VIDEO: "આ કાર્યવાહી ACB ની નહીં, PM અને ભાજપની છે", દિલ્હી જલ બોર્ડ ટેન્ડર કેસમાં સત્યેન્દ્ર જૈનની ધરપકડ પર સંજય સિંહ ભડક્યા
દિલ્હી જલ બોર્ડ (DJB) ટેન્ડર કૌભાંડ કેસમાં આમ આદમી પાર્ટી (AAP) ના નેતા સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ ધરપકડને રાજકીય દ્વેષ ગણાવતા કહ્યું કે, આ પગલું તપાસ એજન્સીનું નથી પરંતુ ભાજપ અને વડાપ્રધાન દ્વારા રાજકીય ફાયદા માટે લેવાયેલું છે.
સંજય સિંહે સ્પષ્ટતા કરી કે, જે ટેન્ડરને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે તે ઓક્ટોબર 2022માં બહાર પાડવામાં આવ્યું હતું. જ્યારે સત્યેન્દ્ર જૈનની ધરપકડ 30 મે 2022ના રોજ જ થઈ ચૂકી હતી અને તેઓ જેલમાં બંધ હતા. જેથી આ આખા મામલા સાથે તેમને કોઈ લેવાદેવા નથી.
તેમણે દાવો કર્યો કે પંજાબની ચૂંટણીઓ નજીક આવતા જ બે વર્ષ જૂનો કેસ ઉખેળીને તેમને જેલમાં ધકેલવામાં આવ્યા છે. જૈન પંજાબના સહ-પ્રભારી તરીકે સંગઠન મજબૂત કરવાનું કામ કરી રહ્યા હતા, જેનાથી ડરીને ભાજપે આ પગલું ભર્યું છે.
ચૂંટણી વાળા રાજ્યોમાં પાર્ટીઓ તોડવી, ધારાસભ્યો-સાંસદોની ખરીદ-વેચાણ કરવી અને એજન્સીઓનો દુરુપયોગ કરી નેતાઓની ધરપકડ કરવી એ ભાજપની કાર્યપદ્ધતિ બની ગઈ છે. વિપક્ષ પ્રત્યેની કડવાશ પર પ્રહાર કરતા તેમણે કહ્યું, "જો તમને વિપક્ષ પ્રત્યે આટલો બધો ગુસ્સો હોય તો અમને બધાને ચાર રસ્તે ઊભા રાખીને ગોળીએ મારી દો, આ રોજ-રોજના નાટક કેમ કરો છો?"

