પશ્ચિમ બંગાળમાં ફરી TMC કે ભાજપ બનાવશે સરકાર ! જાણો 5 રાજ્યોના Exit Pollના આંક

પશ્ચિમ બંગાળ,તમિલનાડુ, આસામ, કેરલમ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણી માટે મતદાનના તમામ તબક્કા પૂર્ણ થયા બાદ હવે એક્ઝિટ પોલ તારણ સામે આવવાનું શરૂ થયું છે. જે મતદાન પછી જનતાના વલણની અંદાજિત તસવીર રજૂ કરે છે. જો કે અંતિમ પરિણામો 4 મે 2026ના રોજ જાહેર કરવામાં આવશે.
પશ્ચિમ બંગાળ (કુલ બેઠકો 294, બહુમત 148ની જરૂરિયાત છે. પશ્ચિમ બંગાળ માટે વિવિધ 5 પોલમાં ભાજપની જીત તો 1માં ટીએમસીની સરકાર બનવાનો દાવો કરવામાં આવ્યો છે.
5 પોલમાં ભાજપની જીત તો એકમાં TMC સરકાર
પશ્ચિમ બંગાળ: અત્યાર સુધીના કુલ 6 મુખ્ય એક્ઝિટ પોલમાંથી 5 એજન્સીઓ (P-MARQ, Matrize, Chanakya, પોલ ડાયરી અને પ્રજા પોલ) બંગાળમાં ભાજપની સરકાર બનવાના સંકેત આપી રહી છે. માત્ર Peoples Pulse એકમાત્ર એવી એજન્સી છે જે TMC ની પ્રચંડ જીતનો દાવો કરી રહી છે.
1. P-MARQ, ભાજપને બહુમત
P-MARQના એક્ઝિટ પોલ મુજબ પશ્ચિમ બંગાળમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી જણાય છે, જેમાં ભાજપને 150થી 175 બેઠકો મળવાનું અનુમાન છે. બીજી તરફ, સત્તારૂઢ TMC+ ને 118થી 138 બેઠકો સાથે હારનો સામનો કરવો પડી શકે છે. આ સર્વેમાં કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને અન્ય પક્ષોનું ખાતું પણ ખૂલતું દેખાતું નથી.
2. Matrize, ભાજપને બહુમત
Matrizeના સર્વે અનુસાર બંગાળમાં રસાકસીભર્યો જંગ જોવા મળી રહ્યો છે, જેમાં ભાજપ 146થી 161 બેઠકો મેળવી બહુમતીના આંકડાને સ્પર્શી શકે છે. TMC+ને આ સર્વેમાં 125થી 140 બેઠકો મળવાની ધારણા છે, જે બહુમતીથી થોડી દૂર છે. આ એક્ઝિટ પોલમાં અન્યના ફાળે 6થી 10 બેઠકો જઈ શકે છે, જ્યારે કોંગ્રેસ અને ડાબેરીઓ શૂન્ય પર રહી શકે છે.
3. Peoples Pulse, TMC એટલે કે મમતા બેનર્જીની સરકાર
Peoples Pulseનો એક્ઝિટ પોલ અન્ય કરતાં સાવ ઉલટું ચિત્ર રજૂ કરે છે, જેમાં મમતા બેનર્જીની TMC+ ને 178થી 189 બેઠકો સાથે પ્રચંડ બહુમતી મળતી દેખાય છે. આ સર્વેમાં ભાજપને મોટો ફટકો પડતાં તે 95થી 110 બેઠકો પર સમેટાઈ શકે છે. કોંગ્રેસને 1-3 બેઠકો અને ડાબેરીઓને 0-1 બેઠક મળવાની શક્યતા આ સર્વેમાં દર્શાવવામાં આવી છે.
4: Chanakya Strategies, પરિવર્તનના સંકેતો
Chanakya Strategiesના એક્ઝિટ પોલ મુજબ પશ્ચિમ બંગાળમાં પરિવર્તનના સંકેતો મળી રહ્યા છે, જેમાં ભાજપને 150-160 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળતી દેખાય છે. સત્તારૂઢ TMC+ આ સર્વે મુજબ 130-140 બેઠકો પર સમેટાઈ શકે છે, જે બહુમતીના આંકડા(148)થી થોડી દૂર છે. અન્યના ફાળે 6-10 બેઠકો જવાની ધારણા છે, જ્યારે કોંગ્રેસ અને ડાબેરીઓને એક પણ બેઠક મળતી જણાતી નથી.
5: પોલ ડાયરી, ભાજપ મજબૂત સ્થિતિમાં
પોલ ડાયરીના એક્ઝિટ પોલ મુજબ પશ્ચિમ બંગાળમાં ભાજપની સ્થિતિ ઘણી મજબૂત દેખાઈ રહી છે. આ સર્વેમાં ભાજપને 142 થી 171 બેઠકો મળવાનું અનુમાન છે, બીજી તરફ, સત્તારૂઢ TMC ને 99 થી 127 બેઠકો વચ્ચે મળી શકે છે.
6: પ્રજા પોલ, ભાજપ આવે છે!
પ્રજા પોલનું અનુમાન ભાજપ માટે સૌથી વધુ ઉત્સાહજનક છે. આ સર્વે મુજબ રાજ્યમાં સત્તા પરિવર્તનની લહેર જોવા મળી રહી છે, જેમાં ભાજપને 178 થી 200 બેઠકો મળવાની અંદેશો લગાવવામાં આવી રહ્યો છે. તેનાથી વિપરીત, TMC માત્ર 85 થી 110 બેઠકો પર સમેટાઈ શકે છે.
આસામ (કુલ બેઠકો-126, બહુમતી 64), ફરીથી ભાજપની બમ્પર જીતનું અનુમાન
-Axis My Indiaના અનુમાન મુજબ આસામમાં ભાજપને 88થી 100 બેઠકો, જ્યારે કોંગ્રેસને 24-36 બેઠકો તેમજ અન્યને 0થી 3 બેઠકો મળી શકે છે.
-Matrizeના તારણ મુજબ આસામમાં ભાજપને 85થી 95 બેઠકો, જ્યારે કોંગ્રેસને 25-32 બેઠકો તેમજ અન્યને 6થી 12 બેઠકો મળી શકે છે.
પશ્ચિમ બંગાળમાં મતદાનનો બીજો તબક્કો: 5 વાગ્યા સુધી 88.99 ટકા મતદાન
પશ્ચિમ બંગાળમાં આજે મતદાનના બીજા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધી 88.99 ટકા મતદાન નોંધાયું હતું. જિલ્લાઓની વાત કરીએ તો હુગલીમાં 90.34%, હાવડામાં 89.44%, કોલકાતા નોર્થમાં 87.77% અને કોલકાતા સાઉથમાં 86.11% મતદાન થયું હતું. જ્યારે નાદિયામાં 90.28%, નોર્થ 24 પરગણામાં 89.74%, પૂર્વ બર્ધમાનમાં સૌથી વધુ 92.46% અને સાઉથ 24 પરગણામાં 89.57% વોટિંગ નોંધાયું હતું. મુખ્યમંત્રી મમતા બેનર્જીની બેઠક ભવાનીપુરમાં 85.51% મતદાન થયું હતું. મહત્ત્વનું છે કે પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં 92.72 ટકા મતદાન થયું હતું.
કેવી રીતે થાય છે એક્ઝિટ પોલ એનાલિસિસ?
એક્ઝિટ પોલ, મતદાન મથકોની બહાર વ્યવસ્થિત ફિલ્ડ સર્વે દ્વારા કરવામાં આવે છે, જ્યાં પ્રશિક્ષિત ટીમો નક્કી કરેલા પ્રશ્નોની મદદથી લોકોના અભિપ્રાય એકત્ર કરે છે. સેમ્પલિંગ એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે જેમાં શહેરી અને ગ્રામીણ એમ બંને પ્રકારના મતદારોનો સમાવેશ થાય, જેથી દરેકનું યોગ્ય પ્રતિનિધિત્વ થઈ શકે. એકત્રિત કરવામાં આવેલા ડેટાનું પછી વિશ્લેષણ કરવામાં આવે છે, જેથી બેઠકોની સંખ્યા અને મતદાનના વલણોનો અંદાજ લગાવી શકાય. આ જ દરેક એજન્સીના અનુમાનનો આધાર બને છે.
એક્ઝિટ પોલ માત્ર અનુમાન, અંતિમ પરિણામ નથી
એક્ઝિટ પોલ માત્ર અનુમાન હોય છે, અસલી પરિણામો નથી. ઘણીવાર આ અનુમાન સાચા પડે છે અને ઘણીવાર ખોટા પણ સાબિત થાય છે, તેથી અંતિમ અને અસલી પરિણામો 4 મેના રોજ મતગણતરીના દિવસે જ સ્પષ્ટ થશે. આ રીતે એક્ઝિટ પોલ લોકોને ચૂંટણી પછી એક શરૂઆતી ચિત્ર જરૂર આપે છે, પરંતુ અસલી નિર્ણય મતગણતરી પછી જ સામે આવે છે.

