ટેક્સ અને ઓનલાઇન પેમેન્ટના નિયમો રાતોરાત બદલાયા: રાષ્ટ્રપતિની મંજૂરીની લાગી મહોર, સામાન્ય જનતાને શું થશે અસર?

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટેક્સ અને ઓનલાઇન પેમેન્ટ સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ નવા કાયદાઓને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ ફેરફારોથી વિદેશી કંપનીઓ દ્વારા ભારતમાં રોકાણ કરવા, ઇલેક્ટ્રોનિક્સ સામાનના ઉત્પાદન અને ડિજિટલ પેમેન્ટ સંબંધિત નિયમોમાં વ્યાપક બદલાવ આવશે.
કાયદા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, 'ટેક્સેશન એન્ડ અધર લોઝ (અમેન્ડમેન્ટ) એક્ટ, 2026' અને 'પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007'માં સંશોધન કરતા એક્ટને 17 ઓગસ્ટ 2026ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. આ બંને બિલો અગાઉ 10 ઓગસ્ટના રોજ સંસદમાં પસાર કરવામાં આવ્યા હતા અને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ હવે તે કાયદાનો ભાગ બની ગયા છે. સરકાર આ ટેક્સ કાયદાઓ દ્વારા ભારતમાં વધુ વિદેશી રોકાણ લાવવા માંગે છે. સાથોસાથ, દેશમાં ઇલેક્ટ્રોનિક્સ સામાન બનાવતી કંપનીઓને પ્રોત્સાહન આપવા અને વિદેશી ક્લાઉડ કંપનીઓ માટે ભારતના ડેટા સેન્ટર્સનો ઉપયોગ વધુ સરળ બનાવવાનો પ્રયાસ કરાયો છે. આ માટે ટેક્સ સાથે જોડાયેલા નિયમોને પહેલાં કરતાં વધુ સ્પષ્ટ અને સરળ બનાવવામાં આવ્યા છે.
'પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007' માં સુધારો (UPI અને MDR સંબંધિત નિયમો)
MDR નક્કી કરવાની સરકારની સત્તા: આ એક્ટમાં થયેલા ફેરફાર બાદ હવે સરકાર એ નક્કી કરી શકશે કે કયા ડિજિટલ પેમેન્ટ્સ પર MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) વસૂલવામાં આવશે કે નહીં. સરળ શબ્દોમાં કહીએ તો UPI અને અન્ય ઇલેક્ટ્રોનિક પેમેન્ટ્સ પર લાગતા ચાર્જ અંગેના નિયમો નક્કી કરવાનો સીધો અધિકાર હવે સરકાર પાસે રહેશે. સમાચાર એજન્સી PTI અનુસાર, બિલ પર ચર્ચાનો જવાબ આપતાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી હતી કે સામાન્ય ગ્રાહકો માટે UPI પેમેન્ટ સંપૂર્ણપણે મફત રહેશે. ભવિષ્યમાં જો કોઈ પણ MDR લાગુ કરવામાં આવશે તો તે ફક્ત કેટલીક ચોક્કસ કેટેગરીના મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન્સ પર જ લાગુ થશે.
RuPay અને UPI પર વર્તમાન સ્થિતિ
હાલમાં UPI અને RuPay ડેબિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા પેમેન્ટ્સ પર બેંકો અને પેમેન્ટ કંપનીઓ યુઝર્સ પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લઈ શકતી નથી. હવે MDR સંબંધિત નિર્ણયો લેવામાં NPCIની અધ્યક્ષતાવાળી 'UPI એન્ડ સર્વિસીસ સ્ટીયરિંગ કમિટી' પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે.
'ટેક્સેશન એન્ડ અધર લોઝ (અમેન્ડમેન્ટ) એક્ટ, 2026' (વિદેશી રોકાણ અને ટેક્સ છૂટ)
5 જૂનના ઓર્ડિનન્સનું સ્થાન: આ નવો કાયદો ગત 5 જૂનના રોજ લાવવામાં આવેલા વટહુકમની જગ્યા લે છે. જેમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોને સરકારી બોન્ડ્સમાં રોકાણથી થતી વ્યાજની આવક અને કેપિટલ ગેઇન્સ પર ઇન્કમટેક્સમાં મુક્તિ આપવામાં આવી હતી. કાયદા હેઠળ વિદેશી રોકાણકારો અને ફંડ મેનેજર્સ માટે ભારતમાં કામગીરી શરૂ કરવી કે શિફ્ટ કરવી ઘણી સરળ બનાવવામાં આવી છે.
ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે 2040-41 સુધી ટેક્સ છૂટ
ભારતમાં કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર દ્વારા ઇલેક્ટ્રોનિક સામાન બનાવતી વિદેશી કંપનીઓને મળતી ઇન્કમટેક્સ છૂટને હવે 2040-41 સુધી લંબાવી દેવામાં આવી છે. એક્ટમાં સ્પષ્ટ કરાયેલી વસ્તુઓમાં મોબાઇલ ફોન, લેપટોપ, પર્સનલ કમ્પ્યુટર, ટેબ્લેટ, સર્વર તેમજ તેના મુખ્ય પાર્ટ્સ અને એક્સેસરીઝનો સમાવેશ થાય છે. ઇલેક્ટ્રોનિક્સ ફેક્ટરીઓ માટે કમ્પોનન્ટ્સના પુરવઠાને સુનિશ્ચિત કરવા માટે, ભારતમાં કોઈપણ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરરને સપ્લાય કરવા માટે કસ્ટમ્સ વેરહાઉસમાં કમ્પોનન્ટ્સ રાખતી વિદેશી કંપનીઓને 15 વર્ષ માટે ઇન્કમટેક્સમાંથી મુક્તિ આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

