લોકસભાની 500 બેઠકોની મર્યાદા શા માટે નક્કી થઈ હતી? 1949માં બંધારણ સભામાં થઈ હતી ઉગ્ર ચર્ચા, કે.ટી. શાહે કર્યો હતો વિરોધ

ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં સંસદનું શિયાળુ સત્ર શરૂ થવાની શક્યતા, મહિલા અનામત અને સીમાંકન બિલ પર રહેશે નજર
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

લોકસભાની હાલની 543 બેઠકો વધારીને 850 કરવાની દરખાસ્ત ચર્ચામાં છે ત્યારે વર્ષ 1949માં બંધારણ સભામાં થયેલી એક જૂની ચર્ચા ફરીથી પ્રાસંગિક બની છે. તે સમયે લોકસભામાં સીધા ચૂંટાઈને આવતા સભ્યોની મહત્તમ સંખ્યા 500 નક્કી કરવી કે નહીં, તે મુદ્દે સભ્યો વચ્ચે મતભેદ ઊભા થયા હતા. કેટલાક સભ્યો આ મર્યાદાના વિરોધમાં હતા, જ્યારે કેટલાકે તેને જરૂરી ગણાવી હતી. આ ચર્ચા દરમિયાન અર્થશાસ્ત્રી અને સમાજવાદી વિચારધારા સાથે સંકળાયેલા કે.ટી. શાહે 500 બેઠકોની મર્યાદા સામે સુધારો રજૂ કર્યો હતો. તેમનું માનવું હતું કે લોકસભાની સભ્ય સંખ્યા પર કાયમી મહત્તમ મર્યાદા ન હોવી જોઈએ, જેથી ભવિષ્યમાં દેશની જરૂરિયાત અને પ્રતિનિધિત્વની માંગ પ્રમાણે બેઠકો વધારી શકાય.

અનંતસાયનમ અયંગરે 500 બેઠકોની મર્યાદાનું કર્યું હતું સમર્થન

બીજી તરફ, કોંગ્રેસના સભ્ય એમ. અનંતસાયનમ અયંગરે 500 બેઠકોની મર્યાદાના પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. તેમનું કહેવું હતું કે 500 સભ્યોની સંખ્યા પૂરતી છે. તેમણે દલીલ કરી હતી કે સભ્યોની સંખ્યા ખૂબ વધી જાય તો ગૃહની કાર્યવાહી અને અસરકારક પ્રતિનિધિત્વ પર અસર પડી શકે છે. અગાઉ 300 સભ્યોના ગૃહમાં પણ કોરમ પૂરું કરવા માટે વારંવાર ઘંટડી વગાડવી પડતી હોવાનું તેમણે જણાવ્યું હતું. આખરે કે.ટી. શાહનો સુધારો નામંજૂર થયો અને લોકસભામાં રાજ્યોમાંથી સીધા ચૂંટાઈને આવતા સભ્યોની મહત્તમ સંખ્યા 500 રાખવાનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો. બંધારણના મૂળ લખાણમાં પણ આ જોગવાઈનો સમાવેશ થયો હતો.

જાહેરાત
 

હવે 850 બેઠકોનો પ્રસ્તાવ ચર્ચામાં

હાલ લોકસભામાં 543 ચૂંટાયેલા સભ્યો છે. કેન્દ્ર સરકારે 27 નવેમ્બર, 2026ના રોજ બંધારણ (132મો સુધારો) બિલને મંજૂરી આપી છે. આ દરખાસ્ત હેઠળ લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા વધારીને 850 કરવાની જોગવાઈ છે, જેમાં રાજ્યો માટે 815 અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે 35 બેઠકોનો સમાવેશ થાય છે. આ બિલ સાથે મહિલા અનામત અને પરિસીમનનો મુદ્દો પણ જોડાયેલો છે. આ રીતે લોકસભાની સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ તે અંગેની ચર્ચા નવી નથી. 1949માં બંધારણ સભામાં પણ આ મુદ્દે અલગ-અલગ મંતવ્યો સામે આવ્યા હતા. હવે 850 બેઠકોની દરખાસ્ત સાથે લોકસભાના કદ અને પ્રતિનિધિત્વ અંગેની ચર્ચા ફરી એકવાર કેન્દ્રસ્થાને આવી છે.

 

આ સમાચાર શેર કરો

જાહેરાત