જીવિત થવાની આશા ! મોતના 4 વર્ષ બાદ પણ પરિવાર છુપાવીને રાખતો હતો મૃતદેહ, ચોંકાવનારો મામલો

મુંબઈના મલાડ પૂર્વના કુરાર વિસ્તારમાંથી એક ચોંકાવનારો (Shocking) કિસ્સો સામે આવ્યો છે. પોલીસે એક સ્થાનિક ક્લિનિકના ફ્રીઝરમાંથી 80 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ (Dead Body) મળી આવ્યો છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે વૃદ્ધનું મૃત્યુ વર્ષ 2022માં થયું હતું, પરંતુ પરિવાર છેલ્લા ચાર વર્ષથી મૃતદેહને સુરક્ષિત રાખી રહ્યો હતો. પરિવારને આશા હતી કે ભવિષ્યમાં આધુનિક ટેક્નોલોજી (Advanced Technology)ની મદદથી વૃદ્ધને ફરી જીવિત કરી શકાય.
મુખબિરની માહિતી બાદ પોલીસની કાર્યવાહી
પોલીસના જણાવ્યા અનુસાર, કુરાર પોલીસ સ્ટેશનને એક મુખબિર મારફતે આ મામલાની માહિતી મળી હતી. માહિતી મળ્યા બાદ પોલીસે મલાડના એક સ્થાનિક ક્લિનિકમાં તપાસ (Investigation) હાથ ધરી હતી. દરમિયાન ક્લિનિકના ફ્રીઝરમાંથી 80 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો.
પોલીસે મૃતદેહને કબજામાં લઈને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. મૃતક અને તેના પરિવારની ઓળખ હાલ જાહેર કરવામાં આવી નથી.
2022માં થયું હતું વૃદ્ધનું મૃત્યુ
તપાસ દરમિયાન સામે આવ્યું કે વૃદ્ધનું મૃત્યુ વર્ષ 2022માં થયું હતું. સામાન્ય રીતે મૃત્યુ બાદ અંતિમવિધિ (Funeral) કરવામાં આવે છે, પરંતુ પરિવારજનોએ તેમ કર્યું નહોતું. પરિવારના સભ્યોના કહેવા પર મૃતદેહને એક ક્લિનિકના ફ્રીઝરમાં રાખવામાં આવ્યો હતો.
પરિવાર છેલ્લા ચાર વર્ષથી મૃતદેહને એવી સ્થિતિમાં રાખી રહ્યો હતો કે ભવિષ્યમાં તેને કોઈ ખાસ ટેક્નોલોજી દ્વારા ફરી જીવિત કરી શકાય.
પરિવારને હતી ક્રાયોનિક્સ ટેક્નોલોજીની આશા
પોલીસ પૂછપરછ (Police Interrogation) દરમિયાન વૃદ્ધની પત્ની અને તેમના પુખ્ત વયના સંતાનોએ જણાવ્યું કે પરિવાર વૃદ્ધના મૃત્યુથી ખૂબ જ આઘાતમાં હતો. તેઓ પરિવારના વડાને ગુમાવવા માંગતા નહોતા. તેથી તેમણે મૃતદેહને અમેરિકાના કોઈ ક્રાયોનિક્સ સેન્ટર (Cryonics Center)માં લઈ જઈ લાંબા સમય સુધી સાચવવાની યોજના બનાવી હતી.
પરિવારને આશા હતી કે ભવિષ્યમાં મેડિકલ સાયન્સ (Medical Science) અને ટેક્નોલોજીમાં એટલો વિકાસ થશે કે મૃતદેહને ફરી જીવિત કરવાની શક્યતા ઊભી થઈ શકે.
માનવ શરીરની ક્રાયોનિક્સ હજુ પ્રયોગાત્મક
ક્રાયોનિક્સ (Cryonics) એવી પ્રક્રિયા છે જેમાં મૃત્યુ બાદ શરીર અથવા તેના કેટલાક ભાગોને ખૂબ જ નીચા તાપમાને સાચવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જોકે માનવ શરીરને આ રીતે સાચવીને ભવિષ્યમાં ફરી જીવિત કરવાની ટેક્નોલોજી હજુ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી નથી અને તેને પ્રયોગાત્મક (Experimental) માનવામાં આવે છે.
બીજી તરફ, કોષો (Cells), પેશીઓ (Tissues) અને ભ્રૂણના ક્રાયોપ્રિઝર્વેશન (Cryopreservation) જેવી પ્રક્રિયાઓ મેડિકલ ક્ષેત્રમાં સ્થાપિત પદ્ધતિઓ છે.
ક્લિનિકને પણ નહોતી જાણ
પ્રાથમિક માહિતી મુજબ પરિવાર અને ક્લિનિક તરફથી આ મામલે સ્થાનિક પોલીસને કોઈ જાણ કરવામાં આવી નહોતી. મૃતદેહ મળ્યા બાદ પોલીસે ક્લિનિકમાં સુરક્ષા (Security) વધારી છે અને સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
હાલ પરિવાર વૃદ્ધના અંતિમ સંસ્કાર (Last Rites) ક્યારે અને કેવી રીતે કરવા તે અંગે નિર્ણય લઈ શક્યો નથી. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને આગળની કાર્યવાહી તપાસના આધારે કરવામાં આવશે.

