અકાલી દળને BJPની જરૂર, પણ ભાજપ કેમ નથી માનતું? ગઠબંધનની વાત ક્યાં અટકી?

પંજાબમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી (Assembly Election) યોજાવાની છે. ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિરોમણિ અકાલી દળ (SAD) વચ્ચે ફરી ગઠબંધન (Alliance) થવાની અટકળો તેજ બની છે. બંને પક્ષ વર્ષો સુધી સાથે રહ્યા હતા, પરંતુ 2020માં કૃષિ કાયદાઓના વિરોધ વચ્ચે અકાલી દળે NDA (National Democratic Alliance) સાથે છેડો ફાડ્યો હતો. હવે બદલાયેલા રાજકીય સમીકરણો વચ્ચે બંને પક્ષ ફરી નજીક આવવાના પ્રયાસો કરી રહ્યા હોવાની ચર્ચા છે.
સૂત્રોના હવાલાથી મળતી માહિતી પ્રમાણે, અકાલી દળના સુખબીર સિંહ બાદલના નેતૃત્વ હેઠળના નેતાઓ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ વચ્ચે ગઠબંધન અંગે ઉચ્ચ સ્તરીય વાતચીત (High-Level Talks) ચાલી રહી છે. અકાલી દળની એકમાત્ર લોકસભા સાંસદ હરિસિમરત કૌર બાદલ, તેમના ભાઈ અને પૂર્વ મંત્રી વિક્રમ સિંહ મજીઠિયા સહિતના નેતાઓ ફરી ભાજપ સાથે આવવાની તરફેણ કરી રહ્યા છે.
અલગ ચૂંટણી લડવાથી બંને પક્ષને નુકસાન
2020 પછી ભાજપ અને અકાલી દળે અલગ-અલગ ચૂંટણી લડી છે. 2022ની પંજાબ વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણી (Lok Sabha Election)માં બંને પક્ષો અલગ મેદાનમાં ઉતર્યા હતા. તેનું પરિણામ બંને માટે ખાસ સારું રહ્યું નહોતું.
2022માં આમ આદમી પાર્ટી (AAP)એ જંગી બહુમતી મેળવીને સરકાર બનાવી હતી. ત્યારબાદ 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ (Congress)એ પંજાબમાં સૌથી વધુ બેઠકો જીતીને પોતાની સ્થિતિ મજબૂત કરી હતી.
પરંપરાગત રીતે ભાજપ અને અકાલી દળનું ગઠબંધન એકબીજાના પૂરક (Complementary) મતબેંક પર આધારિત હતું. ભાજપને પંજાબના શહેરી હિન્દુ મતદારોનો ટેકો મળતો હતો, જ્યારે અકાલી દળનો મજબૂત આધાર ગ્રામ્ય વિસ્તારો અને શીખ મતદારોમાં હતો. બંને પક્ષ અલગ-અલગ સામાજિક વર્ગોમાં પ્રભાવ ધરાવતા હોવાથી ગઠબંધનનું ચૂંટણી ગણિત (Electoral Equation) અસરકારક બનતું હતું.
હવે ભાજપનું પલડું ભારે?
2024ની લોકસભા ચૂંટણીના મતશેર (Vote Share) પર નજર કરીએ તો બંને પક્ષોની સ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. અહેવાલ મુજબ ભાજપનો મતશેર લગભગ 9 ટકાથી વધીને 18 ટકા થયો છે, જ્યારે અકાલી દળનો મતશેર 27 ટકાથી ઘટીને આશરે 13 ટકા રહ્યો છે.
ભાજપને લોકસભામાં એક પણ બેઠક મળી નહોતી, છતાં તેના મતશેરમાં નોંધપાત્ર વધારો થયો હતો. ખાસ કરીને શહેરી વિસ્તારો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભાજપે કેટલાક દલિત અને શીખ મતદારો સુધી પહોંચ બનાવવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ અકાલી દળનો પરંપરાગત મત આધાર નબળો પડ્યો છે. આ સ્થિતિ ગઠબંધનની વાતચીતમાં ભાજપને વધુ મજબૂત Bargaining Position આપી શકે છે.
ગઠબંધનમાં સૌથી મોટો પેચ ક્યાં છે?
2020 બાદ અકાલી દળ અને કોંગ્રેસના કેટલાક મોટા નેતાઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. અકાલી દળના મજબૂત ગઢ ગણાતા માઝા વિસ્તારમાંથી અમરપાલ બોની, મનજીત સિંહ મન્ના અને રવિ કરણ સિંહ કાહલો જેવા પૂર્વ નેતાઓ ભાજપમાં ગયા છે.
કોંગ્રેસમાંથી પણ કેવલ ધિલ્લોં અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ જેવા મોટા નામ ભાજપમાં સામેલ થયા છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા એચ.એસ. ફૂલ્કા પણ ભાજપ સાથે જોડાયા હોવાનો અહેવાલ છે. તેઓ બાદલ પરિવારના પ્રખર વિરોધી તરીકે ઓળખાતા રહ્યા છે.
આવા સંજોગોમાં ભાજપ અને અકાલી દળ ફરી એક મંચ પર આવે તો બંને પક્ષના જૂના નેતાઓ અને કાર્યકરો વચ્ચે સમન્વય (Coordination) જાળવવો પડકારરૂપ બની શકે છે. સૌથી મહત્વની બાબત એ રહેશે કે શું બંને પક્ષના કાર્યકરો જમીની સ્તરે એકબીજાના ઉમેદવારોને મત ટ્રાન્સફર (Vote Transfer) કરાવી શકશે?
અકાલી દળ માટે ભાજપનો સહારો કેટલો જરૂરી?
હાલ અકાલી દળ અનેક રાજકીય પડકારોનો સામનો કરી રહ્યું છે. અમૃતપાલ સિંહ સાથે જોડાયેલું 'વારિસ પંજાબ દે' અને અન્ય અકાલી જૂથો તેના પંથિક (Panthic) મત આધારને અસર કરી રહ્યા છે. બીજી તરફ AAP અને કોંગ્રેસ પણ રાજ્યમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આથી અકાલી દળને ભાજપના રૂપમાં મજબૂત રાજકીય સાથીની જરૂરિયાત જણાઈ રહી છે. પરંતુ ભાજપની પોતાની વ્યૂહરચના પણ બદલાઈ છે. હવે ભાજપ માત્ર નાના સાથી પક્ષ તરીકે નહીં પરંતુ પંજાબમાં 'મોટા ભાઈ' (Big Brother)ની ભૂમિકા ભજવવા માંગે છે. શીખ બહુમતી ધરાવતી બેઠકો પર પણ પોતાના ઉમેદવારો ઉતારવાની ભાજપની તૈયારી ગઠબંધનની બેઠકો વહેંચણી (Seat Sharing)માં મોટો મુદ્દો બની શકે છે.
આ જ કારણસર બંને પક્ષ નજીક આવવાની ઇચ્છા ધરાવતા હોવા છતાં ગઠબંધનનું અંતિમ ગણિત હજુ સરળ બન્યું નથી. આવનારી ચૂંટણી પહેલાં કોણ કેટલી બેઠકો લડશે, કોનો ઉમેદવાર ક્યાંથી ઊભો રહેશે અને બંને પક્ષ પોતાનો મત આધાર કેવી રીતે એક કરશે, તેના પર આખા ગઠબંધનનું ભવિષ્ય નિર્ભર રહેશે.

