Video: ચૂંટણી પંચ સાથે સરકારનું કનેક્શન? આઠવલેએ તોડી ચુપકીદી, વિપક્ષના મોઢા બંધ કરાવતો ખુલાસો!

ચૂંટણી પંચ અને મતદાર યાદી સુધારણાના મુદ્દે વિપક્ષ દ્વારા સતત કરવામાં આવી રહેલા હુમલા વચ્ચે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ મોટું નિવેદન આપ્યું છે. મુંબઈ ખાતે મીડિયા સાથે વાતચીત કરતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો વિપક્ષ માગણી કરશે તો સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં પણ સરકારને કોઈ વાંધો નથી અને સરકાર દરેક મુદ્દા પર ચર્ચા કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. આ સાથે જ તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચ સાથે સરકારના જોડાણ અંગેના વિપક્ષના આક્ષેપોને સદંતર ફગાવી દીધા હતા.
સંસદમાં દરેક મુદ્દે ચર્ચા થવી જોઈએ: રામદાસ આઠવલે
કેન્દ્રીય મંત્રીએ વિપક્ષના આરોપોનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, “જો વિપક્ષ સંસદનું વિશેષ સત્ર ઈચ્છતો હોય, તો તે પણ શક્ય બની શકે છે. સંસદ એ લોકશાહીનું મંદિર છે અને ત્યાં દરેક વિષય પર ખુલ્લી ચર્ચા થવી જ જોઈએ.”
તેમણે ઉમેર્યું કે, “વિપક્ષ દ્વારા સરકાર પર સીધા આક્ષેપો કરવામાં આવે તે કોઈપણ સંજોગોમાં યોગ્ય નથી. જ્ઞાનેશ કુમાર કે ભારતીય ચૂંટણી પંચ (ECI) સાથે સરકારનો કોઈ સીધો સંબંધ નથી. ચૂંટણી પંચ એક સ્વાયત્ત સંસ્થા છે અને નિયમો મુજબ કામ કરે છે. સરકાર કોઈપણ મુદ્દા પર સામનો કરવા અને ચર્ચા કરવા માટે તૈયાર છે.”







