VIDEO: દિલ્હીના એક બહુમાળી ઇમારતમાં આવેલી લેમન ગ્રીન રેસ્ટોરન્ટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી
દિલ્હીના દક્ષિણ વિસ્તારમાં આવેલા માલવીય નગરના હૌઝ રાની વિસ્તારમાં બુધવારે સવારે એક બહુમાળી ઇમારતમાં આવેલી લેમન ગ્રીન રેસ્ટોરન્ટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગ જોતજોતામાં ઉપરના માળ સુધી ફેલાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૨૧ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેમાં કેટલાક વિદેશી નાગરિકો પણ સામેલ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ૧૦ ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. બચાવ કામગીરી દરમિયાન ઇમારતમાંથી આશરે ૪૭ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ધુમાડા અને આગના કારણે ઘાયલ થયેલા ૩૭થી વધુ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કરીને મૃતકોના પરિવારોને ૨ લાખ અને ઈજાગ્રસ્તોને ૫૦,૦૦૦ની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.

