'વિદ્યાર્થીઓને વિરોધ કરવાનો પૂરો અધિકાર છે': NALSAR કેસમાં સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (BCI)એ હૈદરાબાદની NALSAR યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓને વકીલ તરીકે નોંધણી (એનરોલમેન્ટ) કરવા પર રોક લગાવી દીધી હતી, જેનો ભારે વિરોધ થયો હતો. હવે આ મામલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતની બેંચે એક મહત્ત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, 'બંધારણમાં શાંતિપૂર્ણ અને કાયદેસર રીતે વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર દરેક નાગરિકને આપવામાં આવ્યો છે. તેથી વિદ્યાર્થીઓને પ્રોટેસ્ટ કરવાનો પૂરો હક છે અને તેમની સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં.'
'હું પણ વિદ્યાર્થી રહ્યો છું' - CJIની મહત્ત્વની ટિપ્પણી
CJI સૂર્યકાંતે સુનાવણી દરમિયાન પોતાના વિદ્યાર્થીકાળને યાદ કરતા કહ્યું હતું કે, 'હું પણ વિદ્યાર્થી તરીકે સક્રિય રહ્યો છું. જો માની પણ લઈએ કે તેઓ ખોટા છે, છતાં પણ તેમને વિરોધ કરવાનો અધિકાર છે. આ મારી અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાતચીત છે. આ મુદ્દો ઉઠાવનારા BCI કોણ છે? આ સંપૂર્ણપણે બિનજરૂરી છે અને BCIને આમાં કોઈ લેવાદેવા નથી.' ચીફ જસ્ટિસે તમામ વિદ્યાર્થીઓને વકીલ તરીકે પોતાની નોંધણી (રજિસ્ટ્રેશન) કરાવવા અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન સાથે જોડાવવા માટે કહ્યું હતું. આ ઉપરાંત, તેમણે એમ પણ કહ્યું હતું કે, 'હું આ વિદ્યાર્થીઓને મફત કાનૂની સહાય (લીગલ એઇડ) પૂરી પાડતા કોર્સ અને કામગીરી માટેની પેનલમાં સામેલ કરશે.
BCIએ સર્ક્યુલર પાછો ખેંચ્યો, વિદ્યાર્થીઓને મોટી રાહત
ચોતરફથી થયેલા વિરોધ અને સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ BCI દ્વારા આ સંબંધિત સર્ક્યુલર પાછો ખેંચી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત કોર્ટે આદેશ આપ્યો છે કે NALSARના વિદ્યાર્થીઓ સામે આ ઘટના અંગે કોઈ પણ પ્રકારની શિક્ષાત્મક કે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં. જોકે, આ મામલે 2 અઠવાડિયાની અંદર વળતું સોગંદનામું (અફિડેવિટ) દાખલ કરી શકાશે.
શું હતો સમગ્ર વિવાદ?
આ વિવાદની શરૂઆત નીટ (NEET) પેપર લીક સામે થયેલા વિદ્યાર્થીઓના પ્રદર્શનથી થઈ હતી. તે સમયે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસની એક ટિપ્પણીને ખોટી રીતે રજૂ કરાતા ગેરસમજ ઊભી થઈ હતી. આ બાબતથી નારાજ થઈને હૈદરાબાદની NALSAR લો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પોતાના દીક્ષાંત સમારોહ (પદવીદાન સમારોહ)માં CJIને મુખ્ય અતિથિ તરીકે બોલાવવાનો શાંતિપૂર્ણ વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓના આ વિરોધ સામે કડક વલણ અપનાવીને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (BCI)એ આ વિદ્યાર્થીઓના વકીલ તરીકેના રજિસ્ટ્રેશન (એનરોલમેન્ટ) પર રોક લગાવતો આદેશ આપ્યો હતો, જેને ચોતરફી વિરોધ બાદ હવે BCIએ પાછો ખેંચવો પડ્યો છે.

