VIDEO: 'મોહબ્બત કી દુકાનમાં ભારતીયના શૌર્ય માટે જગ્યા નથી?' કેપ્ટન સ્મિત મામલે રાહુલ-સોનિયાના મૌન પર ભાજપનો જોરદાર હુમલો!
ફ્લાયદુબઈના જાંબાઝ કેપ્ટન સ્મિત મચ્છરના અદભુત સાહસને લઈને ભાજપે કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીની શાંતિ પર સવાલ ઉઠાવતા તુષ્ટિકરણની રાજનીતિનો આરોપ લગાવ્યો છે.
સમગ્ર દેશ કેપ્ટન સ્મિતના શૌર્ય પર ગર્વ અનુભવી રહ્યો છે
ગૌરવ ભાટિયાએ નિવેદન આપતાં જણાવ્યું કે, "આજનો દિવસ દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે. કેપ્ટન સ્મિત મચ્છરે દર્શાવેલા અપ્રતિમ સાહસ પર સમગ્ર દેશ ગર્વ અનુભવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે તેમની સાથે વાત કરી, તેમની અદમ્ય બહાદુરીની પ્રશંસા કરી અને તેઓ ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી છે. આજે તમામ ભારતીયો કેપ્ટન સ્મિતને સલામ કરી રહ્યા છે."
ગાંધી પરિવારના મૌન પર ઉઠાવ્યા સવાલો
કોંગ્રેસ નેતૃત્વ પર પ્રહાર કરતાં ભાજપ પ્રવક્તાએ પૂછ્યું કે, "જ્યારે સમગ્ર દેશ કેપ્ટન સ્મિત મચ્છર પર ગર્વ કરી રહ્યો છે, ત્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી કેમ એક પોસ્ટ કે નિવેદન પણ જાહેર ન કરી શક્યા? સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ આ મામલે કેમ મૌન સેવીને બેઠા છે?"
'શું આ તુષ્ટિકરણની રાજનીતિ છે?'
ગૌરવ ભાટિયાએ આગળ ઉમેર્યું કે, "શું આ 'નકલી' ગાંધી પરિવાર અને કોંગ્રેસ પક્ષ ફરી એકવાર તુષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યા છે? શું તેઓ સામેલ આતંકવાદીના ધર્મને જોઈને રાજકારણ રમી રહ્યા છે? શું એટલા માટે તેમને કેપ્ટન સ્મિતની પ્રશંસા કરવાનું કે તેમના સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવવાનું યોગ્ય ન લાગ્યું? આ સવાલ આજે દરેક ભારતીયના મનમાં ઉઠી રહ્યો છે કે શું રાહુલ ગાંધીની 'મોહબ્બત કી દુકાન'માં ભારતીય નાગરિકના પરાક્રમ અને સાહસ માટે કોઈ સ્થાન નથી?"

