VIDEO: "આ કોઈ રાજા-મહારાજાનો દરબાર નથી! મન ફાવે તેમ ગેરહાજર રહો..." ગૌરવ ગોગોઈએ ગૃહમંત્રી પર સાધ્યું સણસણતું નિશાન
સંસદના સત્ર દરમિયાન વિપક્ષ અને સરકાર વચ્ચેનો ઘર્ષણ સતત વધી રહ્યો છે. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સંસદમાં ગેરહાજરી અને પ્રદર્શનકારીઓ પર પેલેટ ગન ચલાવવાના મુદ્દે કેન્દ્ર સરકાર અને ગૃહમંત્રી પર આકરા પ્રહારો કર્યા છે.
કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, "જ્યારે સંસદમાં શિક્ષણ જેવા મહત્વના વિષય પર બે દિવસ સુધી ચર્ચા ચાલી રહી હતી. જેમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પોતાના વિચારો રજૂ કર્યા હતા અને ભાજપ સરકાર તરફથી મંત્રી જિતેન્દ્ર સિંહ સહિત અનેક નેતાઓએ નિવેદનો આપ્યા હતા. ત્યારે ગૃહમંત્રી અમિત શાહ ક્યાં હતા? તેમણે આ ચર્ચામાં ભાગ કેમ ન લીધો?"
તેમણે વધુમાં ઉમેર્યું કે, "જ્યારે ખરેખર ચર્ચાનું શેડ્યૂલ નક્કી થયું હતું ત્યારે શિક્ષણ મંત્રી પણ હાજર રહ્યા ન હતા. અમે વિપક્ષ તરીકે છેલ્લા 15 દિવસથી ગૃહમાં તેમની હાજરીની માંગ કરી રહ્યા હતા, ત્યારે તેઓ ક્યાં હતા? આ કોઈ રાજા કે મહારાજાનો દરબાર નથી કે જ્યારે મન થાય ત્યારે ગેરહાજર રહેવાય. હવે સત્રના અંતે અચાનક આવીને તેઓ ચર્ચા કરવા માંગે છે? આ તેમનો કોઈ વર્ગખંડ કે વર્કશોપ નથી, પણ એક જવાબદાર ગૃહ છે."
ગૌરવ ગોગોઈએ પ્રદર્શનકારીઓ પર થયેલી કાર્યવાહી અંગે ગૃહમંત્રીના રાજીનામાની માગ કરતા કહ્યું કે, "ગૃહમંત્રીએ આ બાબતે જવાબદારી સ્વીકારવી પડશે કે પેલેટ ગન છોડવાનો ઓર્ડર ક્યાંથી આવ્યો હતો? શું આ આદેશ તેમની ઓફિસમાંથી આવ્યો હતો કે પછી તેઓ આનાથી અજાણ હતા? બંને સ્થિતિમાં તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. આ ઉપરાંત, 'દાન ચોરી' (Donation Theft) ના ગંભીર મુદ્દા પર પણ વિસ્તૃત ચર્ચા થવી જરૂરી છે."

