"આતંક ફેલાવનાર દેશના મંત્રીને બિરયાની ખવડાવશે સરકાર..." – પાકિસ્તાની મંત્રી મુસાદિક મલિકની ભારત મુલાકાત પર કોંગ્રેસના આકરા પ્રહારો!

"આતંક ફેલાવનાર દેશના મંત્રીને બિરયાની ખવડાવશે સરકાર..." – પાકિસ્તાની મંત્રી મુસાદિક મલિકની ભારત મુલાકાત પર કોંગ્રેસના આકરા પ્રહારો!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

નવી દિલ્હીમાં આ અઠવાડિયે શરૂ થઈ રહેલી શાંઘાઈ સહયોગ સંગઠન(SCO) સમિટ પહેલા રાજકીય વિવાદ ઊભો થયો છે. ભારત સરકાર દ્વારા SCOના તમામ સભ્ય દેશોને મોકલવામાં આવેલા આમંત્રણ બાદ, પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે પોતાના પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રી મુસાદિક મલિકને આ સંમેલનમાં ભાગ લેવા દિલ્હી મોકલવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનના મંત્રીની ભારત મુલાકાતના સમાચાર સામે આવતા જ વિપક્ષી પાર્ટી કોંગ્રેસે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

કોંગ્રેસે ટ્વિટ કરીને ભાજપ-RSS પર લગાવ્યા ગંભીર આરોપો

જાહેરાત

કોંગ્રેસે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર ટ્વિટ કરીને કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે જે પાકિસ્તાને આતંકવાદીઓ મોકલીને ભારતીયોની હત્યા કરાવી, તે જ પાકિસ્તાનના મંત્રીનું મોદી સરકાર સ્વાગત કરશે અને તેમને બિરયાની ખવડાવશે. કોંગ્રેસે વધુમાં જણાવ્યું છે કે મોદી સરકારના આમંત્રણ પર SCO સિવિલાઇઝેશનલ ડાયલોગમાં ભાગ લેવા આવી રહેલા પાકિસ્તાની મંત્રી મુસાદિક મલિક એ જ વ્યક્તિ છે, જેમણે આ વર્ષે જૂન મહિનામાં ભારતનો હાથ કાપી નાખવાની ધમકી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અગાઉની પાકિસ્તાન મુલાકાતનો ઉલ્લેખ કરતાં કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ભાજપ અને RSSના લોકોનો પાકિસ્તાન પ્રેમ સમયાંતરે સામે આવતો રહે છે અને હવે તેઓ ભારતનો દ્વેષ કરનારા મુસાદિકની મહેમાનગતિ કરવામાં વ્યસ્ત છે.

મનીષ તિવારીએ પાકિસ્તાનના વલણ સામે ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસ તરફથી સાંસદ મનીષ તિવારીએ પણ મોરચો સંભાળતા કહ્યું કે, 2025ના પહેલગામ હુમલા બાદ અને છેલ્લા 4 દાયકામાં આતંકવાદને લઈને પાકિસ્તાનના વલણમાં કોઈ ફેરફાર થયો નથી. રવિવારે એક નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે, "એપ્રિલ 2025માં બૈસરન ઘાટીમાં આતંકી હુમલો થયો હતો, જેમાં ધર્મના નામે લોકોની ઓળખ કરીને તેમની હત્યા કરવામાં આવી હતી. એપ્રિલ 2025થી નવેમ્બર 2026 સુધીમાં શું બદલાયું છે? કંઈ જ બદલાયું નથી. પાકિસ્તાને 1970ના દાયકાથી આતંકવાદનો દોર શરૂ કર્યો હતો અને પોતાની ધરતી પર આતંકવાદનું નેટવર્ક ઊભું કરીને ભારત વિરુદ્ધ તેનો ઉપયોગ કર્યો છે, તેનો કોઈ ઉકેલ આવ્યો નથી." તિવારીએ સ્વીકાર્યું કે SCO સંમેલનમાં તમામ સભ્ય દેશોની અવરજવર સામાન્ય બાબત છે, પરંતુ તેમણે પાકિસ્તાનના વલણ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

પહેલગામ આતંકી હુમલો અને 'ઓપરેશન સિંદૂર'

ઉલ્લેખનીય છે કે 26 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ મોટો હુમલો કર્યો હતો, જેમાં ધર્મ પૂછીને ગોળીબાર કરતાં 26 લોકોના મોત થયા હતા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. આ ઘટના બાદ ભારતે આતંકવાદ સામે 'ઓપરેશન સિંદૂર' શરૂ કરીને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(PoK)માં આવેલા અનેક આતંકી ઠેકાણાઓ નષ્ટ કર્યા હતા, જેમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ત્યારબાદ ભારતે સિંધુ જળ સમજૂતી રદ કરીને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે લોહી અને પાણી સાથે વહી શકે નહીં, અને જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ સામે નક્કર પગલાં નહીં લે ત્યાં સુધી કોઈ વાતચીત થશે નહીં. મનીષ તિવારીએ આ જ ઘટનાક્રમનો ઉલ્લેખ કરીને સરકારને ઘેરી છે.

SCO સમિટમાં પાકિસ્તાનની ભાગીદારી અને ભારતનું વલણ

નવી દિલ્હીમાં 20થી 22 નવેમ્બર દરમિયાન SCO સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ભારતે 28 ઑક્ટોબરના રોજ પરંપરા મુજબ તમામ સભ્ય દેશોને આમંત્રણ મોકલવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જળવાયુ પરિવર્તન મંત્રી મુસાદિક મલિક આ સમિટમાં ભાગ લેવા ભારત જશે અને પાકિસ્તાન SCO હેઠળ પરસ્પર સન્માનની ભાવના સાથે સંવાદ અને લોકો વચ્ચેના સંપર્કને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે. બીજી તરફ, ભારત SCOના મંચ પરથી સરહદ પારના આતંકવાદનો મુદ્દો સતત ઉઠાવતું રહ્યું છે. ગત મહિને જ એક બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાની ઉપવડાપ્રધાન ઈશાક ડારની હાજરીમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આતંકવાદ મુદ્દે બેવડા ધોરણો સાંખી લેવામાં આવશે નહીં. નોંધનીય છે કે SCOમાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ઈરાન, ઉઝબેકિસ્તાન અને બેલારુસ સામેલ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત