Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Arrest of former AAP minister Satyendra Jain, ACB action in Jal Board scam

AAPના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ, જલ બોર્ડ કૌભાંડમાં ACBએ કરી કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2026
લાઇવ ટીવીGoogle News
AAPના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ, જલ બોર્ડ કૌભાંડમાં ACBએ કરી કાર્યવાહી
સોર્સ : gstv

દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સત્યેન્દ્ર જૈનની એન્ટી કરપ્શન બ્રાન્ચ (ACB) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી જલ બોર્ડના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) ના ટેન્ડરમાં થયેલા કથિત કૌભાંડ મામલે તપાસ એજન્સીએ પૂર્વ મંત્રી સહિત કુલ 6 લોકો સામે આ આકરી કાર્યવાહી કરી છે.

App Store

પૂર્વ મંત્રી અને IAS અધિકારી સહિત 6 લોકોની ધરપકડ

ભ્રષ્ટાચાર નિરોધક શાખાએ મંગળવારે કાર્યવાહી કરતાં સત્યેન્દ્ર જૈન (Satyendar Jain) ઉપરાંત દિલ્હી જલ બોર્ડના પૂર્વ CEO અને IAS અધિકારી ઉદિત પ્રકાશ રાય, બોર્ડના પૂર્વ કોન્ટ્રાક્ટ કન્સલ્ટન્ટ અંકિત શ્રીવાસ્તવ, એનએન એન્ટરપ્રાઈઝિસના પ્રોપ્રાઈટર નાગેન્દ્ર યાદવ, યુરોટેક એન્વાયરન્મેન્ટ પ્રાઈવેટ લિમિટેડના માલિક રાજા કુમાર કુર્રા અને સૃજનહારના પ્રોપ્રાઈટર પંકજ વર્માની ધરપકડ કરી છે. આ મામલે 11 મે 2024 ના રોજ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.

શું છે દિલ્હી જલ બોર્ડ કૌભાંડનો સમગ્ર મામલો?

દિલ્હી સરકારના વિજિલન્સ ડિરેક્ટોરેટની ફરિયાદના આધારે થયેલી તપાસમાં સામે આવ્યું છે કે, દિલ્હી જલ બોર્ડના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અપગ્રેડેશન અને વિસ્તરણના ટેન્ડરમાં મોટા પાયે અનિયમિતતાઓ આચરવામાં આવી હતી. તપાસ મુજબ, ટેન્ડરની ટેકનિકલ શરતોમાં જાણીજોઈને એવા ફેરફાર કરાયા હતા. જેથી માત્ર એક ખાસ ખાનગી કંપની યુરોટેક એન્વાયરન્મેન્ટ પ્રાઈવેટ લિમિટેડને જ સીધો લાભ મળી શકે. આ પ્રક્રિયામાં સ્પર્ધા ખતમ કરવામાં આવી, પ્રસ્તાવિત પાયલોટ સ્ટડી કરાવાયો નહોતો અને ટ્રીટેડ પાણીના જરૂરી માપદંડો પણ હટાવી દેવાયા હતા.

1.52 કરોડ રૂપિયાની લાંચ અને નાણાકીય વ્યવહારો

તપાસ એજન્સીના નાણાકીય ઓડિટમાં બહાર આવ્યું છે કે કમિશન અને લાંચના નાણાં વિવિધ બોગસ ફર્મ્સ મારફતે ફેરવવામાં આવ્યા હતા. આરોપ છે કે તત્કાલીન CEO ઉદિત પ્રકાશ રાય અને તેમના સંબંધીઓના બેંક ખાતાઓમાં એનએન એન્ટરપ્રાઈઝિસ મારફતે 1.52 કરોડ રૂપિયાની લાંચ મોકલવામાં આવી હતી અને આ જ નાણાંથી કથિત રીતે સંપત્તિ ખરીદવામાં આવી હતી. અગાઉ ED દ્વારા પણ ડિસેમ્બર 2025માં આ કેસમાં 14 લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ હતી, જેમાં અંદાજે 6.73 કરોડ રૂપિયાની કથિત લાંચ અને 17.70 કરોડ રૂપિયાની ગુનાહિત કમાણીનો ખુલાસો થયો હતો.

આમ આદમી પાર્ટીના ભાજપ પર પ્રહાર

આ ધરપકડ બાદ રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી અનુરાગ ઢાંડાએ કેન્દ્ર સરકાર અને ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું કે, 'હવે વધુ કેટલા પુરાવા જોઈએ કે ભાજપ આપથી ડરે છે. જે જલ બોર્ડ ટેન્ડરનો હવાલો આપવામાં આવી રહ્યો છે તે સમયે સત્યેન્દ્ર જૈન જેલમાં હતા, તો તેઓ જેલમાંથી કેવી રીતે જવાબદાર હોઈ શકે? આ કાર્યવાહીનું અસલી કારણ એ છે કે તેઓ પંજાબના સહ-પ્રભારી છે.'