રાહુલ, ખડગે સહિતના વિપક્ષી નેતા ચેન્નાઈ પહોંચ્યા, સીમાંકન બિલ મુદ્દે સ્ટાલિનને મનાવવા જતાં 'ગો બેક કોંગ્રેસ'ના નારા લાગ્યા

સીમાંકન બિલના મુદ્દે દેશનું રાજકારણ ગરમાયું છે અને વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. બ્લોકમાં મોટી તિરાડ પડતી જોવા મળી રહી છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની DMK અને શરદ પવારની NCP દ્વારા કેન્દ્ર સરકારના બિલને સમર્થન આપવાની જાહેરાત બાદ કોંગ્રેસની ચિંતા વધી ગઈ છે. 30 નવેમ્બર, સોમવારે સંસદમાં આ બિલ પર થનારા નિર્ણય પહેલા નારાજ સ્ટાલિનને મનાવવા માટે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના વિપક્ષી દિગ્ગજો ચેન્નાઈ પહોંચ્યા છે, જ્યાં સ્ટાલિનના સમર્થકોએ 'ગો બેક કોંગ્રેસ'ના નારા લગાવી વિરોધ નોંધાવ્યો છે.
સ્ટાલિનના ઘર બહાર 'ગો બેક કોંગ્રેસ'ના પોસ્ટર લહેરાયા
સીમાંકનના મુદ્દે સ્ટાલિનને મનાવવા માટે કોંગ્રેસ સહિત I.N.D.I.A. બ્લોકના દિગ્ગજો ચેન્નાઈ પહોંચ્યા છે, ત્યારે સ્ટાલિનના નિવાસસ્થાન બહાર તેમના સમર્થકોએ 'ગો બેક કોંગ્રેસ'ના પોસ્ટર લહેરાવ્યા છે. ઉલ્લેખનીય છે કે DMKએ સરકારના સીમાંકન બિલને સમર્થન આપવાની જાહેરાત કરી છે, જ્યારે કોંગ્રેસ તેનો વિરોધ કરી રહી છે. તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા બંને પક્ષો વચ્ચે સારા સંબંધો હતા, પરંતુ કોંગ્રેસે DMKનો સાથ છોડીને થલાપતિ વિજયની પાર્ટી સાથે જવાનું પસંદ કર્યા બાદ બંને પક્ષો વચ્ચે તકરાર વધી ગઈ છે.
ખડગે, સોનિયા, રાહુલ સહિતના નેતાઓ સ્ટાલિનને મળવા ચેન્નાઈ પહોંચ્યા
સીમાંકન બિલના મુદ્દે છેલ્લા કેટલાક સમયથી એકજૂથ દેખાતું મુખ્ય વિપક્ષી ગઠબંધન હવે વિખેરાતું જોવા મળી રહ્યું છે. તમિલનાડુમાં એમ.કે. સ્ટાલિનની કોંગ્રેસ પ્રત્યેની નારાજગી વધતા-વધતા કેન્દ્ર સરકારના સમર્થન સુધી પહોંચી ગઈ છે. તેમણે સીમાંકન અંગે સરકાર દ્વારા લાવવામાં આવી રહેલા બિલને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથની NCPએ પણ આ બિલ માટે હામી ભરી દીધી છે. હવે કોંગ્રેસ અને I.N.D.I.A. બ્લોકના પ્રમુખ નેતાઓ આ બંને પક્ષોને મનાવવાની કવાયતમાં લાગ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી અન્ય નેતાઓ સાથે સ્ટાલિનને મળવા ચેન્નાઈ પહોંચી ચૂક્યા છે, જ્યાં સ્ટાલિનના ઘર બહાર એકઠા થયેલા સમર્થકોએ 'ગો બેક કોંગ્રેસ'ના નારા લગાવ્યા હતા.
બીજી તરફ કેન્દ્ર સરકાર સંપૂર્ણ તૈયારીમાં જોવા મળી રહી છે. સ્ટાલિન, શરદ પવાર અને જગન મોહન રેડ્ડીના સમર્થન બાદ સીમાંકન બિલના મુદ્દે કેન્દ્ર સરકાર બે-તૃતીયાંશ બહુમતીની નજીક પહોંચતી દેખાઈ રહી છે. જોકે, બિલ પાસ કરાવવા માટે હજુ પણ ક્રોસ વોટિંગની જરૂર પડશે. 30 નવેમ્બર એટલે કે સોમવારે યોજાનારી બેઠકમાં આ બિલ પર ચિત્ર સ્પષ્ટ થઈ જશે.







