CBSE સ્કૂલોમાં ત્રણ ભાષાના નિયમ પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, ધોરણ ૬ના વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત?

સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) સ્કૂલોમાં થ્રી-લેંગ્વેજ પોલિસી લાગુ કરવાના મામલે સુપ્રીમ કોર્ટમાં મહત્ત્વની સુનાવણી હાથ ધરાઈ હતી. અદાલતે સ્પષ્ટ વલણ અપનાવતા જણાવ્યું કે ધોરણ 6ના વિદ્યાર્થીઓ પર અચાનક ત્રીજી ભાષાનો બોજ નાખવાને બદલે આ નિયમ આગામી વર્ષથી અમલમાં લાવવો જોઈએ, જેથી બાળકોને માનસિક રીતે તૈયાર થવા માટે પૂરતો સમય મળી શકે.
સુપ્રીમ કોર્ટમાં તીખી દલીલો અને કમિટીની રચના
સુનાવણી દરમિયાન CBSE તરફથી એડિશનલ સોલિસિટર જનરલ (ASG) ઐશ્વર્યા ભાટીએ ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેંચ સમક્ષ રજૂઆત કરી હતી કે, આ નીતિ સાથે જોડાયેલી વ્યવહારુ સમસ્યાઓ ઉકેલવા એક વિશેષ સમિતિ બનાવી દેવામાં આવી છે અને આ મુદ્દે એક વિગતવાર નોટ પણ દાખલ કરવામાં આવી રહી છે. CBSEએ કોર્ટના સૂચનો પર વિચારણા કરવા માટે સમય પણ માંગ્યો હતો.
બીજી તરફ, અરજદારો વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ આનંદ ગ્રોવરે જણાવ્યું હતું કે, અધિકારીઓ ધોરણ 6ના વિદ્યાર્થીઓને આ નીતિના અમલમાં રાહત આપવા અંગે અસહમતિ દર્શાવી રહ્યા છે.
ધોરણ 6ના બાળકોને રાહત કેમ નહીં? સુપ્રીમ કોર્ટનો સવાલ
કેન્દ્ર તરફથી ASGએ દલીલ કરી હતી કે, ધોરણ 7થી 10ના વિદ્યાર્થીઓને આ નીતિ હેઠળ પહેલાથી જ છૂટછાટ અપાઈ ચૂકી છે, જ્યારે ધોરણ 6ના બાળકોએ 4 વર્ષ બાદ બોર્ડ પરીક્ષા આપવાની હોવાથી તેમને અત્યારથી તૈયાર કરવા જરૂરી છે.
આ દલીલ સામે જસ્ટિસ બાગચીએ સવાલ ઉઠાવ્યો હતો કે, આ એક રાષ્ટ્રીય નીતિ હોવાથી તેમાં ચોક્કસ સંસ્થાગત માળખું કામ કરે છે; તેથી જો ધોરણ 7થી 10ના વિદ્યાર્થીઓને મુક્તિ મળી શકતી હોય, તો પછી ધોરણ 6ના બાળકોને આ રાહત કેમ ન આપી શકાય? જોકે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, જો હાલ ધોરણ 6માં ભણતા વિદ્યાર્થીઓ પોતાની મરજીથી આ જ વર્ષે ત્રણ ભાષાઓ ભણવા માંગતા હોય, તો તેમને તેની મંજૂરી આપી શકાય છે.
શું છે ત્રણ ભાષા નીતિનો વિવાદ?
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) હેઠળ સ્કૂલોમાં ઓછામાં ઓછી બે ભારતીય ભાષાઓ સહિત કુલ ત્રણ ભાષાઓ શીખવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. મિડલ સ્કૂલ સ્તરે અચાનક આ નિયમ લાગુ કરી દેવાથી બાળકો પર બિનજરૂરી ભણતરનું દબાણ વધતું હોવાની ચિંતા વાલીઓ વ્યક્ત કરી રહ્યા છે. અગાઉ 27 મેના રોજ સુપ્રીમ કોર્ટે આ નીતિને પડકારતી અરજી પર કેન્દ્ર, CBSE અને NCERTને નોટિસ પાઠવી જવાબ માંગ્યો હતો.
કઈ ભાષાઓનો સમાવેશ કરવો પડશે?
બોર્ડના પરિપત્ર અનુસાર, ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે 1 જુલાઈથી 3 ભાષાઓ ભણવી ફરજિયાત કરવાનો નિર્ણય લેવાયો છે, જે પૈકી ઓછામાં ઓછી 2 ભારતીય ભાષાઓ હોવી અનિવાર્ય છે. ભારતીય ભાષાઓની યાદીમાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી, બંગાળી, પંજાબી, ઓડિયા અને અસમિયા જેવી ભાષાઓ સામેલ છે. બીજી તરફ અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, અરબી અને સ્પેનિશને બિન-ભારતીય ભાષાઓ ગણવામાં આવી છે. ધોરણ 6 માટે બે ભારતીય ભાષાઓ ફરજિયાત રાખવામાં આવી છે, જ્યારે ધોરણ 7, 8 અને 9ના એવા વિદ્યાર્થીઓને થોડી છૂટછાટ અપાઈ છે જેઓ અગાઉ બે બિન-ભારતીય ભાષાઓનો અભ્યાસ કરી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટ હવે કમિટીના રિપોર્ટ અને વિગતવાર નોટના અભ્યાસ બાદ આગળનો નિર્ણય કરશે.

