મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કંપારી છૂટી જાય તેવી ઘટના: ટ્રેનના કોચમાં બોક્સ અને બેગમાંથી મળ્યા મહિલાના અંગો, માથું ગાયબ!

Uttar Pradesh Crime News: ઉત્તર પ્રદેશના લખનઉમાં એક હચમચાવી મૂકે તેવી ક્રૂર હત્યાની ઘટના સ

કંપારી છૂટી જાય તેવી ઘટના: ટ્રેનના કોચમાં બોક્સ અને બેગમાંથી મળ્યા મહિલાના અંગો, માથું ગાયબ!
આ સમાચાર સાંભળો

Uttar Pradesh Crime News: ઉત્તર પ્રદેશના લખનઉમાં એક હચમચાવી મૂકે તેવી ક્રૂર હત્યાની ઘટના સામે આવી છે. છાપરાથી લખનઉના ગોમતી નગર સ્ટેશને પહોંચેલી 'છાપરા-ગોમતી નગર એક્સપ્રેસ' ટ્રેનના સ્લીપર કોચમાંથી એક અજાણી મહિલાનો પાંચ ટુકડામાં કાપેલો માથા વગરનો મૃતદેહ મળી આવતા રેલવે તંત્ર અને પોલીસ પ્રશાસનમાં ભારે દોડધામ મચી ગઈ છે.

રૂટીન ચેકિંગ દરમિયાન બોક્સ અને બેગમાંથી મળ્યા અંગો

અહેવાલો અનુસાર, ટ્રેન તેના છેલ્લા સ્ટેશન ગોમતી નગર ખાતે પહોંચી ત્યારે સરકારી રેલવે પોલીસ (GRP)ની ટીમ ટ્રેનની અંદર રૂટીન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન સ્લીપર કોચ (AC-1)માંથી બિનવારસી હાલતમાં પડેલું એક મોટું બોક્સ અને એક બેગ મળી આવી હતી. જ્યારે પોલીસે શંકાસ્પદ બોક્સ ખોલ્યું તો તેમાંથી અંદાજે 25થી 30 વર્ષની મહિલાનું માથા વગરનું ધડ મળી આવ્યું હતું. તેની બાજુમાં રાખેલી બેગ ખોલતા તેમાંથી મહિલાના કપાયેલા હાથ અને પગ મળી આવ્યા હતા.

ઇલેક્ટ્રોનિક કટરથી લાશના ટુકડા કર્યાની શંકા 

પોલીસની પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ કોઈ શાતિર ગુનેગારનો હાથ હોવાનું સામે આવ્યું છે. શંકા છે કે મહિલાની અન્ય કોઈ જગ્યાએ હત્યા કર્યા બાદ તેના શરીરને કોઈ ઇલેક્ટ્રોનિક કટર અથવા અત્યંત તીક્ષ્ણ હથિયાર વડે પાંચ ટુકડાઓમાં કાપવામાં આવ્યું હતું. આશ્ચર્યજનક વાત એ છે કે ટ્રેનમાંથી મળેલા શરીરના અંગો પર અન્ય કોઈ ઈજાના નિશાન નથી, તેમજ બોક્સ, બેગ કે ટ્રેનની સીટ પર ક્યાંય પણ લોહીના ડાઘ જોવા મળ્યા નથી. લાશનું માથું હજુ સુધી ગાયબ છે, જેથી મહિલાની ઓળખ છુપાવવા માટે માથું અન્ય ક્યાંક ફેંકી દેવાયું હોવાનું અનુમાન છે.

20 સ્ટેશનોના CCTV ખંખાડતી પોલીસ

આ ભયાનક હત્યાકાંડનો ભેદ ઉકેલવા માટે GRP દ્વારા તાત્કાલિક અસરથી ત્રણ વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે. છાપરા અને ગોમતી નગર વચ્ચે આ ટ્રેન 12 કલાકની મુસાફરી દરમિયાન જે 20 સ્ટેશનો પરથી પસાર થાય છે, તે તમામ સ્ટેશનોના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવીને તપાસ શરૂ કરવામાં આવી છે જેથી જાણી શકાય કે આ બિનવારસી સામાન ટ્રેનમાં કોણે અને કયા સ્ટેશનેથી ચડાવ્યો હતો.

હાલ આ મામલે ચારબાગ રેલ્વે સ્ટેશનના GRP પોલીસ સ્ટેશનમાં અજ્ઞાત હત્યારાઓ સામે આઈપીસીની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર (FIR) નોંધીને મહિલાની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો