VIDEO: 'પેટ્રોલિંગ વાળી આપણી જમીનનું શું થયું?' BRICS સમિટમાં ચીન મુદ્દે કેન્દ્ર કેમ મૌન? અસદુદ્દીન ઓવૈસીએ ઉઠાવ્યા આકરા સવાલ!
BRICS Summit 2026 દરમિયાન પીરસવામાં આવેલા ભોજનને લઈને શરૂ થયેલા વિવાદ વચ્ચે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. હૈદરાબાદ ખાતે પત્રકારો સાથે વાતચીતમાં ઓવૈસીએ જણાવ્યું કે દેશમાં ફક્ત શાકાહારી વાનગીઓ જ નથી, પરંતુ તમામ પ્રકારના ખાનપાન ભારતની વિવિધતાનો હિસ્સો છે. આ સાથે જ તેમણે ચીન સરહદ વિવાદ અને ડિજિટલ કરન્સી જેવા મહત્વના મુદ્દાઓ પર સરકારની મૌન નીતિ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા.
'ખોરાક પર પોતાની પસંદગી થોપવી અજીબ છે'
સમિટમાં પીરસાયેલા મેનૂ અંગે પ્રતિક્રિયા આપતાં ઓવૈસીએ કહ્યું, "મને સમજાતું નથી કે આ લોકો આવું શા માટે કરે છે. આ દેશમાં માંડ 20 ટકા વસ્તી શાકાહારી છે. જ્યારે તમે UCCનો મુદ્દો લાવો છો, ત્યારે બહુમતી માટે બનેલો કાયદો લઘુમતીઓ પર થોપવાનો પ્રયાસ કરો છો. પરંતુ જ્યારે ભોજનની વાત આવે છે, ત્યારે તમે તમારી વ્યક્તિગત પસંદગીઓ બધા પર થોપી દો છો! આ ખૂબ જ અજીબ છે. દેશની વિવિધતામાં તમામ પ્રકારની ખાનપાન સંસ્કૃતિ સમાયેલી છે." તેમણે ઉમેર્યું કે ભારતની ઓળખ તેની સાંસ્કૃતિક, ધાર્મિક અને ભાષાકીય વિવિધતા છે અને વિશ્વ સમક્ષ આ તમામ પાસાઓ રજૂ કરવા જોઈએ.
ચીન સરહદ અને જમીન પર સવાલ
ઓવૈસીએ આગળ કહ્યું કે, સરકારે મેનૂનો જે નિર્ણય લીધો તે લીધો, પરંતુ સૌથી મહત્વની અને ખેદજનક બાબત એ છે કે સમિટમાં મૂળ મુદ્દાઓ ગાયબ રહ્યા. તેમણે કહ્યું, "અમે ડિજિટલ કરન્સીનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ઉપરાંત, ચીન સાથે શું ચર્ચા થઈ તે પણ કોઈને ખબર નથી. જે જમીન પર આપણું પેટ્રોલિંગ ચાલતું હતું અને ચીને તેના પર કબજો જમાવી દીધો છે, તે જમીનનું શું થયું? આ મુદ્દે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી."

