CBSEનો નવો નિયમ: ધોરણ 10નું પાસ સર્ટિફિકેટ મેળવવા હવે આ પરીક્ષા પાસ કરવી પડશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ ની

CBSEનો નવો નિયમ: ધોરણ 10નું પાસ સર્ટિફિકેટ મેળવવા હવે આ પરીક્ષા પાસ કરવી પડશે
આ સમાચાર સાંભળો

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) ના માળખા હેઠળ શાળાકીય શિક્ષણમાં એક મોટો અને ઐતિહાસિક બદલાવ કરવામાં આવ્યો છે. બોર્ડે ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે ‘ત્રીજી ભાષા’ (Third Language) નું ઈન્ટરનલ એસેસમેન્ટ એટલે કે આંતરિક મૂલ્યાંકન ફરજિયાત બનાવ્યું છે. શૈક્ષણિક સત્ર 2027-28થી ધોરણ 10ના વિદ્યાર્થીઓએ પાસ સર્ટિફિકેટ મેળવવા માટે શાળા કક્ષાએ લેવાતી આ ત્રીજી ભાષાની પરીક્ષા પાસ કરવી જ પડશે.

ધોરણ 10ની બોર્ડ પરીક્ષા બહાર રહેશે, પણ પાસ થવું અનિવાર્ય

CBSE દ્વારા 10 જુલાઈના રોજ બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર મુજબ, આ ફેરફાર શૈક્ષણિક સત્ર 2026-27માં ધોરણ 9માં પ્રવેશ મેળવતા અને 2027-28માં ધોરણ 10માં આવતા વિદ્યાર્થીઓને લાગુ પડશે. જોકે, રાહતની વાત એ છે કે આ ત્રીજી ભાષા (R3) ની મુખ્ય બોર્ડ પરીક્ષા લેવામાં નહીં આવે. પરંતુ, શાળા દ્વારા લેવાતા આંતરિક મૂલ્યાંકન (Internal Assessment) માં પાસ થવું ક્વોલિફાઈંગ સબ્જેક્ટ તરીકે ફરજિયાત રહેશે. જો કોઈ વિદ્યાર્થી ધોરણ 10ની આ આંતરિક પરીક્ષામાં નાપાસ થશે, તો બોર્ડનું ફાઇનલ રિઝલ્ટ જાહેર થાય તે પહેલાં શાળાએ તેની ફરીથી પરીક્ષા (Reassessment) લેવી પડશે.

જાહેરાત

ધોરણ 9ના વિદ્યાર્થીઓને સુધારા માટે મળશે વધુ 1 વર્ષ

નવા નિયમો અનુસાર, જો કોઈ વિદ્યાર્થી ધોરણ 9માં ત્રીજી ભાષાના એસેસમેન્ટમાં નાપાસ થશે, તો પણ તેને ધોરણ 10માં પ્રમોટ (પાસ) કરી દેવામાં આવશે. પરંતુ, તે વિદ્યાર્થીએ ધોરણ 10માં અભ્યાસ કરવાની સાથે-સાથે ધોરણ 9ની બાકી રહેલી ત્રીજી ભાષાની પરીક્ષા પાસ કરવી પડશે. આ જોગવાઈને કારણે વિદ્યાર્થીઓનું વર્ષ બગડશે નહીં, પરંતુ સેકન્ડરી શિક્ષણ પૂરું કરતાં પહેલાં ભાષાની આ શરત પૂરી કરવી જ પડશે. હાલ 2026-27માં ધોરણ 10ની બોર્ડ પરીક્ષા આપનારી બેચને આ નિયમ લાગુ પડશે નહીં.

ધોરણ 6થી જ લાગુ થશે થ્રી-લેંગ્વેજ ફોર્મ્યુલા

આ અગાઉ 29 જૂનના પરિપત્રમાં બોર્ડે જાહેરાત કરી હતી કે શૈક્ષણિક સત્ર 2026-27થી ધોરણ 6થી જ ત્રણ ભાષાઓનો ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે. આ માળખા હેઠળ વિદ્યાર્થીઓએ ત્રણ ભાષાઓ ભણવી પડશે, જેમાંથી ઓછામાં ઓછી 2 ભાષાઓ ભારતીય હોવી અનિવાર્ય છે. જે વિદ્યાર્થીઓએ અગાઉથી અંગ્રેજી સાથે વિદેશી ભાષા પસંદ કરી છે, તેઓ તે ચાલુ રાખી શકશે પરંતુ તેમણે વધારાની એક ભારતીય ભાષા પણ શીખવી પડશે. પહેલા વિદ્યાર્થીઓ ધોરણ 8 પછી ત્રીજી ભાષા છોડી દેતા હતા, જે હવે ધોરણ 10 સુધી ભણવી પડશે.

નવો નિયમ કોર્ટના દરવાજે પહોંચ્યો: કેન્દ્ર સરકારનો બચાવ

CBSEના આ થ્રી-લેંગ્વેજ ફોર્મ્યુલાના પરિપત્રને અદાલતમાં કાનૂની પડકાર આપવામાં આવ્યો છે. અરજીકર્તાઓએ માંગ કરી છે કે ત્રીજી ભાષાના આ નિયમને વર્ષ 2029-30 સુધી લંબાવવામાં આવે. આ મામલે 13 જુલાઈના રોજ શિક્ષણ મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટની નોટિસના જવાબમાં એક સોગંદનામું રજૂ કરીને નીતિનો બચાવ કરાયો છે. કેન્દ્ર સરકારે દલીલ કરી છે કે શિક્ષણ એ બંધારણની સંયુક્ત સૂચિ (Concurrent List) નો વિષય છે, જેથી કેન્દ્ર અને રાજ્ય બંનેને NEP લાગુ કરવાનો અધિકાર છે. આ નીતિથી બહુભાષિત્વને પ્રોત્સાહન મળશે, ભારતીય ભાષાઓનું સંરક્ષણ થશે અને રાષ્ટ્રીય એકતા મજબૂત બનશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત