બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ બમણો થઈ રૂ. 2.02 લાખ કરોડે પહોંચ્યો, RTI માં થયો ખુલાસો

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ બમણો થઈ રૂ. 2.02 લાખ કરોડે પહોંચ્યો, RTI માં થયો ખુલાસો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દેશના સૌથી મહત્વાકાંક્ષી 'અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ' ના ખર્ચ અને સમયમર્યાદાને લઈને એક મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. RTI હેઠળ સામે આવેલી વિગતો મુજબ, નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા માર્ચ 2026 સુધીમાં આ પ્રોજેક્ટ પાછળ રૂ. 92,761 કરોડનો ખર્ચ કરી દેવામાં આવ્યો છે, પરંતુ બીજી તરફ પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ વધીને લગભગ બમણો થઈ ગયો છે.

'બુલેટ ટ્રેન પ્રોજેક્ટ' તરીકે જાણીતા MAHSR નો સુધારેલો અંદાજિત ખર્ચ વધીને રૂ. 2,02,797 કરોડ પર પહોંચી ગયો છે, જે તેના શરૂઆતના રૂ. 1,08,000 કરોડના અંદાજ કરતાં લગભગ બમણો છે. 508 કિલોમીટર લાંબો આ કોરિડોર મહારાષ્ટ્ર, ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાંથી પસાર થાય છે.

જાહેરાત

જમીન સંપાદન માટેના વળતર સહિતના અન્ય વિવિધ મુદ્દાઓને કારણે આ પ્રોજેક્ટમાં નોંધપાત્ર વિલંબ થયો છે.

એક પત્રકાર દ્વારા દાખલ કરવામાં આવેલી RTI ના જવાબમાં NHSRCL એ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ મૂળ રૂપે 2023 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હતો. જોકે, પ્રોજેક્ટ પૂર્ણ થવાની સંભવિત સમયમર્યાદા અંગેના પ્રશ્નના જવાબમાં જણાવાયું છે કે, "તમામ કોન્ટ્રાક્ટ પેકેજોની ફાળવણી થયા બાદ જ પ્રોજેક્ટ પૂર્ણ થવાની અંદાજિત સમયમર્યાદા નક્કી કરી શકાશે."

જાપાનીઝ શિંકનસેનને બદલે સ્વદેશી ટ્રેનથી શરૂ થશે કામગીરી

શું જાપાનીઝ ટ્રેક ટેક્નોલોજી, બિન-જાપાનીઝ સિગ્નલિંગ અને ભારતમાં બનેલી ટ્રેનોનું સૂચિત સંયોજન મૂળ પ્રોજેક્ટ ડિઝાઇનનો ભાગ હતું? તે પ્રશ્નના જવાબમાં જણાવાયું હતું કે, "શરૂઆતમાં જાપાનીઝ શિંકનસેન રોલિંગ સ્ટોકનો ઉપયોગ કરીને કામગીરી શરૂ કરવાનું આયોજન હતું. જોકે, હવે સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલા ટ્રેનસેટનો ઉપયોગ કરીને સંચાલન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે."

સિગ્નલિંગ સિસ્ટમની ખરીદીને લઈને ભારત અને જાપાન સરકાર વચ્ચે થયેલા કથિત મતભેદો અંગેના પત્રવ્યવહારની નકલો માંગવામાં આવી હતી, જે આપવાનો ઈનકાર કરતા જણાવાયું હતું કે, "બંને સરકારો વચ્ચે થયેલા નોન-ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ (NDA) હેઠળ આવરી લેવાયેલા હોવાથી આ દસ્તાવેજો શેર કરવા પર પ્રતિબંધ છે."

ફેબ્રુઆરી 2027 માં રવાના થશે પ્રથમ સ્વદેશી ટ્રેનસેટ

ટ્રેનોની ડિલિવરીના સમયપત્રક અને તેના સુધારેલા શેડ્યૂલ અંગેના પ્રશ્નના જવાબમાં કહેવામાં આવ્યું છે કે, "BEML લિમિટેડ તરફથી પ્રથમ સ્વદેશી ટ્રેનસેટની રવાનગી ફેબ્રુઆરી 2027 માં કરવાનું આયોજન છે. ત્યારબાદ અન્ય ટ્રેનસેટ પણ આવશે."

ભારતમાં નિર્મિત ટ્રેનોના ઉપયોગ અંગે જાપાન સરકારે મંજૂરી આપી હતી કે વાંધો ઉઠાવ્યો હતો તે અંગેના રેકોર્ડ્સ આપવાનો NHSRCL એ ઈનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે RTI એક્ટની કલમ 9 (1) (f) મુજબ આવા રેકોર્ડ્સ પૂરા પાડી શકાય નહીં. આ કલમ સરકારને વિદેશી સરકાર પાસેથી ગુપ્ત રીતે મળેલી માહિતી જાહેર કરવામાંથી મુક્તિ આપે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત