નેધરલેન્ડમાં ભારતીય કામદારો વિશે પિયુષ ગોયલની ટિપ્પણી પર ભડક્યા સોશિયલ મીડિયા યુઝર્સ

નેધરલેન્ડ્સમાં ભારતીય કામદારોની મહેનતનાં વખાણ કરવા જતાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ વિવાદમાં સપડાયા છે. ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથેની બેઠકમાં તેમણે કહ્યું હતું કે ભારતીયો સાંજે 5 વાગ્યા પછી કે વીકેન્ડમાં કામ કરવાની ના પાડતા નથી. તેમના આ નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ રહી છે. ટીકાકારોનો આરોપ છે કે કામના કલાકોની મર્યાદા ન હોવાને ભારતીયોની તાકાત ગણાવવી એ કર્મચારીઓના આરામ અને અંગત જીવનના અધિકારને અવગણવા સમાન છે.
પિયુષ ગોયલે શું કહ્યું હતું?
નેધરલેન્ડ્સમાં સોમવારે ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથેની બેઠક દરમિયાન પિયુષ ગોયલે ભારતીયોની કાર્યશૈલીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ભારતમાં કોઈ કર્મચારી સાંજે 5 વાગ્યે કામ પૂરું થયાની વાત કરતો નથી અને કોઈ ભારતીય વીકેન્ડ હોવાની યાદ પણ અપાવતો નથી. તેમણે દલીલ કરી હતી કે ભારતીયોની આ મહેનત અને મોટા પાયે કામ કરવાની ક્ષમતા વિદેશી કંપનીઓને તેમના વ્યવસાયનો વિસ્તાર કરવામાં મદદરૂપ થઈ શકે છે. જોકે, આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અનેક લોકોએ તેની ટીકા કરી હતી.
સોશિયલ મીડિયા પર કેમ થઈ રહી છે ટીકા?
ભારતીય પ્રોફેશનલ્સના એક વર્ગનું કહેવું છે કે કામ પ્રત્યેની નિષ્ઠા અને સતત લાંબા કલાકો સુધી કામ કરવાની મજબૂરી વચ્ચે તફાવત છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના વધતા ઉપયોગ, છટણી, ઓછા પગાર અને નોકરીની અનિશ્ચિતતા વચ્ચે મંત્રીનું નિવેદન કર્મચારીઓની મુશ્કેલીઓ પ્રત્યે અસંવેદનશીલ હોવાનું ટીકાકારો માને છે. એક સોશિયલ મીડિયા યુઝરે આક્ષેપ કર્યો હતો કે ભારતીય કામદારોને કુશળ પ્રોફેશનલ્સ તરીકે રજૂ કરવાને બદલે જાણે આરામના અધિકાર વગરના મજૂરો તરીકે દર્શાવવામાં આવી રહ્યા છે. કેટલાક યુઝર્સે આ નિવેદનની સરખામણી ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિના અઠવાડિયામાં 70 કલાક કામ કરવાના અગાઉના નિવેદન સાથે પણ કરી હતી.
કોંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમનો પ્રહાર
કોંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમે પિયુષ ગોયલના નિવેદનની ટીકા કરતાં કહ્યું હતું કે કામના કલાકોની વ્યાવસાયિક મર્યાદાનો અભાવ આપણી તાકાત છે તેમ ગણાવવું હાસ્યાસ્પદ છે. તેમના મતે, આ પ્રકારની વાત મહેનતુ ભારતીય નાગરિકોના સન્માન અને ગૌરવને ઓછું આંકે છે.
ઉદ્યોગપતિઓએ કર્યો બચાવ
બીજી તરફ, ઉદ્યોગપતિ અશ્નીર ગ્રોવર અને RPG ગ્રુપના હર્ષ ગોએન્કા સહિત કેટલાક લોકોએ મંત્રીના નિવેદનનું સમર્થન કર્યું હતું. હર્ષ ગોએન્કાના મતે, ભારતીયોની કાર્યશૈલી અને મહેનત કરવાની તૈયારી વૈશ્વિક સ્તરે દેશને સ્પર્ધાત્મક લાભ અપાવી શકે છે. આમ, પિયુષ ગોયલના નિવેદનને લઈને એક તરફ ભારતીયોની મહેનત અને કાર્યક્ષમતાની પ્રશંસા થઈ રહી છે, તો બીજી તરફ કામના કલાકો, કર્મચારીઓના અધિકારો અને વર્ક-લાઇફ બેલેન્સ અંગે ચર્ચા ફરી તેજ બની છે.














