નવા બિલથી UPI પેમેન્ટ્સમાં મોટા ફેરફારની તૈયારી, વેપારીઓ પર લાગી શકે છે MDR ચાર્જ

સંસદમાં રજૂ કરવામાં આવેલા નવા પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ (સંશોધન) બિલ, 2027થી સરકાર ભવિષ્યમાં UPI અને અન્ય ડિજિટલ પેમેન્ટ પર MDR નક્કી કરી શકશે. હાલમાં આમ જનતા માટે UPI ટ્રાન્સફર સંપૂર્ણપણે મફત રહેશે. નાણા મંત્રાલયે સંસદમાં પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ (એમેન્ડમેન્ટ) બિલ, 2027 રજૂ કર્યું છે. આ નવા બિલથી સરકારને એ અધિકાર મળી જશે કે, તે ભવિષ્યમાં નક્કી કરી શકે કે, કયા ડિજિટલ પેમેન્ટ્સને ફ્રી રાખવા અને કયા પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) એટલે કે પ્રોસેસિંગ ચાર્જ લગાવવો.
MDR શું છે અને તેનાથી શું થાય?
MDR એ ફી છે, જે મર્ચન્ટ એટલે કે દુકાનદાર ડિજિટલ પેમેન્ટની સુવિધા માટે બેંકો, પેમેન્ટ એગ્રીગેટર્સ અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને આપે છે. ભારતીય રિઝર્વ બેંક MDR ફ્રેમવર્કને રેગ્યુલેટ કરે છે. જાન્યુઆરી 2020 થી સરકારે ડિજિટલ પેમેન્ટને ઝડપથી અપનાવવા માટે UPI અને RuPay ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર ઝીરો MDR ફરજિયાત કરી દીધો છે.
આમ જનતા પર શું અસર પડશે?
નવા નિયમો લાગુ થવા પર એક સામાન્ય વ્યક્તિથી બીજી વ્યક્તિને પૈસા મોકલવા (P2P ટ્રાન્સફર) પર કોઈ ચાર્જ નહીં લાગે. એટલે કે સામાન્ય લોકો માટે UPI પહેલાની જેમ સંપૂર્ણપણે ફ્રી રહેશે. પ્રસ્તાવિત ચાર્જ (MDR) માત્ર દુકાનદારો અને વેપારીઓ પર લાગુ થશે, ગ્રાહકોના ખિસ્સામાંથી પૈસા નહીં કપાય. જોકે વેપારીઓ આ ખર્ચ જાતે ભોગવી શકે છે, અથવા પ્રોડક્ટની કિંમતમાં ઉમેરીને આગળ વધારી શકે છે.
કેટલો લાગી શકે છે ચાર્જ?
એવી ચર્ચા છે કે, માત્ર 2000 રૂપિયાથી વધુના મોટા મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન અને મોટા શોરૂમ કે સ્ટોર્સ પર જ આ ચાર્જ લાગુ કરવામાં આવશે. આ ચાર્જ 0.25% થી 0.30% સુધી હોઈ શકે છે. તેનો સીધો અર્થ એ છે કે, દુકાનદારે 1000ના ચૂકવણા પર અંદાજે 2.50 રૂપિયાથી 3 રૂપિયાનો ચાર્જ આપવો પડી શકે છે.
સરકાર કેમ લાવી રહી છે આ ફેરફાર?
જાન્યુઆરી 2020 માં સરકારે UPI પર લાગતા તમામ ચાર્જ નાબૂદ કરી દીધા હતા. પરંતુ હવે પેમેન્ટ એપ્સ અને બેંકોનું કહેવું છે કે, કોઈ કમાણી વગર આટલી મોટી વ્યવસ્થા ચલાવવી મુશ્કેલ બની રહી છે. બીજી બાજુ દેશમાં દર મહિને લગભગ 23 અબજ UPI લેન-દેન થઈ રહ્યા છે. સર્વર, ઈન્ટરનેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સાયબર સુરક્ષાને મજબૂત રાખવા માટે કંપનીઓને ભારે ફંડની જરૂર છે. અંદાજા મુજબ, આ મામૂલી શુલ્કથી પણ ડિજિટલ પેમેન્ટ કંપનીઓને વાર્ષિક લગભગ 13000 કરોડ રૂપિયાની આવક મળી શકે છે, જેનાથી તેમની નાણાકીય સ્થિતિ મજબૂત થશે.
આગળ શું થશે?
હાલમાં બિલ રજૂ થવાથી તાત્કાલિક કોઈ ચાર્જ લાગુ થયો નથી. સંસદમાંથી બિલ પાસ થયા પછી સરકાર અને ભારતીય રિઝર્વ બેંક (RBI) મળીને નક્કી કરશે કે, આ ચાર્જ ક્યારથી, કેટલો અને કઈ-કઈ દુકાનો પર લાગુ થશે. અત્યારે UPI અને કાર્ડથી પેમેન્ટ માટે વર્તમાન ઝીરો MDR સિસ્ટમ ચાલુ રહેશે.

