Health News : ઘર-ઘરની ચિંતા: WHOનો ચોંકાવનારો રિપોર્ટ, દૂષિત ખોરાકથી દર વર્ષે 86 કરોડ લોકો બીમાર અને 15 લાખથી વધુના મોત

ઘણી વખત આપણે અજાણતામાં ખરાબ, વાસી કે અનહાઇજેનિક (અસ્વચ્છ) ખોરાક ખાઈ લઈએ છીએ, પરંતુ આ આદત આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનકારક સાબિત થઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા અંદાજો અનુસાર, દૂષિત ખોરાક ખાવાને કારણે દુનિયાભરમાં દર વર્ષે 86 કરોડથી વધુ લોકો બીમાર પડે છે અને સ્થિતિ બગડવાના કારણે 15 લાખથી વધુ લોકોના મોત નીપજે છે.
નાના બાળકો માટે ત્રણ ગણું વધુ જોખમ
આ આંકડા નાના બાળકોની સુરક્ષાને લઈને ગંભીર ચેતવણી આપે છે. રિપોર્ટ અનુસાર, 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મોટા બાળકો અને વયસ્કોની સરખામણીએ દૂષિત ખોરાકથી બીમાર થવાનું જોખમ આશરે ત્રણ ગણું વધારે હોય છે.
દુનિયાની કુલ વસ્તીમાં નાના બાળકોનો હિસ્સો માત્ર 9% છે, તેમ છતાં ખોરાકથી થતી બીમારીઓના કુલ કેસોમાંથી એક તૃતીયાંશ કેસ માત્ર નાના બાળકોમાં જોવા મળે છે. ખાસ કરીને ડાયરિયા (ઝાડા-ઊલટી) જેવી બીમારીઓ આ ઉંમરના બાળકો માટે જીવલેણ સાબિત થાય છે.
ખોરાક દ્વારા મિથાઈલ મરક્યુરી (Methylmercury) અને લેડ (સીસું) જેવા જોખમી કેમિકલ્સના સંપર્કમાં આવવાથી બાળકોના મગજને ગંભીર નુકસાન થાય છે, જે તેમનામાં જીવનભર માટે ન્યુરોલોજીકલ અને ડેવલપમેન્ટલ (માનસિક વિકાસ સંબંધી) સમસ્યાઓ પેદા કરી શકે છે.
બીમારીઓ અને મોતોને રોકવાના ઉપાયો
WHOના મતે, દૂષિત ખોરાકથી થતા લાખો મોતોને સામાન્ય જાગૃતિ અને પાયાની સુવિધાઓ દ્વારા રોકી શકાય તેમ છે, જેમ કે
1. શુદ્ધ પીવાનું પાણી.
2. આસપાસની સફાઈ અને પર્સનલ હાઇજીન (સ્વચ્છતા).
૩. પાશ્ચરાઈઝ્ડ (Pasteurized) ખોરાક તેમજ ફૂડ સેફ્ટીના યોગ્ય નિયમોનું પાલન.
4. ગરીબ અને વંચિત લોકોને સમયસર હેલ્થ કેર સેન્ટર (તબીબી સારવાર) સુધી પહોંચાડવી.
વર્ષ 2000 પછી વૈશ્વિક સ્તરે ખોરાકથી થતી બીમારીઓનો કુલ બોજ ઘટ્યો છે, પરંતુ હજુ પણ પ્રાદેશિક અસમાનતા મોટી ચિંતા છે. આ સમસ્યાનો સૌથી વધુ ભોગ આફ્રિકા અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો બની રહ્યા છે.
બાયોલોજિકલ ઇન્ફેક્શન કરતાં કેમિકલ જોખમો વધુ ઘાતક
ખોરાકમાં રહેલા બેક્ટેરિયા, વાયરસ અને પેરાસાઈટ્સ (પરજીવી) જેવા બાયોલોજિકલ જોખમોને કારણે બીમાર પડતા લોકોની સંખ્યા વધુ છે (વર્ષ 2021માં આશરે 86 કરોડ લોકો), પરંતુ મોતના કિસ્સામાં કેમિકલ પ્રદૂષણ વધુ જવાબદાર છે. વર્ષ 2021માં દૂષિત ખોરાકથી થયેલા કુલ મોતોમાંથી આશરે 73% મોત કેમિકલ જોખમોને કારણે થયા હતા. આ કેમિકલ મોતોમાં સૌથી વધુ હિસ્સો ઇનઓર્ગેનિક આર્સેનિક (42%) અને લેડ (31%)નો હતો, કારણ કે આ કેમિકલ્સ શરીરમાં જવાથી હૃદયરોગ (હાર્ટ એટેક) અને કેન્સરનું જોખમ અનેકગણું વધી જાય છે.
વૈશ્વિક અર્થતંત્રને અબજો ડોલરનું નુકસાન
આ સમસ્યા માત્ર સ્વાસ્થ્ય પૂરતી સીમિત નથી, પરંતુ દેશોની આર્થિક સ્થિતિને પણ નુકસાન પહોંચાડે છે. બીમારીના કારણે લોકો કામથી દૂર રહે છે, જેના લીધે વર્ષ 2021માં વૈશ્વિક પ્રોડક્ટિવિટી (ઉત્પાદકતા)માં આશરે 310 બિલિયન અમેરિકન ડોલર (આશરે 29. 68 લાખ કરોડ રૂપિયા)નું મોટું નુકસાન થયું હતું.
જ્યારે અલગ-અલગ દેશોના રહેણીકરણીના ખર્ચ (Living Cost) ના આધારે આ આર્થિક અસરને એડજસ્ટ કરવામાં આવી, ત્યારે આ નુકસાનનો અંદાજ વધીને 647 બિલિયન અમેરિકન ડોલર (આશરે 61.95 લાખ કરોડ રૂપિયા) પર પહોંચી ગયો હતો.
સ્વાસ્થ્યની સુરક્ષાને પ્રાથમિકતા આપવી પડશે: ડૉ. ટેડ્રોસ
WHOના મહાનિદેશક (Director-General) ડૉ. ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયેસસે જણાવ્યું કે, "ફૂડ સેફ્ટી (ખાદ્ય સુરક્ષા) કોઈ નાનો મુદ્દો નથી. આ દરેક ઘર, દરેક પરિવાર અને દરેક દિવસ સાથે જોડાયેલી બાબત છે. અસુરક્ષિત અને દૂષિત ખોરાક હંમેશાથી જાહેર સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય રહ્યો છે, પરંતુ અત્યાર સુધી આપણી પાસે તેનાથી થતા માનવીય અને આર્થિક નુકસાનનું આટલું સ્પષ્ટ ચિત્ર નહોતું."
તેમણે ઉમેર્યું કે, "પહેલીવાર દેશો પાસે પોતાના ચોક્કસ આંકડા છે, જેનાથી જાણી શકાશે કે સમસ્યા ક્યાં વધારે છે. આ માહિતીના આધારે હવે સરકારો પોતાના નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે કડક પગલાંને પ્રાથમિકતા આપી શકશે."
કેન્સર અને માનસિક નબળાઈનું જોખમ: સરકારોને અપીલ
WHOએ વર્ષ 2000થી 2021 દરમિયાન 194 દેશોના 42 જેટલા મોટા ફૂડબોર્ન (ખોરાકથી થતા) જોખમો, જેવા કે બેક્ટેરિયા, વાયરસ અને કેમિકલ્સનો ઊંડો અભ્યાસ કરીને આ ડેટાબેઝ તૈયાર કર્યો છે. આ વખતે રિપોર્ટમાં હેવી મેટલ્સ, રોટાવાયરસ અને ચાગાસ બીમારી ફેલાવતા પેરાસાઈટ (ટ્રિપેનોસોમા ક્રુઝી) નો પણ સમાવેશ કરાયો છે.
કુદરતી સ્ત્રોતો અથવા માનવીય ભૂલો/ઉદ્યોગોને કારણે ખોરાકમાં ઇનઓર્ગેનિક આર્સેનિક, લેડ અને મિથાઈલમરક્યુરી ભળી જાય છે. એકવાર આ ઝેરી તત્વો 'ફૂડ ચેઈન' (ખાદ્ય શ્રૃંખલા) માં પ્રવેશી જાય, પછી તેમને દૂર કરવા અશક્ય બની જાય છે. તેથી, WHO એ તમામ દેશોની સરકારોને અપીલ કરી છે કે તેઓ:
ખેતીની પદ્ધતિઓમાં સુધારો કરે.
ઔદ્યોગિક પ્રદૂષણ પર સખત નિયંત્રણો (Industrial Controls) લાદે.
પર્યાવરણના મજબૂત નિયમો બનાવીને પ્રદૂષણને મૂળમાંથી જ અટકાવે.
બદલાતી ખાણી-પીણી, પર્યાવરણીય દબાણ, ગ્લોબલાઈઝેશન અને ફૂડ સિસ્ટમની અસમાનતાને કારણે ગરીબ અને ઓછી આવક ધરાવતા દેશો (ખાસ કરીને આફ્રિકા અને દક્ષિણ-પૂર્વ એશિયા) આ સમસ્યાનો સૌથી મોટો ભોગ બને છે. વિશ્વમાં ખોરાકથી થતી કુલ બીમારીઓમાંથી પોણા ભાગની (૩/૪) અને 60% મોતો માત્ર આ બે વિસ્તારોમાં થાય છે.

