Uttarakhand/ હિમશિખરોનું પીગળવું બન્યું ચિંતાજનક, 23 શિખરોમાંથી 25 કિ.મી. બરફ ઘટ્યો

ઉત્તરાખંડના મધ્ય હિમાલયમાં હિમશિખરો (Glaciers) ઝડપથી પીગળી રહ્યાં હોવાના અહેવાલે વૈજ્ઞાનિકોની ચિંતા વધારી છે. દહેરાદૂન સ્થિત વાડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ હિમાલયન જિયોલોજીના સંશોધકોના અભ્યાસ અનુસાર ઉત્તરાખંડના 23 મોટા હિમશિખરોમાં કુલ 25 કિ.મી.થી વધુ બરફનો ઘટાડો નોંધાયો છે. વૈજ્ઞાનિકો માટે આ સ્થિતિ પર્યાવરણ અને ભવિષ્યના જળસંકટને લઈને ગંભીર ચેતવણી સમાન છે.
23 હિમશિખરોના અભ્યાસમાં મોટો ઘટાડો નોંધાયો
સંશોધકોની સમીક્ષા ‘ડિસ્કવરી જિયોસાયન્સ’ જર્નલમાં પ્રકાશિત થઈ છે. આ અભ્યાસમાં વર્ષ 1990થી 2024 દરમિયાન પ્રકાશિત થયેલા વિવિધ સંશોધન, ફિલ્ડ સર્વે, સેટેલાઈટ ઈમેજરી (Satellite Imagery), ડિજિટલ એલિવેશન મોડલ (DEM) અને અન્ય ઉપલબ્ધ અભ્યાસોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. સમીક્ષા અનુસાર ઉત્તરાખંડના 23 મોટા હિમશિખરોમાં કુલ 25,621.01 મીટર જેટલો ઘટાડો નોંધાયો છે.
ખાતલિંગ હિમશિખર સૌથી ઝડપી પીગળી રહ્યું
અભ્યાસમાં ટિહરી ગઢવાલનું ખાતલિંગ હિમશિખર સૌથી ઝડપથી પીગળતા હિમશિખરોમાં હોવાનું સામે આવ્યું છે. વર્ષ 1965થી 2014 વચ્ચે અહીં બરફ પીગળવાનો સરેરાશ દર વાર્ષિક 88 મીટર નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન ખાતલિંગ હિમશિખર લગભગ 4.34 કિ.મી. જેટલું ઘટ્યું છે. બરફમાં થયેલા આ ઘટાડાને કારણે હિમશિખર નાના ભાગોમાં વિભાજિત થયું હોવાનું અભ્યાસમાં જણાવાયું છે.
માત્ર વધતું તાપમાન જ જવાબદાર નથી
સંશોધકોના જણાવ્યા પ્રમાણે હિમશિખરોના પીગળવાનો દર માત્ર તાપમાનમાં થતા ફેરફાર પર આધાર રાખતો નથી. હિમની સપાટી પર જમા થતો ખડકો અને અન્ય કાટમાળ (Supraglacial Debris) પણ તેની ભૂમિકા ભજવે છે. કેટલાક હિમશિખરો પર આ કાટમાળ એક પ્રકારના ઈન્સ્યુલેશનનું કામ કરે છે, જેના કારણે બરફની સપાટી પીગળવાનો દર ધીમો પડી શકે છે. તેથી દરેક હિમશિખર પર બરફ પીગળવાની ગતિ અલગ જોવા મળે છે.
અપર અલકનંદા બેસિનમાં પણ બરફનું ક્ષેત્ર ઘટ્યું
વાડિયા ઈન્સ્ટિટયૂટના વરિષ્ઠ વૈજ્ઞાનિક મનીષ મહેતાના જણાવ્યા અનુસાર ઉત્તરાખંડના અપર અલકનંદા બેસિનમાં પણ બરફથી ઢંકાયેલા વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્ષ 1994થી 2020 દરમિયાન આ વિસ્તારમાં બરફ ઘટવાનો દર વાર્ષિક આશરે 9.3 મીટરથી વધીને 13.3 મીટર સુધી પહોંચ્યો હતો. આ આંકડા હિમાલયના બરફના આવરણમાં થઈ રહેલા ફેરફાર તરફ સંકેત કરે છે.
ઓછા વરસાદથી પાણી અને ખેતી પર સંકટની શક્યતા
બીજી તરફ આ વર્ષે અલ નીનોની અસરને કારણે દેશના 16 રાજ્યોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. જેના કારણે દેશના લગભગ 43 ટકા વિસ્તારમાં દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના આંકડા મુજબ 1 જૂનથી 18 સપ્ટેમ્બર 2026 સુધી દેશમાં 691.9 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે સામાન્ય વરસાદનો આંકડો 812.1 મીમી છે.
અનેક વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશમાં માત્ર 18 રાજ્યો એટલે કે લગભગ 55 ટકા વિસ્તારમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. આ ચોમાસામાં પૂર્વોત્તર ભારતમાં સામાન્ય કરતાં 25 ટકા ઓછો, ઉત્તર ભારતમાં 9 ટકા, મધ્ય ભારતમાં 6 ટકા અને દક્ષિણ ભારતમાં 28 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. વરસાદની ઘટની સીધી અસર ખેતી અને પાકની ઉપજ પર પડી શકે છે. આગામી સમયમાં પીવાના પાણીની અછતનું જોખમ પણ ઊભું થઈ શકે છે.
342 જિલ્લામાં વરસાદની ઘટ
દેશના કુલ 741 જિલ્લાઓમાંથી 342 જિલ્લામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. જ્યારે માત્ર 87 જિલ્લાઓમાં સામાન્ય કરતાં વધુથી અતિશય વધુ વરસાદ નોંધાયો છે. 305 જિલ્લાઓમાં સામાન્ય વરસાદ થયો છે, જ્યારે 342 જિલ્લાઓમાં ઓછાથી લઈને અત્યંત ઓછો વરસાદ નોંધાયો છે. એક તરફ હિમાલયમાં હિમશિખરોનું ઝડપથી પીગળવું અને બીજી તરફ દેશના અનેક વિસ્તારોમાં વરસાદની ઘટ ભવિષ્યના પાણી અને પર્યાવરણ અંગે ચિંતા વધારી રહી છે.

