VIDEO: 'દેશમાં નફરત ફેલાવનારાઓ જ અસલી દિમાગી નક્સલ', આપ સાંસદ સંજય સિંહના ભાજપ પર આકરા પ્રહાર
'દિમાગી નક્સલ'ના નિવેદનને લઈને ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સંજય સિંહે ભારતીય જનતા પાર્ટી (BJP) અને કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે દેશના યુવાનો જ્યારે પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવે છે ત્યારે તેમને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવે છે.
અસલી 'દિમાગી નક્સલ' કોણ? સંજય સિંહનો સવાલ
સંજય સિંહે પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, "અસલી 'દિમાગી નક્સલ' તો ભાજપના લોકો પોતે છે, જેઓ દેશભરમાં વિવાદો ભડકાવી રહ્યા છે અને નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છે. વાસ્તવમાં વડાપ્રધાને દેશના યુવાનોને 'દિમાગી નક્સલ' કહીને સંબોધ્યા છે અને તેઓ સીધા યુવા વર્ગને નિશાન બનાવી રહ્યા છે."
શિક્ષણ વ્યવસ્થા અને શાળાઓની સ્થિતિ પર ચિંતા
દેશની શિક્ષણ પ્રણાલીની કથળેલી સ્થિતિનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, "આઝાદીના લગભગ 80 વર્ષ પૂર્ણ થવા આવ્યા છતાં દેશમાં સરકારી શાળાઓની એવી હાલત છે કે અંદાજે 1 લાખ શાળાઓ બંધ થઈ ચૂકી છે. આવી પરિસ્થિતિમાં દેશનું શિક્ષણ તંત્ર કેવી રીતે પ્રગતિ કરી શકે?"
રોજગાર અને પેપર લીક મુદ્દે સરકારને ઘેરી
આપ નેતાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, જ્યારે દેશનો યુવાન રોજગાર માંગે છે, નોકરીઓ માટે અવાજ ઉઠાવે છે, પરીક્ષાના પેપર લીક થવાની ઘટનાઓ રોકવાની માંગ કરે છે અને સારી શાળાઓની માંગણી કરે છે, ત્યારે તેમને સાંભળવાના બદલે 'દિમાગી નક્સલ'નું લેબલ લગાવી દેવામાં આવે છે.

