્ડ ડિટોક્સનો અર્થ છે મનમાંથી નકારાત્મક વિચારો, તણાવ અને બિનજરૂરી ચિંતાઓને દૂર કરવી. જે રીતે આપણે શરીરને સાફ રાખીએ છીએ, તે જ રીતે આ મનને પણ સ્વચ્છ રાખવું જોઈએ, જેનાથી માનસિક સ્વાસ્થ્ય સુધરે છે. નેશનલ હેલ્થ મિશન (NHM) એ જણાવ્યું છે કે સારી ઊંઘ વગર માઇન્ડ ડિટોક્સ અધૂરું છે, તેથી સાંજે તણાવમુક્ત રહેવું અને સમયસર સૂવું ખૂબ જ જરૂરી છે.
આજની ભાગદોડભરી જિંદગીમાં તણાવ, ચિંતા અને ઓવરથિંકિંગ સામાન્ય બાબત બની ગઈ છે. આવી સ્થિતિમાં માનસિક સમસ્યાઓથી રાહત મેળવવા માટે માઇન્ડ ડિટોક્સ એટલે કે મનની સફાઈ જરૂરી છે, જે માનસિક શાંતિ, સારુ ફોકસ અને સ્વસ્થ રહેવા માટે અત્યંત આવશ્યક છે. નેશનલ હેલ્થ મિશન અનુસાર, માઇન્ડ ડિટોક્સ માટે સૌથી મહત્ત્વનું છે સારી અને સમયસર ઊંઘ લેવી. ઊંઘ દરમિયાન મગજ પોતાની જાતે ડિટોક્સ થાય છે, તણાવ ઓછો થાય છે અને બીજા દિવસે તાજગીનો અનુભવ થાય છે. એટલું જ નહીં, આ માટે રોજિંદી આદતોમાં કેટલાક સરળ ઉપાયો અપનાવવા જોઈએ.
કેવી રીતે કરશો માઇન્ડ ડિટોક્સ?
તણાવ પર નિયંત્રણ:
માઇન્ડ ડિટોક્સ માટે સૌથી પહેલા તણાવને નિયંત્રિત કરો. સાંજે કામ કે ચિંતાની વાતો છોડી દો. પરિવાર સાથે હળવી વાતચીત કરો અથવા કોઈ મનપસંદ કામ કરો. આનાથી મન શાંત રહે છે અને ઊંઘ સારી આવે છે.
સ્ક્રીન ટાઈમ મર્યાદિત કરો:
સૂવાના ઓછામાં ઓછા 1 કલાક પહેલા મોબાઈલ, ટીવી કે લેપટોપ બંધ કરી દો. ડિજિટલ ઉપકરણોની બ્લૂ લાઈટ ઊંઘ બગાડે છે અને મગજને ઉત્તેજિત રાખે છે.
ડાયટ (ખોરાક)
માઇન્ડ ડિટોક્સ માટે પૌષ્ટિક આહાર પણ ખૂબ જરૂરી છે.
રાત્રિનું ભોજન હળવું અને પૌષ્ટિક રાખો.
વધારે મસાલેદાર કે ભારે ખોરાક લેવાનું ટાળો.
સાંજ પછી ચા-કોફી જેવા કેફીનયુક્ત પીણાં ન લો. આનાથી ઊંઘ સારી આવે છે અને મન શાંત રહે છે.
યોગ અને મેડિટેશન
દિનચર્યામાં યોગ અને મેડિટેશનને સામેલ કરો. સવારની સાથે સાંજે પણ ઓછામાં ઓછી 10 કે 15 મિનિટ યોગાસન, પ્રાણાયામ કે મેડિટેશન કરો. ઊંડા શ્વાસ લેવા અથવા માઇન્ડફુલનેસથી મનની અશાંતિ દૂર થાય છે અને સારી ઉંઘ આવે છે.
જો નિયમિતપણે આ ઉપાયો અપનાવવામાં આવે, તો તણાવ ઓછો થશે, ઊંઘ સુધરશે અને મગજ હંમેશા તરોતાજા રહેશે.

