‘અમે સ્તબ્ધ અને આહત છીએ’, રામ મંદિર મુદ્દે કોષાધ્યક્ષે ચંપતરાય અને અનિલ મિશ્રાના રાજીનામાની કરી પુષ્ટિ

અયોધ્યા રામ મંદિરમાં દાન (ચઢાવો) ચોરીના મામલે શનિવારે મોટા સમાચાર સામે આવ્યા છે. 'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ'ના મહામંત્રી ચંપત રાયના રાજીનામાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદદેવ ગિરીએ ચંપત રાયના રાજીનામાની પુષ્ટિ કરી છે. ઉલ્લેખનીય છે કે, ચંપત રાયે રાજીનામું આપી દીધું હોવાની ચર્ચાઓ અગાઉ પણ ચાલી રહી હતી, પરંતુ હવે ટ્રસ્ટ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
રામ મંદિર ટ્રસ્ટે જાહેર કર્યું સત્તાવાર નિવેદન
આ સમગ્ર વિવાદ પર રામ મંદિર ટ્રસ્ટનું સત્તાવાર નિવેદન પણ સામે આવ્યું છે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, ચંપત રાયની સાથે અન્ય એક ટ્રસ્ટી અનિલ મિશ્રાએ પણ પોતાનું રાજીનામું સોંપી દીધું છે.
ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદદેવ ગિરીએ પત્ર જાહેર કરીને જણાવ્યું છે કે: "શ્રી રામ મંદિર (અયોધ્યા) માં છેલ્લા કેટલાક દિવસોથી બનેલી ઘટનાઓથી અમે સ્તબ્ધ, આહત અને અત્યંત દુઃખી છીએ. સમસ્ત રામભક્તો અને રામસેવકોના પ્રતિનિધિ તરીકે અહીં સેવા કરનારા અમે આ મામલે ન્યાયી તપાસ કરવા અને રામભક્તોને આશ્વસ્ત કરવા માટે કટિબદ્ધ છીએ. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહામંત્રી ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રા તરફથી રાજીનામું મળ્યું છે. ટ્રસ્ટ પોતાની આગામી બેઠકમાં આ અંગે વિચારણા કરશે."
'શ્રદ્ધાળુઓનું સોનું-ચાંદી સંપૂર્ણ સુરક્ષિત છે'
ટ્રસ્ટે પોતાના નિવેદનમાં ભક્તોને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે, જે શ્રદ્ધાળુઓએ પ્રભુ શ્રીરામની સેવામાં ચાંદીની ઈંટો, આભૂષણો વગેરે ટ્રસ્ટના અધિકારીઓને વ્યક્તિગત રીતે સોંપ્યા છે, તે તમામ વસ્તુઓ પાકા હિસાબ સાથે સંપૂર્ણ સુરક્ષિત છે. જ્યારે મંદિરના દાનપાત્ર (દાનપેટી) માંથી મળેલી રકમની ચોરી અંગે ટ્રસ્ટે જણાવ્યું કે, ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ગઠિત SIT ના વચગાળાના અહેવાલના આધારે ટ્રસ્ટે FIR નોંધાવી છે અને તેના પર કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.
ટ્રસ્ટે વધુમાં ઉમેર્યું, "અમે સૌને વિશ્વાસ અપાવીએ છીએ કે ભવિષ્યમાં આવી કોઈ કમનસીબ સ્થિતિ ઊભી ન થાય તે અમે સુનિશ્ચિત કરીશું. ગુનેગારોને કડક કાનૂની સજા મળે તે માટે અમે આગ્રહી રહીશું. અસામાજિક, અધાર્મિક અને સ્વાર્થી તત્વો દ્વારા સનાતન ધર્મ પર લાંછન લગાવવાના પ્રયાસોને અમે સફળ થવા નહીં દઈએ. કૃપા કરીને ભ્રામક અને પાયાવિહોણી અફવાઓથી બચો. અમને વિશ્વાસ છે કે આ સંકટના વાદળો હટશે, અંધકાર દૂર થશે અને સત્યનો સૂર્ય પ્રકાશશે."
'આમના માટે ધન જ ધર્મ છે' - અખિલેશ યાદવે સરકારને ઘેરી
આ મોટા ખુલાસા બાદ રાજકારણ પણ ગરમાયું છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે આ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે, "આસ્થા સાથે ખિલવાડ કરનારાઓને પ્રભુ શ્રીરામ ક્યારેય માફ નહીં કરે. સરકાર પોતે હવે ચોરી થઈ હોવાની વાત સ્વીકારી રહી છે. આ લોકો ધર્મ કરતાં ધન પર વધુ ધ્યાન આપે છે, આમના માટે ધન જ ધર્મ છે."

