CJI સૂર્યકાંતના વિરોધ મામલે BCIનો યુ-ટર્ન, એનરોલમેન્ટ પર રોક લગાવતો આદેશ પાછો ખેંચ્યો

હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના દીક્ષાંત સમારોહમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI)ને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવા સામે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનને પગલે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI)એ શરૂઆતમાં 2026ના લો ગ્રેજ્યુએટ્સના વકીલ તરીકેના એનરોલમેન્ટ પર રોક લગાવી દીધી હતી. જોકે, પાછળથી BCIએ પોતાનો આ આદેશ પાછો ખેંચી લીધો છે.
મામલો ઉભો કરનાર વ્યક્તિઓની ઓળખ કરવા નિર્દેશ
વિવાદ સર્જાયા બાદ BCIના ચેરમેન મનન કુમાર મિશ્રાએ યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર પાસે 3 દિવસમાં વિગતવાર રિપોર્ટ માંગ્યો હતો. BCIએ વિરોધ પ્રદર્શન, બહિષ્કાર અને સોશિયલ મીડિયા કેમ્પેઈન ચલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, રિસર્ચ સ્કોલર્સ અને બહારના વ્યક્તિઓની ઓળખ કરવા નિર્દેશ આપ્યો હતો.
વકીલ બનવા પરની રોક લગાવતો નિર્ણય પરત ખેંચાયો
શરૂઆતમાં BCIએ તમામ સ્ટેટ બાર કાઉન્સિલને આદેશ આપ્યો હતો કે, NALSARના 2026ની બેચના વિદ્યાર્થીઓને વકીલ તરીકે એનરોલ ન કરવામાં આવે. પરંતુ ત્યારબાદ BCIએ આ નિર્ણય પર યુ-ટર્ન લેતા રોક હટાવી લીધી છે અને સ્પષ્ટ કર્યું છે કે, તપાસ રિપોર્ટ આવ્યા પહેલાં વિદ્યાર્થીઓ સામે કોઈ આખરી નિર્ણય લેવામાં આવશે નહીં.
ઉશ્કેરણીનો દાવો અને પૂર્વ અટોર્ની જનરલનો વિરોધ
BCIએ દાવો કર્યો છે કે, વિદ્યાર્થીઓને કેટલાક શિક્ષકો અને બહારના લોકોએ ઉશ્કેર્યા હતા. બીજી તરફ, દેશના પૂર્વ અટોર્ની જનરલ કેકે વેણુગોપાલ (KK Venugopal)એ બાર કાઉન્સિલના આકરા નિર્ણય સામે સવાલો ઉઠાવતા તેને 'રૂલ ઓફ લો'નું ઉલ્લંઘન ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, બાર કાઉન્સિલ પાસે વિદ્યાર્થીઓની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પ્રતિબંધ મૂકવાનો અધિકાર નથી.

