વેબસાઈટ બ્લોક, સુપ્રીમ કોર્ટમાં કેસ છતાં ન ઝૂકી 'CJP'; સોશિયલ મીડિયા પર ધમાકો કર્યા બાદ આપ્યા મોટા સંકેત!

દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતની એક ટિપ્પણી બાદ શરૂ થયેલી 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) હવે દેશના યુવાનો માટે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારી કરી રહી છે. પાર્ટીએ પોતે જ આ વાતની જાહેરાત કરી છે. પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 2 કરોડથી વધુ યુવાનોને જોડ્યા બાદ CJPએ આગામી દિવસો માટે પોતાનો રોડમેપ જાહેર કર્યો છે. CJPએ જણાવ્યું છે કે, "આ તો માત્ર એક શરૂઆત છે અને વાર્તા હજી પૂરી નથી થઈ. જોકે, આ મુહીમ શરૂ થતાં જ મુશ્કેલીઓ પણ શરૂ થઈ ગઈ છે. પાર્ટીની વેબસાઈટ સામે એક્શન લેવામાં આવ્યા છે, તો બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં CJP વિરુદ્ધ એક PIL પણ દાખલ કરવામાં આવી છે.
મુશ્કેલીઓ સામે ઝૂકશે નહીં CJP
આ તમામ વિવાદો વચ્ચે પાર્ટીએ ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરીને સંદેશ આપ્યો છે કે તેઓ મુશ્કેલીઓ સામે ઘૂંટણ નહીં ટેકે. પાર્ટીએ લખ્યું કે, કોકરોચ સૌથી મોટા સર્વાઈવર હોય છે. તેઓ અંધારા ખૂણાઓમાં પણ જીવી જાય છે અને દરેક મુશ્કેલી છતાં ટકી રહે છે. દેશના યુવાનોની હાલત પણ આજે આવી જ છે. પરંતુ વાર્તા હજી પૂરી નથી થઈ, કોકરોચ પાર્ટીએ તો અત્યારે માત્ર શરૂઆત કરી છે.
ન્યાય માટે લડશે CJP: મીમ પેજથી આંદોલન સુધીની સફર
સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, આ પાર્ટી માત્ર એક 'મીમ પેજ' બનીને રહી જશે અને જમીની સ્તરે તેની કોઈ અસર નહીં થાય. જોકે, CJPએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ આ મુહીમને એક મોટા આંદોલનમાં બદલવા જઈ રહ્યા છે. CJPના જણાવ્યા અનુસાર, તેમની વિચારધારા ભારતના બંધારણથી પ્રેરિત છે. તેઓ મહાત્મા ગાંધી, બાબાસાહેબ આંબેડકર, જવાહરલાલ નેહરુ, શહીદ ભગત સિંહ અને નેતાજી સુભાષચંદ્ર બોઝમાંથી પ્રેરણા લઈને ધર્મનિરપેક્ષતા, લોકશાહી અને સામાજિક ન્યાય માટે લડશે. આ સાથે જ CJPએ દેશમાં પરિવર્તન લાવવા માટે તેના 2.2 કરોડથી વધુના કમ્યુનિટી બેઝ પાસેથી સૂચનો પણ માંગ્યા છે. આગામી દિવસોમાં સૌથી શ્રેષ્ઠ આઈડિયાઝ પસંદ કરીને દેશવ્યાપી કેમ્પેઈન અને જમીની સ્તરે કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ દરમિયાન પાર્ટીનું મુખ્ય ફોકસ બેરોજગારી, પેપર લીક, પર્યાવરણ અને સરકારી સંસ્થાઓમાં પારદર્શિતા સહિતના મુદ્દાઓ પર રહેશે.
અભિજીત દીપકેના ઘરે પોલીસ તૈનાત
આ પેજ શરૂ કરનાર અભિજીત દીપકેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળ્યા બાદ તેમના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં રહેતા અભિજીતના માતા-પિતાના ઘરની બહાર હવે 24 કલાક પોલીસ હાજર રહેશે. જોકે, અભિજીત પોતે હાલ અમેરિકાના બોસ્ટનમાં છે. તેણે ખુલાસો કર્યો છે કે, તેને અને ભારતમાં રહેતા તેના પરિવારને સતત ધમકીઓ મળી રહી છે. તેને એક ધમકીભર્યો વીડિયો પણ મળ્યો છે જેમાં કેટલાક શંકાસ્પદ લોકો તેના ઘરની બહાર ઉભેલા જોવા મળે છે.
આ અંગે અભિજીતના પિતા ભગવાન દીપકેએ એક ખાનગી ન્યૂઝ ચેનલ સામે ભાવુક થતાં કહ્યું,"હું બે રાતથી ઊંઘ્યો નથી. મને ડર છે કે મારો દીકરો હવે બહુ ફેમસ થઈ ગયો છે અને આવા લોકોને પોલીસ પકડી લે છે. જ્યારે તેની માતા અનીતાએ કહ્યું,અમે બસ ઈચ્છીએ છીએ કે અમારો દીકરો હેમખેમ ઘરે પાછો આવી જાય, હું આ બાબતમાં તેનો સાથ નહીં આપું.
મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
આ તમામ વિવાદો વચ્ચે હવે આ મામલો દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને કોકરોચ જનતા પાર્ટી સાથે જોડાયેલી પ્રવૃત્તિઓની તપાસ કરવા માટે નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં ન્યાયિક પ્રક્રિયાના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને દાવો કરાયો છે કે કોર્ટની કાર્યવાહી દરમિયાન કરવામાં આવેલી ટિપ્પણીઓ અને વિચારોનો ઉપયોગ પબ્લિસિટી માટે કરવામાં આવી રહ્યો છે.
શું હતો સમગ્ર વિવાદ?
ગયા અઠવાડિયે એક કેસની સુનાવણી દરમિયાન, CJI સૂર્યકાંતે દેશના બેરોજગાર યુવાનોની સરખામણી કથિત રીતે 'કોકરોચ' સાથે કરી દીધી હતી. આ ટિપ્પણી સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ભારે વિવાદ છેડાયો હતો અને તેના વિરોધમાં 'કોકરોચ જનતા પાર્ટી'નો જન્મ થયો હતો.

