Video: શ્રીનગરમાં દાલ સરોવર ખાતે પ્રવાસીઓએ શિકારા રાઈડની મજા માણી, ગંદકીને લઈને તંત્ર સામે ઠાલવ્યો રોષ

કુદરતી સૌંદર્યથી ભરપૂર કાશ્મીર ખીણના શ્રીનગરમાં દાલ સરોવર ખાતે પ્રવાસીઓનો ઘોડાપૂર ઉમટી રહ્યો છે. અહીં આવતા સૈલાણીઓ શિકારા સવારી કરીને સરોવરના શાંત પાણી અને આસપાસના મનોહર પહાડોનો નજારો માણી રહ્યા છે. પ્રવાસીઓનું કહેવું છે કે તસવીરોમાં જોવા મળતી સુંદરતા કરતાં વાસ્તવિક અનુભવ અને અહેસાસ ખૂબ જ અદ્ભુત હોય છે.
દાલ લેકના કુદરતી દ્રશ્યો મન મોહી લે તેવા છે, પરંતુ સરોવરની સ્વચ્છતા અંગે પ્રવાસીઓએ ચિંતા વ્યક્ત કરી છે. દાલ સરોવરમાં તરે છે તે હાઉસબોટમાંથી નીકળતા કચરાને કારણે પાણી પ્રદૂષિત થઈ રહ્યું હોવાનું સ્થાનિકો અને પ્રવાસીઓનું માનવું છે. સરોવરની સુંદરતા જાળવી રાખવા માટે તેને વધુ સ્વચ્છ રાખવાની અને તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવાની જરૂરિયાત જણાવાઈ છે.
કોલકાતા સહિત દેશના અન્ય ગરમ અને સામાન્ય તાપમાન ધરાવતા વિસ્તારોમાંથી આવતા પ્રવાસીઓ માટે શ્રીનગરનું હવામાન એક અનન્ય અનુભવ બની રહ્યું છે. સ્થાનિકો માટે આ સામાન્ય હવામાન હોઈ શકે છે, પરંતુ પ્રવાસીઓ માટે અહીંની ઠંડી અત્યંત રોમાંચક છે. આહલાદક વાતાવરણ અને શિકારાની મુસાફરી પ્રવાસીઓ માટે અવિસ્મરણીય યાદો બની રહી છે.






