VIDEO: મોબાઈલ જોતા-જોતા રસ્તો પાર કરી રહ્યો હતો યુવક, બસની અડફેટે આવ્યો; હૃદયદ્રાવક ઘટના CCTVમાં કેદ
આંધ્ર પ્રદેશ (વિજયવાડા): વિજયવાડા જિલ્લામાં રસ્તો પાર કરતી વખતે મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહેલા એક યુવકનું માર્ગ અકસ્માતમાં દુઃખદ મોત થયું છે. સમગ્ર ઘટના ટ્રાફિક જંકશન પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અકસ્માત બાદ આસપાસના લોકોને પણ થોડા સમય સુધી સમજાયું નહોતું કે આખરે શું બન્યું.
CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના
અહેવાલો મુજબ, આ ઘટના એક વ્યસ્ત ટ્રાફિક ચોરાહે બની હતી. લગભગ 40 સેકન્ડના CCTV વીડિયોમાં જોવા મળે છે કે 8થી 10 લોકો રસ્તો પાર કરી રહ્યા હતા. તે દરમિયાન લીલી ટી-શર્ટ, કાળા શોર્ટ્સ અને ચપ્પલ પહેરેલો એક યુવક, જેના હાથમાં બેગ પણ હતી, રસ્તો પાર કરવા લાગ્યો. થોડા પગલાં આગળ વધ્યા બાદ તેણે ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢ્યો અને તેમાં વ્યસ્ત થઈ ગયો.
બાજુથી આવી રહેલી બસ પર ધ્યાન જ ન ગયું
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, યુવક મોબાઈલમાં સ્ક્રોલ કરવામાં એટલો વ્યસ્ત હતો કે બાજુમાથી આવી રહેલી બસ તરફ તેનું ધ્યાન ગયું જ નહીં. આ દરમિયાન લીલા અને સફેદ રંગની બસે તેને ટક્કર મારી હતી. બસની ઝડપ વધુ ન હોવા છતાં ટક્કર બાદ ડ્રાઈવર સમયસર બસ રોકી શક્યો નહોતો અને બસ યુવકના શરીર પરથી પસાર થઈ ગઈ. આ ગંભીર અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
પોલીસે તપાસ શરૂ કરી, ડ્રાઈવર હિરાસતમાં
અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બસ ડ્રાઈવરની અટકાયત કરી છે અને CCTV ફૂટેજ, પ્રત્યક્ષદર્શીઓના નિવેદન તેમજ અન્ય પુરાવાના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

