Health News : જમ્યા પછી તરત પાણી પીવું અમૃત કે ઝેર? ખોરાક પચાવવો હોય તો...

જમ્યા પછી મોટાભાગના લોકો પાણી પીતા હોય છે. કેટલાક લોકો એક-બે ઘૂંટડો પાણી પીએ છે, તો ઘણા લોકો આખો ગ્લાસ પાણી પી જાય છે. હેલ્થ એક્સપર્ટનું માનીએ તો, જમ્યા પહેલા પાણી પીવું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક માનવામાં આવે છે. આનાથી કેલરી કંટ્રોલ કરવામાં મદદ મળે છે. કેટલાક લોકો એવું માને છે કે જમ્યા પછી તરત જ પાણી પીવાથી પાચન બગડી જાય છે, જ્યારે કેટલાક લોકો માટે આ એક સામાન્ય આદત છે. અવારનવાર લોકોનો સવાલ હોય છે કે આ બાબતે આયુર્વેદ શું કહે છે? શું ખરેખર જમ્યા પછી તરત જ પાણી પીવું નુકસાનકારક છે? જાણો આ વિશે...
આ બાબતે આયુર્વેદનો શું અભિપ્રાય છે?
આયુર્વેદ અનુસાર આપણા શરીરમાં રહેલી જઠરાગ્નિ (પાચન અગ્નિ) ખોરાક પચાવવાનું કામ કરે છે. જમ્યા પછી તરત જ વધારે પાણી પીવાથી આ અગ્નિ નબળી પડી શકે છે, જેના કારણે પાચનની પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે.
ભોજન કર્યા પછી તરત જ બહુ વધારે ઠંડું પાણી પીવાથી બચવું જોઈએ. તેનાથી પેટમાં ભારેપણું, ગેસ અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો કે, જો કોઈ વ્યક્તિ જમતા પહેલા પાણી પીએ છે, તો આયુર્વેદમાં તેને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવ્યું છે. જમતી વખતે વચ્ચે-વચ્ચે પાણી પીવું પણ લાભદાયી હોવાનું જણાવાયું છે. ભોજન કર્યા પછી એક-બે ઘૂંટડો પાણી પીવું ઠીક છે, પરંતુ વધારે પાણી પીવાથી ડાયજેશન (પાચન) ધીમું થઈ શકે છે.
જમ્યાના કેટલી વાર પછી પાણી પીવું જોઈએ?
જમ્યાના અંદાજે 30 મિનિટ પછી પાણી પીવું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આનાથી પાચન પ્રક્રિયાને પોતાનું કામ કરવા માટે પૂરતો સમય મળી રહે છે. નવશેકું અથવા સામાન્ય તાપમાનનું પાણી શરીર માટે વધુ અનુકૂળ માનવામાં આવે છે, કારણ કે તે પાચન પ્રક્રિયાને શ્રેષ્ઠ બનાવી શકે છે.
જો કે, એક જ વારમાં ખૂબ વધારે પાણી પીવાથી કેટલાક લોકોને પેટ ફૂલવું, ભારેપણું કે અસ્વસ્થતા અનુભવાઈ શકે છે. તેથી, થોડું-થોડું કરીને પાણી પીવું વધુ સારું માનવામાં આવે છે. અત્યારે ગરમીની ઋતુ છે, તેથી આ સમય દરમિયાન શરીરની જરૂરિયાત અને તરસ મુજબ પાણીનું સેવન કરવું જોઈએ.ુેૂ
મોર્ડન સાયન્સ (આધુનિક વિજ્ઞાન) શું કહે છે?
મોર્ડન સાયન્સ અનુસાર, જમ્યા પછી તરત જ પાણી પીવું સામાન્ય રીતે નુકસાનકારક નથી હોતું. વૈજ્ઞાનિક અભ્યાસોમાં એવો કોઈ નક્કર પુરાવો મળ્યો નથી કે ભોજન કર્યા પછી પાણી પીવાથી પાચક રસો (Digestive juices) નબળા પડી જાય છે અથવા ખોરાક બરાબર પચતો નથી.
તેનાથી વિપરિતૉ પાણી ખોરાકને નરમ બનાવવામાં, તેને પેટમાંથી આંતરડા સુધી પહોંચાડવામાં અને પોષક તત્વોના શોષણમાં મદદ કરે છે. જો કે, એક જ વારમાં બહુ વધારે માત્રામાં પાણી પીવાથી કેટલાક લોકોને પરેશાની થઈ શકે છે.
નોંધ: આ આર્ટિકલ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે.

