VIDEO: ‘અમે અહીં માત્ર ચૂંટણી લડવા નથી આવ્યા’, અભિજીત દીપકેએ જણાવી ભવિષ્યની દિશા
કોકરોચ જનતા પાર્ટી (CJP) સાથે ચર્ચામાં આવેલા અભિજીત દીપકેએ પોતાના આગામી પ્લાન અંગે મહત્વની વાતો કરી છે. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનો હેતુ માત્ર ચૂંટણી લડવાનો કે કોઈ એક રાજકીય પક્ષ સુધી સીમિત રહેવાનો નથી. તેઓ આંદોલનને ચૂંટણીની રાજનીતિથી આગળ લઈ જઈને લોકોમાં તેમના અધિકારો અને જવાબદારીઓ અંગે જાગૃતિ લાવવા માગે છે.
અભિજીત દીપકે અમેરિકાથી ભારત પરત ફરવાના નિર્ણય, કોકરોચ આંદોલન અને CJPના ભવિષ્ય અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે તેઓ આ ક્ષેત્રમાં પ્રવેશી ચૂક્યા છે, ત્યારે આંદોલનને જીવંત રાખવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પરથી શરૂ થયું ‘કોકરોચ’ આંદોલન
મળતી માહિતી મુજબ, મે મહિનામાં દેશના મુખ્ય ન્યાયાધીશની એક ટિપ્પણી બાદ 30 વર્ષીય અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પર ‘કોકરોચ જનતા પાર્ટી’ની શરૂઆત કરી હતી. શરૂઆતમાં આ અભિયાન એક પ્રકારના વ્યંગ (Satire) તરીકે શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ થોડા જ સમયમાં મોટી સંખ્યામાં લોકો તેની સાથે જોડાયા.
બાદમાં અભિજીત દીપકે અમેરિકાથી ભારત પરત ફરીને દિલ્હીના જંતર-મંતર ખાતે નીટ પેપર લીક (NEET Paper Leak) સામે યોજાયેલા વિરોધ પ્રદર્શનોમાં પણ આગેવાની કરી હતી.
સરકારની આ વાતથી થયા હતા નારાજ
ઇન્ટરવ્યૂ દરમિયાન અભિજીત દીપકેએ જણાવ્યું કે સરકાર તરફથી તેમને ‘દેશ માટે ખતરો’ અને ‘એન્ટી નેશનલ’ જેવા ટેગ આપવામાં આવ્યા હતા, જેનાથી તેઓ ખૂબ દુઃખી થયા હતા. પરિવાર અને વકીલે ભારત પરત ન ફરવાની સલાહ આપી હોવા છતાં તેમણે દેશમાં પાછા આવવાનો નિર્ણય લીધો.
તેમનું કહેવું હતું કે જો પોતાની જ સરકાર તેમને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવે છે, તો તેઓ ભારત પરત આવીને સાબિત કરવા માગતા હતા કે તેઓ દેશની સુરક્ષા માટે કોઈ જોખમ નથી. તેમણે દેશ પ્રત્યેના પોતાના પ્રેમ અંગે પણ સ્પષ્ટતા કરી હતી.
ચૂંટણી નહીં, મોટા બદલાવ પર ધ્યાન
કોકરોચ આંદોલન દ્વારા હવે ‘સ્કૂલ ઠીક કરો’ (School Fix) અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત સરકારી શાળાઓની સ્થિતિ અને શિક્ષણ વ્યવસ્થાના પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.
અભિજીત દીપકે કહ્યું કે લોકો રાજકારણને માત્ર ચૂંટણી અને રાજકીય પક્ષો સુધી મર્યાદિત માને છે, પરંતુ તેમનો હેતુ તેનાથી આગળ જવાનો છે. તેઓ લોકોમાં પોતાના અધિકારો અને ફરજો અંગે સમજ વધારવા તથા સત્તામાં કોઈપણ પક્ષ હોય, તેની જવાબદારી નક્કી કરાવવાની વ્યવસ્થા મજબૂત બનાવવા માગે છે.

