ટ્રેનની કન્ફર્મ ટિકિટ મેળવવી હવે બનશે સરળ? તત્કાલ બુકિંગ પહેલાં જાણી લો આ 5 બાબતો

રેલવેમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો અને કન્ફર્મ ટિકિટ નથી મળી, તો તત્કાલ ટિકિટ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. જોકે, IRCTC પર તત્કાલ ટિકિટ બુક કરવી એ કોઈ પડકારથી કમ નથી. બુકિંગ વિન્ડો ખુલતાની સાથે જ ગણતરીની મિનિટોમાં મોટાભાગની સીટો ફુલ થઈ જાય છે. આવા સમયે મુસાફરોની વિગતો ભરવામાં કે પેમેન્ટ કરવામાં થોડું પણ મોડું થાય તો હાથમાંથી કન્ફર્મ ટિકિટ સરકી જાય છે. જો તમે બુકિંગ શરૂ થાય તે પહેલાં જ તમારા એકાઉન્ટમાં કેટલાક ખાસ ફેરફાર અને તૈયારીઓ કરી લો, તો તમારો કીમતી સમય બચી શકે છે અને કન્ફર્મ ટિકિટ મળવાની શક્યતા વધી જાય છે.
1… આધાર ઓથેન્ટિકેશન કરવું અનિવાર્ય
IRCTC પર સરળતાથી તત્કાલ ટિકિટ બુક કરવા માટે Aadhaar Authentication કરાવવું ખૂબ જ જરૂરી છે. આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે IRCTC ની વેબસાઇટ અથવા મોબાઇલ એપ પર લોગિન કરીને My Account સેક્શનમાં જાઓ અને ત્યાં Authenticate User નો વિકલ્પ પસંદ કરો. અહીં તમારો આધાર નંબર દાખલ કરો અને રજિસ્ટર્ડ મોબાઇલ પર આવતા OTP દ્વારા વેરિફિકેશન પૂરું કરો. આ સમયે તમારો આધાર લિંક મોબાઇલ નંબર તમારી પાસે હોવો ખાસ જરૂરી છે.
2… માસ્ટર લિસ્ટમાં અગાઉથી સેવ કરો મુસાફરોની વિગત
બુકિંગના સમયે મુસાફરનું નામ, ઉંમર અને જેન્ડર જેવી વિગતો ટાઇપ કરવામાં ઘણો સમય બગડે છે. આ સમય બચાવવા માટે IRCTC ના My Master List ફીચરનો ઉપયોગ કરો અને મુસાફરોની તમામ વિગતો અગાઉથી જ સેવ કરી લો. આમ કરવાથી લાઇવ બુકિંગ વખતે તમારે ફરીથી માહિતી ભરવાની ઝંઝટ નહીં રહે અને એક જ ક્લિકમાં વિગતો ઉમેરાઈ જશે.
3… એકાઉન્ટમાં મોબાઇલ નંબર અપડેટ રાખો
તમારા IRCTC એકાઉન્ટમાં હંમેશા ચાલુ અને સાચો મોબાઇલ નંબર જ અપડેટ રાખો. ટિકિટ બુકિંગની પ્રક્રિયા દરમિયાન સુરક્ષાના કારણોસર OTP ની જરૂર પડી શકે છે. તેથી એવો જ નંબર રજિસ્ટર રાખો જે બુકિંગ સમયે તમારી પાસે હોય અને તેના પર નેટવર્કની કોઈ સમસ્યા વગર ઝડપથી OTP મળી શકે.
4… પેમેન્ટ માટે UPI અને બેલેન્સ તૈયાર રાખો
ઘણીવાર બધી વિગતો ભરાઈ ગયા પછી પેમેન્ટ ગેટવે પર થતા વિલંબને કારણે ટિકિટ વેઇટિંગમાં જતી રહે છે. આ મુશ્કેલી ટાળવા માટે બુકિંગ પહેલાં જ તમારી UPI એપ તૈયાર રાખો. તમારા બેંક એકાઉન્ટમાં ટિકિટના ભાડા જેટલું પૂરતું બેલેન્સ છે કે નહીં તે ચકાસી લો અને તમારો UPI PIN પણ યાદ રાખો, જેથી પેમેન્ટની પ્રક્રિયા સેકન્ડોમાં પૂરી થઈ જાય.
5… ટ્રેન અને સીટની પસંદગી અગાઉથી નક્કી રાખો
તત્કાલ બુકિંગ શરૂ થાય તે પહેલાં જ તમે કઈ ટ્રેનમાં જવા માંગો છો તેનો ટ્રેન નંબર, મુસાફરીની તારીખ, બોર્ડિંગ સ્ટેશન અને ડેસ્ટિનેશન સ્ટેશન નક્કી કરી લો. આ ઉપરાંત તમારે કયા ક્લાસમાં મુસાફરી કરવી છે અને કઈ બર્થ પસંદ કરવી છે તે પણ પહેલેથી વિચારી રાખો. પૂર્વતૈયારી હશે તો બુકિંગ વખતે તમારે વારંવાર વિકલ્પો શોધવામાં સમય નહીં બગાડવો પડે.
જાણો ક્યારે શરૂ થાય છે તત્કાલ ટિકિટ બુકિંગ
IRCTC પર મુસાફરીની તારીખના એક દિવસ પહેલાં તત્કાલ ટિકિટ બુકિંગની પ્રક્રિયા શરૂ થાય છે. તેમાં AC ક્લાસની ટિકિટો માટે સવારે 10 વાગ્યે અને નોન-AC એટલે કે સ્લીપર ક્લાસ માટે સવારે 11 વાગ્યે વિન્ડો ખુલે છે. તેથી નિર્ધારિત સમય કરતાં થોડી મિનિટો પહેલાં જ એકાઉન્ટમાં લોગિન કરીને તમામ જરૂરી વિગતો તૈયાર રાખવી હિતાવહ છે.










