તિરુપ્પરંકુન્દ્રમ પહાડીની સુરક્ષા હવે CRPFને સોંપાઈ, મંદિરના ટ્રસ્ટી બોર્ડને સુપ્રીમ કોર્ટે કર્યું સસ્પેન્ડ

તિરુપરંકુન્દ્રમ મંદિરના દીપક વિવાદમાં કલેક્ટરે સુપ્રીમ કોર્ટની માફી માગી, ટ્રસ્ટ બોર્ડ પર ઠીકરું ફોડ્યું
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

તમિલનાડુના મદુરાઈ સ્થિત તિરુપ્પરંકુન્દ્રમ પહાડી પર કાર્તિકાઈ દીપમ પ્રગટાવવાના વિવાદમાં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર અને વહીવટી તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. શુક્રવારે સુનાવણી દરમિયાન કોર્ટે પહાડીની સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ને સોંપવાનો આદેશ આપ્યો હતો. સાથે જ અરુલમિગુ સુબ્રમણ્ય સ્વામી મંદિરના ટ્રસ્ટી બોર્ડને સસ્પેન્ડ કરીને મંદિરની વ્યવસ્થાની જવાબદારી કોર્ટ રિસીવરને સોંપી છે.

મંદિરની વ્યવસ્થા હવે કોર્ટ રિસીવરના હાથમાં

સુપ્રીમ કોર્ટે મંદિરના ટ્રસ્ટીઓ વ્યવસ્થાપન સંભાળવામાં નિષ્ફળ રહ્યા હોવાનું નોંધ્યું હતું. આથી મંદિરના સંચાલનની જવાબદારી કોર્ટ રિસીવરને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્ટ રિસીવર મંદિરની પૂજા પદ્ધતિ અને પરંપરાઓનું પાલન કરીને વ્યવસ્થા સંભાળશે. આ કામગીરીમાં રાજ્ય સરકારને જરૂરી સહયોગ આપવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. કોર્ટે અધિકારીઓને શનિવારે પહાડી પર આવેલા 'દીપથૂન' નામના પથ્થરના સ્તંભ પર દીવો પ્રગટાવવાની વ્યવસ્થા કરવા જણાવ્યું છે.

જાહેરાત

મંદિર અને દરગાહની સુરક્ષા CRPF સંભાળશે

સુપ્રીમ કોર્ટે પોલીસ અને વહીવટી અધિકારીઓની ભૂમિકા સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટના અગાઉના આદેશનો અમલ કરવામાં નિષ્ફળતા બદલ નારાજગી વ્યક્ત કરતાં મદુરાઈમાં CRPF કમાન્ડન્ટને મંદિર અને દરગાહ બંને ધાર્મિક સ્થળોની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. CRPF કમાન્ડન્ટે બંને સ્થળોએ સુરક્ષા જળવાઈ રહે અને વિસ્તારમાં શાંતિ તથા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાય તેની ખાતરી કરવાની રહેશે.

20 નવેમ્બરના આદેશનું પાલન ન થતાં કાર્યવાહી

આ વિવાદમાં સુપ્રીમ કોર્ટે 20 નવેમ્બરે વચગાળાનો આદેશ આપીને 24 નવેમ્બરે દીપથૂન સ્તંભ પર એક વખત દીપમ પ્રગટાવવાની મંજૂરી આપી હતી. જોકે, 24 નવેમ્બરે પહાડી પરના દીપથૂન સ્તંભને બદલે ઉચિપિલ્લૈયાર મંદિર પાસે આવેલા પરંપરાગત દીપમ મંડપમમાં જ દીવો પ્રગટાવવામાં આવ્યો હતો. આથી અરજદારો દ્વારા રાજ્ય સરકાર અને મંદિર વહીવટીતંત્ર પર સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન નહીં કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મામલે કોર્ટમાં અવમાનનાની અરજીઓ પણ દાખલ કરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ સુપ્રીમ કોર્ટે મંદિરના ટ્રસ્ટી બોર્ડને સસ્પેન્ડ કરીને વહીવટી વ્યવસ્થામાં હસ્તક્ષેપ કર્યો છે. મંદિરની પરંપરાઓ જાળવી રાખીને દીપમ પ્રગટાવવાની વ્યવસ્થા થાય તે માટે કોર્ટ રિસીવરને જવાબદારી સોંપવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત