VIDEO: રાહુલ ગાંધી પર FIR થતાં જ ભડક્યા મલ્લિકાર્જુન ખડગે: "દલિતોના અવાજને દબાવવા ભાજપ સત્તાનો કરી રહી છે ખેલ!"
ઉત્તરાખંડના હલ્દ્વાની સ્થિત રામલીલા મેદાનમાં યોજાયેલી સભા બાદ કથિત 'શુદ્ધિકરણ' વિવાદને લઈને કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ સરકાર સામે આક્રમક વલણ અખત્યાર કર્યું છે. ખડગેએ રાજ્યસભાના સભાગૃહ નેતા જે.પી. નડ્ડાને પત્ર લખીને સરકારના વલણ સામે આકરા સવાલો ઉઠાવ્યા છે.
મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે, "મેં રાજ્યસભાના સભાગૃહ નેતા જે.પી. નડ્ડાને પત્ર લખીને યાદ અપાવ્યું છે કે સરકાર દ્વારા ગૃહમાં ખાતરી આપવામાં આવી હોવા છતાં ૨૪ દિવસ વીતી ગયા પછી પણ આ મામલે કોઈ જ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી?" તેમણે આક્ષેપ કર્યો કે આ ઘટના માત્ર તેમની વ્યક્તિગત બાબત નથી, પરંતુ કરોડો દલિતોના સ્વાભિમાન અને અસ્પૃશ્યતા સામે જોડાયેલો ગંભીર મુદ્દો છે, છતાં શુદ્ધિકરણ કરાવનારા સામે કોઈ એફઆઈઆર નોંધાઈ નથી.
રાહુલ ગાંધી સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ અંગે ભાજપ પર પ્રહાર કરતાં ખડગેએ કહ્યું, "રાહુલ ગાંધી સંસદની અંદર અને બહાર સતત મોંઘવારી, બેરોજગારી અને દલિતોના અધિકારોના મુદ્દા ઉઠાવી રહ્યા છે. તેના બદલામાં ભાજપે તેમના વિરુદ્ધ એફઆઈઆર (FIR) નોંધી દીધી. જો તેઓ આવા વાજબી મુદ્દાઓ પર લડનારા માણસનું મનોબળ તોડવા અને ડરાવવા માગતા હોય, તો અમારી પાર્ટી ક્યારેય ડરશે નહીં. ભાજપ ભલે ગમે તેટલી FIR કરે, અમે તેનો સામનો કરીશું અને આ સંઘર્ષ ચાલુ રહેશે."
ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં ખડગેની જાહેરસભા પૂરી થયા બાદ કેટલાક સંગઠનો દ્વારા તે મેદાનનું ગંગાજળ અને મંત્રોચ્ચારથી શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું, જેના પર કોંગ્રેસે તીવ્ર રોષ વ્યક્ત કર્યો હતો. રાહુલ ગાંધીએ તેને 'અસ્પૃશ્યતા' ગણાવતાં તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી. હવે ખડગેના સીધા પત્ર બાદ આ વિવાદ રાષ્ટ્રીય સ્તરે વધુ ગરમાયો છે.

