એડવેન્ચર બન્યું જીવલેણ! બીડ-બિલિંગમાં પેરાગ્લાઈડિંગ ટેક-ઓફની માત્ર 6 મિનિટમાં જ આકાશમાંથી નીચે પટકાયો 26 વર્ષીય યુવક, પરિવાર સામે જ થયું કરૂણ મોત!

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ પેરાગ્લાઈડિંગ સ્થળ બીડ-બિલિંગ ખાતે એક અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. ટૅન્ડમ પેરાગ્લાઈડિંગની ઉડાન દરમિયાન ગ્રેટર નોઈડાના 26 વર્ષીય યુવક શુભમ ડોભિયાલનું નીચે પટકાવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. ટેક-ઓફ કર્યાની માત્ર 6 મિનિટ બાદ જ યુવક પેરાગ્લાઈડરથી અલગ થઈને નીચે ગાઢ જંગલમાં ખાબક્યો હતો. આ ગંભીર ઘટના બાદ પોલીસે પાયલોટ વિરુદ્ધ બેદરકારી દાખવવા બદલ ગુનો નોંધી તપાસ તેજ કરી છે.
ઉડાનની 6 મિનિટ બાદ જ બન્યો જીવલેણ અકસ્માત
ગ્રેટર નોઈડાનો રહેવાસી શુભમ ડોભિયાલ પોતાની બહેન અને અન્ય ત્રણ સંબંધીઓ સાથે હિમાચલ પ્રદેશ ફરવા ગયો હતો. મંગળવારે તેણે બિલિંગ ટેક-ઓફ સાઇટ પરથી સ્થાનિક પાયલોટ વિનય કુમાર સાથે ટૅન્ડમ પેરાગ્લાઈડિંગની ઉડાન ભરી હતી. ઉડાન શરૂ થયાની લગભગ 6 મિનિટ બાદ અચાનક શુભમ પેરાગ્લાઈડરમાંથી છૂટો પડીને નીચે પટકાયો હતો. તે નિર્ધારિત લેન્ડિંગ સાઇટ નજીક આવેલા ગાઢ જંગલ વિસ્તારમાં પડ્યો હતો અને ગંભીર ઈજાઓને કારણે તેનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. શુભમના પરિવારના અન્ય સભ્યોએ પણ તે જ દિવસે પેરાગ્લાઈડિંગ કર્યું હતું, પરંતુ તેઓ જ્યારે પોતાની ઉડાન પૂર્ણ કરીને લેન્ડિંગ સાઇટ પર પહોંચ્યા ત્યારે પાયલોટ તરફથી તેમને આ દુઃખદ સમાચાર મળ્યા હતા.
પાયલોટ સુરક્ષિત ઉતર્યો, કલાકોના સર્ચ ઓપરેશન બાદ મળ્યો મૃતદેહ
આ ભયાનક અકસ્માત છતાં પાયલોટ વિનય કુમાર સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવામાં સફળ રહ્યો હતો. જમીન પર ઉતર્યા બાદ પાયલોટે અન્ય સાથી પાયલોટ્સ અને સ્થાનિક લોકોને મુસાફર નીચે પડી ગયો હોવાની જાણ કરી હતી. ત્યારબાદ તાત્કાલિક ધોરણે રેસ્ક્યૂ અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. કલાકોની ભારે જહેમત બાદ મોડી સાંજે જંગલ વિસ્તારમાંથી શુભમનો મૃતદેહ મળી આવ્યો હતો.
પોલીસ કાર્યવાહી અને BNSની કલમો હેઠળ FIR
કાંગડાના પોલીસ અધિક્ષક (SP) કુલભૂષણ વર્માએ સમગ્ર ઘટનાની કાયદાકીય વિગતો આપતાં જણાવ્યું હતું કે, ERSS-112 હેલ્પલાઇન મારફતે 10 નવેમ્બરે EVENT ID 736559 હેઠળ આ દુર્ઘટનાની સૂચના મળી હતી. મૃતકની સાથે હાજર વંશિકાના નિવેદનો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 173 હેઠળ નોંધવામાં આવ્યા હતા. બીડ પોલીસ સ્ટેશનમાં 11 નવેમ્બર 2026ના રોજ FIR નંબર 89/2026 દાખલ કરી કોટલીના રહેવાસી પાયલોટ વિનય કુમાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 125 અને 106 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
સેફ્ટી બેલ્ટ અને હાર્નેસમાં ખામીની આશંકા: 'દરેક એંગલથી તપાસ'
પ્રારંભિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઉડાન દરમિયાન પ્રવાસીનો સેફ્ટી બેલ્ટ અથવા હાર્નેસ ઢીલો પડી ગયો હતો કે તેમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. હાલ પોલીસ અને ટેકનિકલ નિષ્ણાતો દ્વારા પેરાગ્લાઈડિંગના ઉપકરણોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. કાંગડાના ડેપ્યુટી કમિશનર હેમરાજ બૈરવાએ આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું કે, "આ સમગ્ર મામલાની દરેક પાસાથી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. ટૅન્ડમ પેરાગ્લાઈડિંગમાં પ્રવાસીઓ સંપૂર્ણપણે પાયલોટ અને સુરક્ષા ઉપકરણો પર ભરોસો મૂકે છે, તેથી સુરક્ષાના તમામ ધોરણોનું કડક પાલન થવું અત્યંત અનિવાર્ય છે."
વિશ્વના ટોચના પેરાગ્લાઈડિંગ સ્થળોમાં સામેલ બીડ-બિલિંગમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર એડવેન્ચર સ્પોર્ટ્સમાં ઉપકરણોની ચકાસણી, સેફ્ટી હાર્નેસની ગુણવત્તા અને પાયલોટ્સની જવાબદેહી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.












