VIDEO: ખાંડ-ગોળના ભાવમાં અચાનક મોટો ઉછાળો: તહેવારો બગડે તે પહેલાં મોદી સરકારે બનાવ્યો ભાવ કાબૂમાં લેવાનો માસ્ટરપ્લાન!
ભારતમાં તહેવારોની મોસમ શરૂ થતાં જ રોજિંદા વપરાશની મહત્ત્વની વસ્તુ ખાંડના ભાવમાં થયેલા વધારાએ સામાન્ય લોકોની ચિંતા વધારી દીધી છે. વધતી મોંઘવારીના કારણે સામાન્ય પરિવારોનું બજેટ ખોરવાયું છે, જ્યારે બીજી તરફ આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. વિપક્ષનો આરોપ છે કે સરકારે ઈથેનોલ બનાવવા માટે શેરડી અને ખાંડનો ઉપયોગ કર્યો છે, જેના કારણે બજારમાં ખાંડની અછત સર્જાઈ અને ભાવ આસમાને પહોંચ્યા. ખાંડ સાથે ગોળના ભાવમાં પણ વધારો થતાં તહેવારોનો સ્વાદ ફિક્કો પડવાની આશંકા સેવાઈ રહી છે, જે વચ્ચે કેન્દ્રીય મંત્રીનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે.
ખાંડ મોંઘી થવા પાછળના મુખ્ય કારણો
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી એ કેન્દ્ર સરકાર વતી સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, દેશમાં ખાંડની કોઈ અછત નથી, પરંતુ ભાવ વધવા પાછળ 2 મુખ્ય કારણો જવાબદાર છે. પહેલું કારણ શેરડીનો રેડ રોટ રોગ અને બીજું કારણ અલ નીનો વેધર પેટર્ન છે. આ બંને પરિસ્થિતિઓના લીધે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખાંડના ઉત્પાદન પર વિપરીત અસર પડી છે.
ભારતમાં ખાંડની 280 લાખ ટન વાર્ષિક જરૂરિયાત
સરકાર પણ આ ભાવ વધારાને લઈને ગંભીર છે અને જરૂરી પગલાં ભરી રહી છે. ભારતમાં 280 લાખ ટન ખાંડની વાર્ષિક જરૂરિયાત રહે છે અને હાલ પૂરતો સરપ્લસ સ્ટોક ઉપલબ્ધ હોવાથી લોકોએ લાંબો સમય આ મોંઘવારી સહન કરવી નહીં પડે.
ઈથેનોલમાં ખાંડના ઉપયોગ અંગે ખુલાસો
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, ‘વિપક્ષ આક્ષેપ કરી રહ્યો છે કે, ઈથેનોલ બનાવવા માટે શેરડીનો ઉપયોગ કરાયો હોવાથી ખાંડનું ઉત્પાદન ઘટ્યું અને ભાવ વધ્યા, પરંતુ આ વાત તદ્દન ખોટી છે. ખાંડના ભાવ વધવા પાછળ ઈથેનોલ ઉત્પાદન જવાબદાર નથી. તહેવારો દરમિયાન ખાંડની પૂરતી ઉપલબ્ધતા રહે અને છૂટક ભાવ નિયંત્રણમાં આવે તે માટે સરકાર કાચી ખાંડની કામચલાઉ આયાત કરવાનો પણ નિર્ણય લઈ ચૂકી છે.’
વૈશ્વિક સ્તરે ખાંડ ઉત્પાદન પર સંકટની સ્થિતિ
વિવિધ અહેવાલો અનુસાર, અલ નીનો વેધર પેટર્નના કારણે ખાંડના ઉત્પાદન સામે જોખમ ઊભું થયું છે. આ કુદરતી ફેરફાર વિશ્વના મુખ્ય શેરડી ઉત્પાદક દેશોમાં પાકને નુકસાન પહોંચાડી રહ્યો છે. આ જ કારણથી વૈશ્વિક સ્તરે સપ્લાય ખોરવાઈ છે અને ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેની અસર જોવા મળી રહી છે.

