Health News: VIDEO: કોરોનાથી પણ વધુ ઘાતક છે ઇબોલા વાયરસ? આ 12 લક્ષણો દેખાય તો થઈ જજો સાવધાન!
ડબલ્યુએચઓ (World Health Organization) એ ઇબોલાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને તેને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડામાં ફેલાયેલા આ સંક્રમણને 'પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ કન્સર્ન' જાહેર કર્યા બાદ ગુજરાત સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. સંભવિત જોખમને જોતાં રાજ્યમાં દેખરેખ અને સ્વાસ્થ્ય સંબંધી તૈયારીઓને વધુ મજબૂત કરવામાં આવી રહી છે. ભારત પણ ઇબોલાના વધતા કેસોને કારણે એલર્ટ પર છે.
ઇબોલા શું છે?
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઇબોલા એ એક અત્યંત ગંભીર અને જીવલેણ વાયરલ બીમારી છે. તે સંક્રમિત વ્યક્તિ કે પ્રાણીના સંપર્કમાં આવવાથી ફેલાય છે. તેના લક્ષણો ઝડપથી વધીને ખૂબ ગંભીર રૂપ ધારણ કરી શકે છે. શરૂઆતના લક્ષણોમાં સામાન્ય તાવ આવે છે, પરંતુ ધીમે-ધીમે સ્થિતિ ગંભીર બની શકે છે. ઇબોલા સંક્રમિત વ્યક્તિના લોહી, અંગો અને શરીરમાંથી નીકળતા પ્રવાહી પદાર્થોના સીધા સંપર્કમાં આવવાથી ફેલાય છે. સંક્રમિત કપડાં અને પથારી જેવી વસ્તુઓ પણ ચેપ ફેલાવવાનું કારણ બની શકે છે. સ્વાસ્થ્ય કર્મચારીઓ અને દર્દીના નજીકના લોકોને સંક્રમણનું સૌથી વધુ જોખમ રહે છે.
ઇબોલા કેવી રીતે ફેલાય છે?
સંક્રમિત વ્યક્તિના લોહી અથવા શરીરના પ્રવાહીના સંપર્કમાં આવવાથી.
સંક્રમિત પ્રાણીઓના સંપર્કમાં આવવાથી.
સંક્રમિત વસ્તુઓને અડકવાથી.
ઇબોલાથી બચવાના ઉપાયો
સંક્રમિત વ્યક્તિથી અંતર જાળવી રાખો.
હાથને વારંવાર સાબુથી ધોવો.
માસ્ક અને ગ્લોવ્ઝ (મોજાં)નો ઉપયોગ કરો.
ડૉક્ટર પાસે ક્યારે જવું?
જો તમને અચાનક ખૂબ જ તીવ્ર તાવ આવે, સતત નબળાઈ લાગે, ઊલટી-ઝાડા થાય કે બ્લીડિંગ (લોહી વહેવું) શરૂ થાય, તો તરત જ તબીબી સહાય લો. ઇબોલાની સમયસર તપાસ, સારવાર અને આઇસોલેશન ખૂબ જ જરૂરી છે.
ઇબોલાના લક્ષણો શું છે?
ઇબોલા વાયરસના સંપર્કમાં આવ્યા પછી સામાન્ય રીતે 2 થી 21 દિવસની અંદર લક્ષણો દેખાઈ શકે છે. તેમાં નીચે મુજબના લક્ષણો જોવા મળી શકે છે:
- તીવ્ર તાવ
- અતિશય નબળાઈ અને થાક
- માથાનો દુખાવો
- સ્નાયુઓમાં દુખાવો
- ગળામાં ખરાશ
- ઊલટી અને ઝાડા
- પેટનો દુખાવો
- શરીર પર લાલ ચકામા (Rash) થવા
- આંખો લાલ થવી
- શરીરની અંદર અને બહાર બ્લીડિંગ (રક્તસ્ત્રાવ) થવો
- શ્વાસ લેવામાં તકલીફ પડવી
સ્વાસ્થ્ય વિભાગની સલાહ: નિષ્ણાતોનું કહેવું છે કે ગભરાવાની કોઈ જરૂર નથી, પરંતુ સતર્ક રહેવું અત્યંત જરૂરી છે. સમયસર તપાસ, યોગ્ય દેખરેખ અને સાવચેતી રાખવાથી ઇબોલા સંક્રમણના જોખમને ઘણું ખરું ઘટાડી શકાય છે.

