VIDEO: "સંસદ પાસેના પોલીસ સ્ટેશનમાં સ્ટાફ નથી, તો દેશને કેવા ગૃહમંત્રી મળ્યા?" : હલદ્વાની વિવાદ પર કોંગ્રેસ નેતાનો ધડાકો!
ઉત્તરાખંડના હલદ્વાની ‘શુદ્ધિકરણ’ મામલાએ હવે રાજકીય રંગ પકડી લીધો છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના AICC પ્રભારી રાજેન્દ્ર પાલ ગૌતમે આ મામલે પોલીસની ઢીલી કામગીરી અને લાપરવાહી સામે આકરો રોષ વ્યક્ત કર્યો છે. તેમણે સીધા દેશના ગૃહમંત્રી અને દિલ્હી પોલીસ તંત્રની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
રાજેન્દ્ર પાલ ગૌતમે જણાવ્યું કે તેમની પ્રાથમિક માંગ માત્ર આ મામલે FIR નોંધવાની હતી. જોકે, પોલીસનું વલણ અત્યંત નિરાશાજનક રહ્યું હતું. ફરિયાદને પોલીસ ડાયરીમાં નોંધવામાં જ સાડા ત્રણ કલાકથી વધુ સમય લાગી ગયો હતો. એટલું જ નહીં, સંબંધિત ACP દ્વારા એવો બચાવ કરવામાં આવ્યો હતો કે, "અમારી પાસે સ્ટાફ નથી, અમને ત્રણ દિવસનો સમય આપો."
આ બાબતે તીખી પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસ નેતાએ કહ્યું, "જે પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં દેશનું સંસદ ભવન આવે છે, ત્યાં જો સ્ટાફની અછત હોય, તો પછી દેશને કેવા ગૃહમંત્રી મળ્યા છે?"
તેમણે વધુમાં વિગતો આપતાં ઉમેર્યું કે, લાંબી રકઝક બાદ જ્યારે SHOએ હલદ્વાની પોલીસ સ્ટેશન સાથે વાતચીત કરી, ત્યારે કહેવામાં આવ્યું કે FIR નોંધી લેવામાં આવી છે. તેમ છતાં ફરિયાદની નકલ મેળવવામાં જ તેમને પૂરા ચાર કલાક જેટલો સમય લાગી ગયો.
કાયદાકીય પ્રક્રિયાનો ઉલ્લેખ કરતાં ગૌતમે જણાવ્યું કે, "આ અત્યંત શરમજનક બાબત છે. કાયદો સ્પષ્ટ કહે છે કે જ્યારે કોઈ પણ પ્રકારનો ગંભીર કે સંજ્ઞેય (cognizable) ગુનો બન્યો હોય અને તેની માહિતી પોલીસ સુધી પહોંચે, ત્યારે તાત્કાલિક ગુનો દાખલ કરવો એ પોલીસની કાનૂની ફરજ છે. છતાં આવા વિલંબથી પોલીસ અને તંત્રની દાનત સામે સવાલો ઊભા થાય છે."

