VIDEO: ખાંડના ભાવ વધતાં હવે અમદાવાદમાં ચા અને કોફીના ભાવમાં 5 રૂપિયાનો વધારો, અડધી કટીંગ ચાના હવે 15 રૂપિયા
ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવ્યા બાદ હવે મોંઘવારી હવે છેક ચાની કિટલીઓ સુધી પહોંચી છે. ખાંડના ભાવ વધતાં હવે અમદાવાદ શહેરમાં ચા અને કોફીના ભાવમાં 5 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. છેલ્લા દસેક દિવસમાં ખાંડના ભાવમાં ઉછાળો આવતાં ચા -કોફીની ચુસકી મોંઘી થતાં ગ્રાહકોના ખિસ્સા પર આર્થિક બોજ વધ્યો છે.
10 દિવસમાં ખાંડનો ભાવ 45થી વધી 70ને પાર
સ્થાનિક હોલસેલ અને રિટેલ બજારમાં છેલ્લા એક સપ્તાહથી ખાંડના ભાવ આસમાને પહોંચ્યા છે. માત્ર 10 દિવસ પહેલા 45 રૂપિયા પ્રતિ કિલો મળતી ખાંડનો કિલોનો ભાવ હવે 70 રૂપિયાને પાર થઈ ગયો છે. ખાંડ મોંઘી થતાં ચા-કોફી બનાવવાનો દૈનિક ખર્ચ ઘણો વધી ગયો છે, જેના કારણે ભાવ ચાનો સ્વાદ કડવો બન્યો છે. સાથે સાથે ચાની કિટલી ધરાવનારાઓ માટે ચા-કોફીનો ભાવ વધારવો મજબૂરી બની ગઈ છે.
અગાઉ 10 રૂપિયામાં મળતી અડધી કટીંગ ચા હવે 15 રૂપિયામાં મળશે, જ્યારે 15 રૂપિયા વાળી અડધી કોફીનો ભાવ વધીને હવે 20 રૂપિયા કરાયો છે. આ ઉપરાંત ચાની કિટલી પર 10 રૂપિયાનું ચા પાર્સલ આપવાનું બંધ કરીને લઘુત્તમ 15-20 રૂપિયાનું પાર્સલ શરૂ કરાયું છે. ખાંડ ઉપરાંત દૂધ અને ગેસના ભાવ પણ પહેલેથી જ વધારે છે. હવે ખાંડમાં પણ સીધો 25 રૂપિયા જેટલો વધારો થતાં ચા-કોફીના ભાવ વધ્યાં છે. બીજી તરફ, રોજીંદી રોજગારી મેળવતા શ્રમિકોથી માંડીને મધ્યમ વર્ગના નાગરિકો માટે હવે ચા પીવી પણ મોંઘી સાબિત થઈ રહી છે.

