Video: ઉત્તરાખંડ જાગેશ્વર સંગ્રહાલયના ૨૭૪ પ્રાચીન શિલ્પો દિલ્હી ખસેડવાના પ્રસ્તાવ સામે અલ્મોડાના ગ્રામજનોનો ઉગ્ર વિરોધ; અનિશ્ચિત સમયના ધરણાની ચીમકી આપી

ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ જાગેશ્વર ધામના સંગ્રહાલયમાંથી ૨૭૪થી વધુ પ્રાચીન અને દુર્લભ શિલ્પોને દિલ્હી ખસેડવાના પ્રસ્તાવને લઈને ભારે વિવાદ સર્જાયો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASI ની ટીમ આ કિંમતી કલાકૃતિઓને એકત્રિત કરવા પહોંચી હોવાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં સંગ્રહાલય ખાતે ઉમટી પડ્યા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહરને અહીંથી ખસેડવામાં આવશે તો અનિશ્ચિત સમય માટે જનઆંદોલન છેડવામાં આવશે.
ઉત્તરાખંડના અલ્મોડાથી લગભગ ૩૫ કિલોમીટર દૂર કુમાઉ ક્ષેત્રમાં ભગવાન શિવને સમર્પિત પ્રાચીન મંદિરોનું વિશ્વપ્રસિદ્ધ સંકુલ જાગેશ્વર ધામ આવેલું છે. અહીંના જાગેશ્વર સંગ્રહાલયમાં ૨૭૪ થી વધુ અત્યંત દુર્લભ અને પ્રાચીન શિલ્પો સચવાયેલા છે, જેમાં લકુલિશા શિવ અને ઐતિહાસિક શિલ્પોનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક રહેવાસીઓને જાણ થઈ કે ASIની ટીમ આ પ્રાચીન કલાકૃતિઓને દિલ્હી સ્થાનાંતરિત કરવા માટે એકત્રિત કરવા આવી રહી છે, ત્યારે આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો સંગ્રહાલય પરિસરમાં એકઠા થઈ ગયા હતા. જાગેશ્વર મંદિરના પૂજારી હરિ મોહન ભટ્ટે જણાવ્યું હતું કે ગ્રામજનોએ એકસૂરે આ પગલાંનો વિરોધ કર્યો છે અને સ્પષ્ટ કરી દીધું છે કે જો શિલ્પો છીનવી લેવાનો કોઈપણ પ્રયાસ થશે તો સંગ્રહાલયના પ્રવેશદ્વાર પર અનિશ્ચિત સમય માટે ધરણા શરૂ કરવામાં આવશે. જાગેશ્વર મંદિર સમિતિના પૂર્વ ઉપપ્રમુખ નવીન ભટ્ટે દિલ્હી સ્થિત ASI ના મહાનિર્દેશકને પત્ર લખીને શિલ્પો ન ખસેડવા વિનંતી કરી છે, સાથે જ ચેતવણી આપી છે કે જો આંદોલનને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડશે તો તેની સંપૂર્ણ જવાબદારી વિભાગની રહેશે.
બીજી તરફ, આ પ્રાચીન શિલ્પોને દિલ્હી લઈ જવા પાછળ કેન્દ્ર સરકારનો એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ રહેલો છે. આ કલાકૃતિઓને દિલ્હીના નોર્થ અને સાઉથ બ્લોકમાં વિકસાવવામાં આવી રહેલા યુગે યુગીન ભારત સંગ્રહાલયમાં ખસેડવાનો પ્રસ્તાવ છે. આ સંગ્રહાલય તૈયાર થયા બાદ વિશ્વમાં પોતાની પ્રકારનું સૌથી મોટું મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે. અંદાજે એક લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા આ ભવ્ય સંગ્રહાલયમાં ભારતના 5 હજાર વર્ષ જૂના ગૌરવશાળી ઇતિહાસના વિવિધ પાસાઓને પ્રદર્શિત કરવાની યોજના છે. જેમાં પ્રાચીન સ્થાપત્ય, શહેરી સભ્યતા, ગણિત, ખગોળશાસ્ત્ર, વિવિધ ભાષાઓ અને લિપિઓ, ધર્મ, આધ્યાત્મિકતા તેમજ ભારતના વૈશ્વિક વેપાર અને સાંસ્કૃતિક સંબંધોની ઝાંખી કરાવવામાં આવશે. જોકે, રાષ્ટ્રીય સ્તરના આ પ્રદર્શન માટે પોતાના પ્રદેશની ઐતિહાસિક વિરાસત અને આસ્થાના પ્રતીક સમાન શિલ્પોને બહાર મોકલવા માટે અલ્મોડાના સ્થાનિક લોકો બિલકુલ તૈયાર નથી અને તેઓ પોતાની ધરોહર જાગેશ્વરમાં જ રાખવા મક્કમ છે.
જાગેશ્વર સંગ્રહાલયના શિલ્પોને લઈને સર્જાયેલો આ વિવાદ હવે સંવેદનશીલ બન્યો છે, ત્યારે પુરાતત્વ વિભાગ અને વહીવટીતંત્ર ગ્રામજનોની લાગણીઓને ધ્યાનમાં રાખીને શું રસ્તો કાઢે છે, તેના પર સૌ-કોઈની નજર રહેશે







