Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Speaker Om Birla will take a decision on the issue of rebellion in TMC after hearing both the parties.

TMCમાં 20 સાંસદોના બળવા મુદ્દે મમતા જૂથને પક્ષ રજૂ કરવા આમંત્રણ, બંને પક્ષોને સાંભળ્યા બાદ સ્પીકર લેશે નિર્ણય

Timeછેલ્લું અપડેટ : 16 Jun 2026
લાઇવ ટીવીGoogle News
TMCમાં 20 સાંસદોના બળવા મુદ્દે મમતા જૂથને પક્ષ રજૂ કરવા આમંત્રણ, બંને પક્ષોને સાંભળ્યા બાદ સ્પીકર લેશે નિર્ણય
સોર્સ : gstv

તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના બળવાખોર સાંસદો દ્વારા એક અજાણ્યા પક્ષ 'નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા' (NCPI) સાથે વિલય (મર્જર) કરવાની યોજનાને ચૂંટણી પંચના પૂર્વ અધિકારીએ એક 'અનોખો પ્રયોગ' (ઇનોવેશન) ગણાવ્યો છે. તેમણે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, આ પ્રકારના વિલયનો પક્ષપલટા વિરોધી કાયદા (એન્ટી-ડિફેક્શન લો) કે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ (રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ)માં કોઈ ઉલ્લેખ નથી. બંધારણીય નિષ્ણાત અને લોકસભાના પૂર્વ સેક્રેટરી જનરલ પીડીટી આચારીએ બંધારણની 10મી અનુસૂચિના પેરેગ્રાફ 4નો હવાલો આપતા સ્પષ્ટ કર્યું કે, માત્ર એક રાજકીય પક્ષ જ બીજા રાજકીય પક્ષ સાથે ભળી શકે છે, માત્ર સાંસદો કે ધારાસભ્યો પોતાની મેળે કોઈ પક્ષ સાથે મર્જર ન કરી શકે. જો પક્ષનું હાઈકમાન્ડ વિલયનો નિર્ણય લે, તો જ સાંસદોએ તેને માનવો પડે છે.

App Store

સ્પીકર ઓમ બિરલા બંને પક્ષોને સાંભળ્યા બાદ લેશે નિર્ણય

સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભા સ્પીકર ઓમ બિરલા આ બળવાખોર જૂથને અલગ પક્ષ તરીકે માન્યતા આપવી કે નહીં તે અંગેનો આખરી નિર્ણય લેતા પહેલાં બળવાખોર સાંસદો અને મમતા બેનરજીના નેતૃત્વ હેઠળના મૂળ TMC પક્ષ, બંનેની દલીલો સાંભળશે. સ્પીકરની ઓફિસ દ્વારા મમતા બેનરજીના જૂથને ઈમેલ મોકલીને તેમનો સત્તાવાર પક્ષ અને અભિપ્રાય પણ માંગવામાં આવ્યો છે.

ચોમાસુ સત્ર પહેલાં લેવાશે નિર્ણય, કાયદા મંત્રાલયની સલાહ લેવાશે

સંસદના સૂત્રોના જણાવ્યા મુજબ, બળવાખોર નેતાઓની અલગ જૂથ તરીકે માન્યતા મેળવવાની માંગ પર સ્પીકર ઓમ બિરલા કાયદાકીય અભિપ્રાય (લીગલ ઓપિનિયન) લેશે. આ માટે કેન્દ્રીય કાયદા મંત્રાલયની લેખિત સલાહ માંગવામાં આવશે, જે વરિષ્ઠ કાયદા અધિકારી સાથે ચર્ચા કરીને પોતાનો રિપોર્ટ આપશે. કાયદાકીય સલાહ એટલા માટે લેવામાં આવી રહી છે જેથી ભવિષ્યમાં જો સ્પીકરના નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવે, તો તે ન્યાયિક તપાસમાં ટકી શકે. આ અંગેનો અંતિમ નિર્ણય જુલાઈના ત્રીજા સપ્તાહમાં શરૂ થનારા સંસદના ચોમાસુ સત્ર (મોનસૂન સેશન) પહેલાં લઈ લેવામાં આવશે.

20 સાંસદો સાથે TMCની કટોકટી વધી, NCPI પક્ષ આપશે NDAને ટેકો

TMCમાં રાજકીય કટોકટી રવિવારે ત્યારે વધુ ઘેરી બની જ્યારે બળવાખોર સાંસદોએ NCPI સાથે વિલયની જાહેરાત કરી અને સ્પીકર ઓમ બિરલાને મળીને લોકસભામાં બેસવા માટે અલગ વ્યવસ્થા કરવાની માંગ કરી. બળવાખોર સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે દાવો કર્યો છે કે TMCના બે તૃતીયાંશ એટલે કે 20 સાંસદોએ આ પત્ર પર સહી કરી છે. તેમણે એમ પણ જણાવ્યું કે, તેઓ NCPIમાં ભળીને કેન્દ્રમાં NDA સરકારને ટેકો આપશે.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચના રેકોર્ડ મુજબ NCPI પક્ષની નોંધણી જાન્યુઆરી 2023માં થઈ હતી અને પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના શંકરાઈલની એક ઇમારત તેનું સત્તાવાર સરનામું છે, પરંતુ રાષ્ટ્રીય રાજકારણમાં આ પક્ષનો પ્રભાવ નહિવત છે.