પૂર્વ PM ચંદ્રશેખરનો પરિવાર સંસદમાંથી બહાર! ભાજપે કેમ નીરજ શેખરને રાજ્યસભા મોકલવાનો ઇનકાર કર્યો?

ભારતીય રાજકારણમાં એક સમયના દિગ્ગજ નેતા અને પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરનું નામ ખૂબ જ પ્રભાવશાળી રહ્યું હતું. ‘યુવા તુર્ક’ તરીકે જાણીતા ચંદ્રશેખરે ઉત્તર પ્રદેશના બલિયાથી પોતાની મજબૂત રાજકીય ઓળખ ઊભી કરી હતી. તેમના બાદ તેમના પુત્ર નીરજ શેખરે (Neeraj Shekhar) આ રાજકીય વારસાને આગળ વધાર્યો. જોકે હવે ભાજપે નીરજ શેખરને રાજ્યસભા માટે ફરીથી ઉમેદવાર ન બનાવતાં ચંદ્રશેખર પરિવારની સંસદમાં લાંબા સમયથી ચાલી આવતી હાજરીનો અંત આવ્યો છે.
આ પ્રથમ વખત છે જ્યારે લગભગ 37 વર્ષ બાદ ચંદ્રશેખર પરિવારનો કોઈ સભ્ય લોકસભા કે રાજ્યસભા—બંનેમાંથી કોઈપણ ગૃહમાં હાજર નહીં હોય. નીરજ શેખર માટે આ નિર્ણય મોટો રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે.
ભાજપે નીરજ શેખરને રાજ્યસભાની ટિકિટ ન આપી
પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના પુત્ર નીરજ શેખરનો રાજ્યસભા કાર્યકાળ હવે પૂર્ણ થવા જઈ રહ્યો છે. ભાજપે ઉત્તર પ્રદેશમાંથી જાહેર કરેલા રાજ્યસભાના ઉમેદવારોમાં તેમનું નામ સામેલ કર્યું નથી. નીરજ શેખર અગાઉ સમાજવાદી પાર્ટી (Samajwadi Party) સાથે હતા અને 2019માં સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા.
ભાજપે તેમને રાજ્યસભામાં મોકલીને રાજકીય રીતે મહત્વ આપ્યું હતું. પરંતુ હવે સતત બીજી વખત રાજ્યસભામાં મોકલવામાં ન આવતા તેમના રાજકીય ભવિષ્ય અંગે ચર્ચા શરૂ થઈ છે.
નીરજ શેખર બે વખત લોકસભા સાંસદ અને ત્રણ વખત રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે. તેમ છતાં ભાજપે આ વખતે નવા ચહેરાઓ અને વિવિધ સામાજિક-પ્રાદેશિક સમીકરણોને પ્રાધાન્ય આપ્યું હોવાનું માનવામાં આવે છે.
નીરશેખરનું રાજકીય ગણિત ક્યાં બગડ્યું?
નીરજ શેખરની પૂર્વાંચલ અને ખાસ કરીને બલિયા વિસ્તારમાં સારી રાજકીય ઓળખ રહી છે. ચંદ્રશેખરના અવસાન બાદ તેઓ તેમના રાજકીય વારસદાર તરીકે આગળ આવ્યા હતા. જોકે સમય જતાં તેમની વ્યક્તિગત રાજકીય પકડનો સીધો ચૂંટણીલાભ પાર્ટીને મળતો રહ્યો નથી.
2019માં નીરજ શેખરે સમાજવાદી પાર્ટી અને રાજ્યસભા સભ્યપદ છોડીને ભાજપનો હાથ પકડ્યો હતો. ભાજપે તેમને રાજ્યસભામાં મોકલીને તક આપી હતી. પરંતુ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તેમને બલિયા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા ત્યારે તેઓ સમાજવાદી પાર્ટીના સનાતન પાંડે સામે ચૂંટણી હારી ગયા હતા.
આ હારને નીરજ શેખરની રાજકીય પકડ અંગે મહત્વપૂર્ણ સંકેત તરીકે જોવામાં આવે છે.
બલિયામાં શેખર પરિવારની પકડ થઈ નબળી
બલિયા અને પૂર્વાંચલમાં ચંદ્રશેખરનો વ્યક્તિગત પ્રભાવ ખૂબ મોટો હતો. તેઓ લાંબા સમય સુધી આ વિસ્તારમાં લોકપ્રિય નેતા રહ્યા હતા. જોકે તેમના બાદ નીરજ શેખર એ પ્રભાવને સતત ચૂંટણીલક્ષી (Electoral) સફળતામાં ફેરવી શક્યા નહીં.
2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં બલિયાની સાત બેઠકોમાંથી સમાજવાદી પાર્ટી ગઠબંધને ચાર બેઠકો જીતી હતી. ભાજપને બે બેઠકો મળી હતી જ્યારે એક બેઠક બહુજન સમાજ પાર્ટીના ખાતામાં ગઈ હતી.
ત્યારબાદ 2024ની લોકસભા ચૂંટણીમાં નીરજ શેખરને બલિયા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો. આ પરિસ્થિતિએ ભાજપ માટે બલિયામાં નવા રાજકીય ચહેરાઓ અને નવા સામાજિક સમીકરણો તરફ આગળ વધવાનો માર્ગ વધુ સરળ કર્યો હોવાનું માનવામાં આવે છે.
ભાજપની નવી વ્યૂહરચનાનો પણ અસર
ભાજપ રાજ્યસભાના ઉમેદવારો પસંદ કરતી વખતે સંગઠન, સામાજિક સમીકરણ અને પ્રદેશના રાજકીય સંતુલનને મહત્વ આપે છે. પાર્ટી ઘણી વખત લાંબા સમયથી રાજ્યસભામાં રહેલા નેતાઓની જગ્યાએ નવા ચહેરાઓને તક આપે છે.
ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ પોતાના સામાજિક અને પ્રાદેશિક સમીકરણોને મજબૂત કરી રહી છે. આ સ્થિતિમાં નીરજ શેખરને ફરીથી રાજ્યસભામાં મોકલવાને બદલે અન્ય નેતાઓને તક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રાજકીય વિશ્લેષણ છે.
આ નિર્ણયથી ચંદ્રશેખર પરિવારની સંસદમાં સતત હાજરીનો સિલસિલો પણ તૂટી ગયો છે.
ચંદ્રશેખરનો હતો દાયકાઓ સુધી દબદબો
પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખર ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના ઇબ્રાહિમપટ્ટી ગામમાં 17 એપ્રિલ 1927ના રોજ જન્મ્યા હતા. યુવાનીથી જ તેઓ સામાજિક અને રાજકીય આંદોલનો સાથે જોડાયા હતા. તેઓ સમાજવાદી વિચારધારા માટે જાણીતા હતા.
1962માં તેઓ પ્રથમ વખત રાજ્યસભા માટે ચૂંટાયા હતા. ત્યારબાદ તેમણે રાષ્ટ્રીય રાજકારણમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી. 1975માં કટોકટી (Emergency) દરમિયાન તેમણે કોંગ્રેસ છોડી અને ઇન્દિરા ગાંધીના પ્રખર વિરોધી તરીકે પોતાની ઓળખ બનાવી.
1977થી 2007 સુધી તેઓ બલિયા લોકસભા બેઠક પરથી અનેક વખત ચૂંટાયા. 1984ની ચૂંટણીમાં તેમને એકમાત્ર હાર મળી હતી. ત્યારબાદ 1989થી 2004 સુધી તેમણે સતત લોકસભા ચૂંટણીમાં જીત મેળવી.
1990માં ચંદ્રશેખર ભારતના વડાપ્રધાન પણ બન્યા હતા. જોકે તેમની સરકાર લાંબી ચાલી નહોતી. તેમ છતાં ભારતીય રાજકારણમાં તેમની છબી એક નિડર અને સ્પષ્ટવક્તા નેતા તરીકે રહી.
પિતાના અવસાન બાદ નીરજ શેખરની એન્ટ્રી
2007માં ચંદ્રશેખરના અવસાન બાદ બલિયા લોકસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં તેમના પુત્ર નીતજ શેખર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે જીત્યા અને પ્રથમ વખત લોકસભામાં પહોંચ્યા.
2009ની લોકસભા ચૂંટણીમાં પણ તેમણે જીત મેળવી હતી. જોકે 2014ની મોદી લહેરમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ સમાજવાદી પાર્ટીએ તેમને રાજ્યસભામાં મોકલ્યા.
2019માં સમાજવાદી પાર્ટીએ તેમને લોકસભાની ટિકિટ ન આપતાં નીરજ શેખરે પાર્ટી તેમજ રાજ્યસભા સભ્યપદેથી રાજીનામું આપ્યું અને ભાજપમાં જોડાયા. ત્યારબાદ ભાજપના સમર્થનથી તેઓ ફરી રાજ્યસભામાં પહોંચ્યા. 2020માં પણ ભાજપે તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા.
હવે તેમનો કાર્યકાળ પૂરો થતાં ભાજપે તેમને ફરી ઉમેદવાર ન બનાવવાનો નિર્ણય લીધો છે.
37 વર્ષ બાદ સંસદમાં શેખર પરિવારની ગેરહાજરી
ચંદ્રશેખર પરિવારની સંસદમાં હાજરી લગભગ ચાર દાયકાથી સતત રહી હતી. હવે નીરજ શેખરને રાજ્યસભાની ટિકિટ ન મળતાં પ્રથમ વખત આ પરિવારનો કોઈ સભ્ય લોકસભા કે રાજ્યસભામાં નહીં હોય.
આ માત્ર એક નેતાને ટિકિટ ન મળવાની ઘટના નથી, પરંતુ બલિયાના રાજકારણમાં એક લાંબા સમયથી ચાલતા રાજકીય અધ્યાયના વિરામ તરીકે પણ જોવામાં આવી રહી છે.
આ ઘટના એ પણ દર્શાવે છે કે આજના રાજકારણમાં માત્ર રાજકીય વારસો પૂરતો નથી. સંગઠનાત્મક (Organisational) જરૂરિયાતો, ચૂંટણીમાં પ્રદર્શન અને બદલાતા સામાજિક સમીકરણો પણ નેતાઓના રાજકીય ભવિષ્યમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
હવે નીરજ શેખર સામે કયા વિકલ્પો?
સંસદમાંથી બહાર થયા બાદ નીરજ શેખર સામે હવે આગામી રાજકીય પારી માટે અનેક વિકલ્પો છે. તેઓ ભાજપના સંગઠનમાં મહત્વની જવાબદારી મેળવી શકે છે અથવા ઉત્તર પ્રદેશની આગામી વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતરી શકે છે.
જો તેઓ વિધાનસભા ચૂંટણી નહીં લડે તો આગામી લોકસભા ચૂંટણી સુધી રાહ જોવી પડી શકે છે. જોકે ભાજપ ભવિષ્યમાં તેમને કોઈ સંગઠનાત્મક અથવા રાજકીય જવાબદારી આપે છે કે નહીં તેના પર પણ બધાની નજર રહેશે.
ચંદ્રશેખર પરિવાર માટે સંસદમાંથી આ બહાર થવું ચોક્કસપણે મોટો રાજકીય ઝટકો છે, પરંતુ નીરજ શેખરની રાજકીય સફર અહીં પૂરી થઈ ગઈ છે કે તેઓ નવી ભૂમિકામાં વાપસી કરશે, તે આગામી સમયમાં જ સ્પષ્ટ થશે.

