VIDEO: માઉન્ટ આબુમાં 6 ઈંચ વરસાદ ખાબકતા વૃક્ષ ધરાશાયી થતા 5 દુકાનોને નુકસાન
VIDEO: રાજસ્થાનના મુખ્ય હિલસ્ટેશન માઉન્ટ આબુમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેમાં ગત રાત્રીના મેઘમહેર થતા 6 ઈંચ વરસાદ પડ્યો હોવાથી એક કદાવર વૃક્ષ પડતા તિબ્બત માર્કેટની પાંચ દુકાનોને નુકસાન થયું હતું. સવારના ચાર વાગ્યાના સુમારે વૃક્ષ પડતા સહેલાણીઓનો આબાદ બચાવ થયો હતો. મુખ્ય પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં આ સિઝનમાં સારો વરસાદ પડતાં હાલ સુધી મોસમનો કુલ 46 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે.
ગત રાત્રીના છ ઇંચ વરસાદ પડતાં તિબ્બત માર્કેટમાં એક વૃક્ષ ધરાશાયી થતા દુકાનો પર પડતા પાંચ દુકાનોને ભારે નુકસાન થયું હતું. સવારના 4 વાગ્યાના સુમારે વૃક્ષ પડ્યું હોવાથી કોઈપણ સહેલાણી ત્યાં હાજર નહતા આથી કોઈપણ જાનહાનિ થઈ નથી. પરંતુ માઉન્ટ વાસીઓને આનો ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અને માઉન્ટ આબુમાં ઘણા એવા વૃક્ષો છે જે સો વર્ષોથી ઊભા છે અને નમેલા હોય ક્યારે પણ કોઈને નુકસાન પહોંચાડી શકે છે એવા વૃક્ષોને હટાવી દેવાની માંગ કરી રહ્યા છે.
પ્રખ્યાત હિલસ્ટેશન માઉન્ટ આબુમાં અનરાધાર વરસાદી માહોલ રહેતા વાતાવરણ ખુશનુમા બનેલ છે. અરવલ્લીની સૌથી ઊંચી ચોટી પર આવેલ માઉન્ટઆબુ ડુંગરોની કોતરોમાં વસેલું હોય એવા વાતાવરણમાં સહેલાણીઓ ભારે સંખ્યામાં ઉમટી પડે છે અને આવા આહલાદક વાતાવરણમાં આણંદ ઉઠાવી રહ્યા છે ભારે વરસાદથી નકી લૅક સહિત અન્ય તળાવો ઓવરફ્લો થતા સહેલાણીઓ પ્રફુલિત થઈ ગયા છે.

