VIDEO: રાષ્ટ્રપતિ ભવનમાં શું ચર્ચા થઈ? તપાસ અને પુરાવા અંગે મમતા બેનરજીએ ખોલ્યા રહસ્યો
નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ સાથે વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા' (INDIA Alliance)ના પ્રતિનિધિમંડળની બેઠક બાદ પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સમગ્ર વિપક્ષ આ મુદ્દે એકજૂટ છે અને તેઓ પોતાના દાવાઓને સાબિત કરવા માટે જરૂરી તમામ પુરાવા રજૂ કરવા તૈયાર છે.
રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત બાદ મીડિયા સાથે વાતચીત કરતા મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, "અમે (ઈન્ડિયા ગઠબંધન) સંપૂર્ણપણે સાથે છીએ અને એકજૂટ રહીને લડી રહ્યા છીએ. બેઠક દરમિયાન માનનીય રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આ મામલે તપાસ આગળ ધપાવવા માટે તેમની પાસે કોઈ પૂરતા પુરાવા નથી. જેના જવાબમાં અમે તેમને સ્પષ્ટપણે ખાતરી આપી છે કે તપાસ માટે જરૂરી તમામ પુરાવા અમે પોતે ઉપલબ્ધ કરાવીશું."
વિપક્ષી નેતાઓએ આરોપ લગાવ્યો છે કે દેશમાં લોકતાંત્રિક પ્રક્રિયાઓ અને બંધારણીય સંસ્થાઓ પર સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ અનિવાર્ય છે. મમતા બેનરજીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે વિપક્ષી ગઠબંધન હવે પોતાના આરોપોના સમર્થનમાં પુરાવા રજૂ કરીને આ લડાઈને આગળ ધપાવવાની તૈયારી કરી રહ્યું છે.

