મહિલાઓના કપડાંમાં કેમ નથી હોતાં ખિસ્સાં? પૈસાથી લઈને ફેશન સુધી છુપાયેલું છે આ વણઉકેલાયેલું રહસ્ય!

જો તમે એક મહિલા છો, તો કેટલીય વાર તમે પણ એક જ હાથમાં ફોન, મેટ્રો કાર્ડ, પાણીની બોટલ અને ચાવીઓ લઈને ઘરની બહાર નીકળ્યાં હશો. આ પરેશાનીને દૂર કરવા માટે કાં તો અલગથી એક પર્સ સાથે લેવું પડે છે અથવા તો એક હાથમાં જ બધી વસ્તુઓને બેલેન્સ કરવી પડે છે, જેથી બીજો હાથ ફ્રી રહી શકે.
જોકે, કપડાંમાં ખિસ્સું (પોકેટ) ન હોવાની આ સમસ્યા આજની નથી, પરંતુ ઘણી જૂની છે. મહિલાઓ અને પુરુષોના કપડાંના ડિઝાઇનિંગમાં આ તફાવત વર્ષો જૂનો છે. જ્યાં પુરુષોના કપડાંમાં મોટાં અને ઊંડાં ખિસ્સાં હોય છે, ત્યાં મહિલાઓના કપડાંમાં માત્ર બનાવટ અને લુક પર જ ધ્યાન આપવામાં આવે છે. જો માત્ર ભારતીય મહિલાઓની વાત કરીએ, તો પણ તેમના કપડાંમાં ખિસ્સું ન હોવું એ કોઈ યોગાનુયોગ નથી, પરંતુ તેની પાછળ ઐતિહાસિક અને આર્થિક કારણો છુપાયેલાં છે. ચાલો જાણીએ આ વિશે.
નાણાકીય બાબતો માટે નિર્ભરતા
આપણો સમાજ ઐતિહાસિક રીતે પુરુષપ્રધાન રહ્યો છે. પહેલાના જમાનામાં વેપાર અને બહારના લેવડ-દેવડના કામ સામાન્ય રીતે પુરુષો જ કરતા હતા અને મહિલાઓ ઘરની અંદરના કામ સંભાળતી હતી. તેથી ચાવી, પૈસા અને કાગળો વગેરે સાચવવાની જવાબદારી પુરુષો પર આવી. એટલા માટે એ જમાનામાં મહિલાઓના કપડાંમાં ખિસ્સું બનાવવાનો વિચાર જ ન આવ્યો, કારણ કે એ સમયે તેની જરૂરિયાત જ સમજવામાં નહોતી આવતી.
કપડાં સીવવામાં નહોતા આવતા
ભારતીય મહિલાઓ પહેલાં સાડી વધુ પહેરતી હતી, જેને વીંટાળીને પહેરવામાં આવતી હતી. આમાં સીવવાનું કોઈ કામ નહોતું. ત્યાં સુધી કે ચણિયા-ચોળી અને બ્લાઉઝનો ટ્રેન્ડ પણ ઘણો મોડો આવ્યો. એવામાં પોકેટ બનાવવા માટે સિલાઈ કરવી પડે અને એ જમાનામાં મહિલાઓના કપડાં સીવેલા નહોતા હોતા. તેથી ખિસ્સાનો કોઈ પ્રશ્ન જ નહોતો.
ફેશન પર વધુ ભાર
મહિલાઓના કપડાં બનાવતી વખતે તેની ઉપયોગીતા (યુટિલિટી) પર ઓછું અને ફેશન પર વધુ ધ્યાન આપવામાં આવતું હતું. ભારતીય મહિલાઓ સાથે પણ આવું જ હતું. જો તેમની સલવાર-કમીઝ કે ચણિયા-ચોળી વગેરેમાં ખિસ્સું બનાવી દેવામાં આવે, તો કમર પાસે વધુ ઉપસાવ આવી જાય. આનાથી કપડાંનો શેપ બગડી જાય. કપડાંનો લુક અને શેપ ન બગડે, એટલા માટે મહિલાઓના કપડાંમાં ખિસ્સું બનાવવામાં નહોતું આવતું.
સામાન રાખવાની બીજી દેશી રીતો
ભારતીય મહિલાઓ પાસે ખિસ્સું ન હોવા છતાં સામાન રાખવા માટે ઘણી અનોખી રીતો હતી. ચાવી કે પૈસાને સાડીના પાલવમાં બાંધી લેવામાં આવતા હતા. પૈસા રાખવા માટે ચણિયા કે સલવારના નાડા સાથે પોટલી બાંધી લેતી હતી, જેથી પૈસા સુરક્ષિત રહે. કંદોરામાં ચાવી લટકાવવી કે બ્લાઉઝમાં પૈસા રાખવા પણ આ જ જુગાડનો એક ભાગ હતા.
વેસ્ટર્ન ફેશનનો પ્રભાવ
18મી અને 19મી સદીમાં જ્યારે વેસ્ટર્ન ફેશનમાં બદલાવ આવ્યો, તો મહિલાઓના કપડાંમાં ખિસ્સું ન બનાવવા પાછળ હેન્ડબેગ્સના વેચાણને પ્રોત્સાહન આપવું એ મુખ્ય કારણ હતું. અંગ્રેજોની સાથે આ ફેશન ભારત પણ પહોંચી અને અહીંના કપડાંમાં પણ મહિલાઓ માટે ખિસ્સાં ન બનાવવા અથવા તો ખૂબ જ નાના ખિસ્સાં બનાવવાનું શરૂ થયું, જેથી તે કોઈ કામમાં ન આવી શકે અને મહિલાઓને પર્સ કે હેન્ડબેગ ખરીદવું પડે.

