VIDEO: અંબાલામાં ભારે પવન અને ગાજવીજ સાથે મુશળધાર વરસાદ
હરિયાણાના અંબાલા અને તેની આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી પડી રહેલી કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે અચાનક હવામાન પલટાયું છે. શનિવારે અંબાલામાં ભારે પવન અને ગાજવીજ સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. આ અણધાર્યા વરસાદના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ૪૧ ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયેલા મહત્તમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેનાથી અંબાલાવાસીઓને ગરમીમાંથી ભારે રાહત મળી છે. હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે હરિયાણા અને પંજાબના અનેક વિસ્તારોમાં આ પ્રકારનો બદલાવ જોવા મળ્યો છે. અંબાલામાં અચાનક આકાશ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને જોતજોતામાં તેજ ગતિએ ફૂંકાયેલા પવન સાથે જોરદાર વરસાદ શરૂ થઈ ગયો હતો. વરસાદના આ પ્રથમ સ્પેલને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને તાપમાન ગગડીને સામાન્ય સ્તર પર આવી ગયું છે.

