VIDEO: ‘અમે સ્વતંત્ર ભારતમાં જન્મ્યા છીએ, સરમુખત્યારશાહી નહીં ચાલે!’ CEC સામે આરપારની લડાઈના મૂડમાં કોંગ્રેસ!
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ અને એસઆઈઆર (SIR) મુદ્દે વિપક્ષી પક્ષો દ્વારા દિલ્હીમાં મોટો મોરચો ખોલવામાં આવ્યો છે. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ રેણુકા ચૌધરીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
મીડિયા સાથે વાત કરતા રેણુકા ચૌધરીએ જણાવ્યું હતું કે, "આ લડાઈ ચાલુ રહેશે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડવું એ આપણી ફરજ અને આપણી નૈતિક જવાબદારી છે. આપણે કોના માટે અને શેના માટે લડી રહ્યા છીએ? બંધારણે આપેલો આ અધિકાર આપણો વારસો છે અને અમે તેના રક્ષણ માટે લડી રહ્યા છીએ."
સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતા તેમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે: "અમે કયું ગેરકાયદે કામ કર્યું છે? જો અમે બેરોજગારી સામે અવાજ ઉઠાવીએ તો તે ખોટું ગણાય છે, જો અમે બંધારણની વાત કરીએ તો ખોટું ગણાય છે, જો અમે અમારા હકો માગીએ તો ખોટું ગણાય છે અને જો અમે SIR સામે અવાજ ઉઠાવીએ તો પણ ખોટું ગણાય છે! તો આજે આપણા દેશમાં બાકી શું રહ્યું છે? શું માત્ર સરકારની મનમાની જ માન્ય ગણાશે—કે તેઓ જે ઈચ્છે તે કરે અને અમે શાંતિથી બેસી રહીએ? એ ક્યારેય શક્ય નથી. આપણે સ્વતંત્ર ભારતમાં જન્મ્યા છીએ અને એ આઝાદી એક પવિત્ર ધરોહર છે, તેને નુકસાન પહોંચાડવાનો કોઈને અધિકાર નથી."
આ વિરોધ પ્રદર્શન ક્યાં સુધી ચાલશે તેવા પ્રશ્નના જવાબમાં કોંગ્રેસ સાંસદે સ્પષ્ટ કર્યું હતું કે, જ્યાં સુધી સરકાર વાસ્તવિકતા અને સત્યનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે. તેમણે ઉમેર્યું હતું કે વિપક્ષ વિવિધ મંચો પરથી અને અલગ-અલગ માધ્યમો દ્વારા પોતાનો વિરોધ નોંધાવવાનું ચાલુ રાખશે.

